રૂ.૩૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામના ભાવે સોનાનું વેચાણ કરી નાણાની રિકવરી કરાઈ
ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા એક પેઢીને ત્યાં દરોડો પાડી સોનું સીઝ કરવામાં આવ્યું હતુ ત્યારબાદ પેઢી પાસેથી નાણાની રીકવરી ન થતા ૭૯૪ ગ્રામ સોનાની આજે જાહેર હરરાજી કરવામાં આવી હતી જેમાં રૂ.૩૧,૫૫૦ પ્રતિ ૧૦ ગ્રામની બોલી સૌથી ઉંચી હોવાથી તેને મંજૂર રાખવામાં આવી હતી.
રાજકોટ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટનાં અધિકારી ટી.એસ. ટીનવાલાએ જણાવ્યું કે રાજકોટના એક બિલ્ડર એ.બી. ઠકરાલને ત્યાં ૨૦૦૫માં એક રેડ પાડવામાં આવી હતી ત્યારે ૭૯૩.૬૭ ગ્રામ સોનું સીઝ કરવામાં આવ્યું હતુ સોનું પાછુ મેળવવા માટે ૩૨ લાખની ડિમાન્ડ હતી જેમાંથી તેઓ સંપૂર્ણ પૈસા ભરી શકે તેમ ન હતા તેના માટે ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા હરાજી કરવામાં આવી છે. હરાજી ૨૭૫૫૦થી શરૂ થઈ હતી. સવારે ૧૧ વાગ્યે અમદાવાદ, જૂનાગઢ, ગાંધીનગરથી લોકો હરાજી માટે આવ્યા હતા.
હરાજીમાં કુલ ૫૩ બોલીઓ આવી હતી અને હરાજીમાં ઉંચો ભાવ બોલી ખરીદી કરનાર રાજકોટની પાર્ટી મેસર્સ પરિ જવેલર્સ છે. કપીલ નલીનભાઈ પાટડીયા નામની વ્યકિત આ પેઢીનો માલીકી હક ધરાવે છે. ૩૧૫૫૦ પર ૧૦ ગ્રામ રૂપીયાના દરે સંપૂર્ણ સામાન ખરીદી લીધો છે. ખાસ તો આ હરાજીના કારણે ઈનકમટેક્ષ વિભાગની પૂરી રીકવરી મળી જશે.