9 પૈકી 7 બેઠકો મતદાન થશે: શિક્ષક મતદારો ઓળખપત્ર મતદાન મથકે રજૂ કરીને જ મતદાન કરી શકાશે
અબતક, રાજકોટ
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી અંતે લગભગ બે વર્ષ મોડી યોજાઈ રહી છે અને જેમાં સરકારના નવા એક્ટ સુધારા બાદ માત્ર ૯ બેઠકો માટેની ચૂંટણી યોજાઈ રહી હોઈ ભારે રસાકસી આ વખતની ચૂંટણીમાં જોવા મળશે. ૨૫મી સપ્ટેમ્બરે રાજ્યના વિવિધ મતદાન કેન્દ્રોમાં ચૂંટણી થનાર છે.જે દિવસે વિવિધ સંવર્ગના શિક્ષક મતદારો મતદાન કરી શકે તે માટે બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ૨૫મીએ જાહેર રજા રાખવામા આવી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર કરીને ખાસ એ પણ તાકીદ કરવામા આવી હતી કે નિવૃત્તિ, રાજીનામુ કે કોઈ અન્ય કારણોસર જે તે સંવર્ગનો હોદ્દો મતદાનના દિવસે ન હોય તો મતદાનને પાત્ર ગણાશે નહી અને મતદાન કરવુ બિનઅધિકૃત ગણાશે.જેથી મતદાન માટે મતદાર તરીકેનું નામ નોંધાયેલુ હોય તેવુ નમુના ખ મુજબનું પ્રમાણપત્ર જે તે સ્કૂલ તરફથી કે વ્યક્તિગત રીતે ફરજીયાત આપવાનુ રહેશે.જો કે હરિફ ઉમેદવારોની રજૂઆતને ધ્યાને લેતા ચૂંટણીની તારીખ નજીક હોવાથી બોર્ડ દ્વારા નમુખા-ખ મુજબનું પ્રમાણપત્ર ફરજીયાત આપવામાંથી મુક્તિ અપાઈ છે અને નવા પરિપત્ર મુજબ હવે પ્રમાણપત્ર આપવાની જરૃરીયાત નથી.જો કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલ ફોટા સહિતનુ કોઈ પણ ઓળખપત્ર મતદાન મથકે રજૂ કરીને જ મતદાન કરી શકાશે.