રાજકોટ પોલીસના સાયબર સેલ દ્વારા ઉકેલાયા વિવિધ કેસોની મોડેસ ઓપરેન્ડીના આધારે નાગરિકો માટે મહત્વપૂર્ણ સૂચનો
પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરવા નાગરિકોએ રાખવી જોઇએ તકેદારી: નેટવર્કના પાસવર્ડ અન્ય સાથે શેર ન કરવા તાકીદ
રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન સાયબરને લઈ ગુનાઓની સંખ્યા વધતી જઈ રહી છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા રાજકોટ શહેરને સાયબર સેલ પોલીસ સ્ટેશન આપવામાં આવ્યું છે. તેના નિર્માણ બાદ જે રીતે શહેરમાં સાયબરના ગુનાઓની સંખ્યામાં જે વધારો થતો જોવા મળતો હતો તેમાં ભારે ઘટાડો થઈ ગયો છે. કહેવાય છે કે, સાયબર ક્રાઈમના ગુન્હાઓ ઓનલાઈન નાણાકીય છેતરપિંડી તથા મહિલાઓને થતી હેરાનગતિ, સોશ્યલ મીડિયાના હેકીંગ જેવા ગુનાઓનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતા જોવા મળ્યું હતું.
રાજકોટ શહેર સાયબર સેલની રચના ૨૭-૧૦-૨૦૧૮ના રોજ કરવામાં આવી હતી. હાલ સાયબર સેલની તમામ ગતિવિધિ પર રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશનર સિદ્ધાર્થ ખત્રી, ડીસીપી ઝોન-૧ રવિમોહન સૈની તથા ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાની સીધી રાહબરી હેઠળ સાયબર સેલ કાર્યન્વિધ થયું છે. સાયબર સેલ છેલ્લા ઘણા સમયથી એવા અનેકવિધ કેસોનું નિરાકરણ લાવ્યું છે જે એક સમયે ખૂબજ જટીલ મનાતા હતા. જેમાં એસીપી જે.એસ. ગેડમ, એસીપી જી.ડી. પલસાણા સહિત પીઆઈ એન.બી. દેસાઈ, પીએસઆઈ ડી.બી.ગઢવી, એસ.એસ.નાયર અને કે.જે.રાણાની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.
રાજકોટ પોલીસ સાયબર સેલ દ્વારા જે જટીલ ગુનાઓ ઉકેલવામાં આવ્યા અને આરોપીની મોડેસ ઓપરેન્ડી શું હતી તે અંગે નાગરિકો માટે મહત્વપૂર્ણ સુચનો સુચવવામાં સાયબર સેલ દ્વારા આવ્યા હતા. જેમાં ૧૭-૧૧-૨૦૧૮ના રોજ આરોપીએ સોશ્યલ મીડિયાના ફેસબુક આઈડીને હેક કરી બિભત્સ ફોટો તે આઈડીમાં મુકવામાં આવ્યા હતા જે અંગેની પોલીસ ફરિયાદ થતાં સાયબર સેલ વિભાગ આ કેસને સોલ્વ કરવા માટે મથ્યું હતું.
કેસમાં સફળતા મળ્યા બાદ તેઓએ સુચન તરીકે જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ કે જે પુરૂષ અથવા તો મહિલાએ તેમના આઈડીમાં પોતાનો પાસવર્ડ, મોબાઈલ નંબર કે જન્મ તારીખ કે વાહન નંબર ન રાખવો જોઈએ. સાથો સાથ પાસવર્ડને સ્ટ્રોંગ રાખવા માટે નિયમીત સમય દરમિયાન તેને બદલવા પણ જોઈએ. આ સાથે જ મહિલાઓએ પણ પોતાના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં પ્રાઈવસી રાખી અજાણ્યા લોકો સાથે પોતાનો ફોટો સેયર ન કરવો જોઈએ.
એવી જ રીતે એક કેસમાં ફરિયાદ કૌશાબેન ઝાલાવડીયાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટને કોઈ અજાણ્યા ઈસમે હેક કરવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે સાયબર સેલ દ્વારા તેની ટેકનીકલ એનાલીસીસ કરાતા તપાસ અર્થે આરોપી કુલદિપસિંહ વાઘેલાને પકડી પાડવામાં આવ્યો હતો કે જે ઈન્ટરનેટ ટુલ દ્વારા એક ફેક લીંગ બનાવી ફરિયાદીના મોબાઈલમાં મોકલી હતી.
ત્યારબાદ ફરિયાદી દ્વારા તે લીંકને ખોલતાની સાથે જ તેની સમગ્ર વ્યક્તિગત વિગતો આરોપીને મળી ગઈ હતી. આ કેસને સુલઝાવ્યા બાદ સાયબર સેલ દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા કે કોઈપણ અજાણ્યા માણસ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ કે લીંક પર કલીક કરવું કે લોગઈન ન થવું અને જો કોઈ વ્યક્તિ લાલચ આપી કોઈ એપ્લીકેશન ઈન્સ્ટોલ કરવાનું કહે તો તેના પર સહેજ પણ વિશ્ર્વાસ ન રાખવો.
વાત કરવામાં આવે તો ફરિયાદી બીપીનભાઈ પરમારે ફરિયાદ કરતા જણાવ્યું હતું કે, તેમના બેન્ક એકાઉન્ટમાંથી કોઈ અજાણ્યા ઈસમે તેની જાણ બહાર ૯,૨૭,૦૦૦ ચેક દ્વારા તેમજ એટીએમ દ્વારા ગેરકાયદેસર ઉચાપત કરી છે. આ અંગે સાયબર પોલીસ સ્ટેશન દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી તપાસમાં આરોપી જતીન રાખોલીયાનું નામ સામે આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી જતીનની એમઓ વિશે વાત કરવામાં આવે તો તે એટીએમ કાર્ડ અને કોરા ચેકની ચોરી કરી અને ફરિયાદીના ઘરમાંથી જ એટીએમ પીન નંબર જોઈ લઈ અને ચેકમાં ડુપ્લીકેટ સહિ કરી ચેક વટાવવાનો ગુનો કર્યો હતો.
કેસમાં સફળતા મળતાની સાથે જ સાયબર પોલીસ દ્વારા લોકોને સુચન કરવામાં આવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ તેમના ડેબીટ અથવા તો ક્રેડીટ કાર્ડ સલામત જગ્યાએ રાખવા જોઈએ અને કોઈ અજાણી વ્યક્તિને તેનો ઉપયોગ કરવા અથવા તો તેને સાચવવા આપવું ન જોઈએ. એવી જ રીતે કયારેય એટીએમ પાછળ એટીએમના પીન નંબર અથવા તેનો પાસવર્ડ ન લખવો જોઈએ અને કોઈ પણ વ્યક્તિને તેનો નાણાકીય વ્યવહાર બેંકમાં કરવા ન મોકલવા જોઈએ. જો આ તકેદારી કોઈપણ વ્યક્તિ દ્વારા રાખવામાં આવે તો બેંક સંબંધીત ગુનાઓ પર રોક લાગી શકે.
એવી જ રીતે ૧૮-૧૨-૨૦૧૮ના એક ગુના વિશે વાત કરવામાં આવે તો ફરિયાદ મનોજભાઈ પાલીયાનું ફેસબુક એકાઉન્ટ કોઈ વ્યક્તિએ હેક કરી પોતે મનોજભાઈ હોવાની ઓળખ આપી તે એકાઉન્ટમાંથી તેમના મિત્રો તથા સગા સંબંધીઓ પાસેથી યેનકેન પ્રકારે ‚પિયાની માંગણી કરવાની ફરિયાદ ફરિયાદી મનોજભાઈ પાલીયાએ નોંધાવી હતી. આ કેસની જાણ થતાં જ સાયબર ક્રાઈમ દ્વારા આરોપી પ્રિતેશ પ્રજાપતિની ધરપકડ કરી કુનેહપૂર્વક આ ગુનો ડિટેકટ કર્યો હતો.
ગુનાની મોડેસ ઓપરેન્ડી વિશે વાત કરીએ તો ફરિયાદી દ્વારા તેને પોતાનો મોબાઈલ નંબર પાસવર્ડ તરીકે રાખ્યો હતો જેથી તે નંબર આરોપીએ પાસવર્ડ તરીકે ઉપયોગ કરી આઈડી હેક કરતાની સાથે જ ફેસબુક ફ્રેન્ડને મેસેજ કરી રૂપિયાની માંગણી કરી હતી. કેસને સુલજાવવાની સાથે જ સાયબર સેલે રાજકોટના નાગરિકોને સુચન આપતા જણાવ્યું હતું કે, જો કોઈ પણ વ્યક્તિ ફોન અથવા તો સોશ્યલ મીડિયા મારફતે પૈસા કે કોઈ વસ્તુની માંગણી કરે તો પહેલા વ્યક્તિએ તેને ફોન કરી ખરાઈ કરવી અને નાગરિકો જો આટલું કરતા થઈ જાય તો જે સાયબરને લઈ ગુના થતાં હોય છે તેમાંથી તેઓ બચી શકશે.
સાયબર પોલીસ દ્વારા ઓનલાઈન નાણાકીય ફ્રોડ બાબતે અનેક સુચનો આપ્યા છે. જો તેની તકેદારી રાખવામાં આવે તો લોકો ઓનલાઈન નાણાકીય ફ્રોડનો ભોગ બનતા બચી જાય જેમાં નાગરિકોએ તેમના ડેબીટ તથા ક્રેડીટ કાર્ડના પીન નંબર બદલવા જોઈએ. સાથો સાથ પીન કોઈની સાથે સેયર અથવા તો તે વિશેની માહિતી કોઈને આપવી નહીં. જયારે પોતાના બેંકના ખાતા નંબર કે અન્ય વિગતો ફોન કે મોબાઈલ પરથી કોઈની સાથે તે અંગેની વાત કરવી નહીં, જો કોઈ નાણાકીય સંસ્થા, વિમા કંપની આ પ્રકારની માહિતી ફોન પર માંગતી હોય તો આ અંગેની માહિતી સહેજ પણ આપવી નહીં. એવી જ રીતે જો કોઈ નાગરિક નેટ બેન્કિંગ કે ઓનલાઈન નાણાકીય વ્યવહાર કરતા હોય તેના ઓટીપી પણ કોઈના સાથે સેયર ન કરવો.
એવી જ રીતે કોઈ એક નાગરિક દેશ કે વિદેશમાં વ્યવસાય કરતા હોય તો તે અંગેના નાણા ટ્રાન્સફર કરવા તથા બેંકની વિગતો સેયર કરવા ઈ-મેઈલ સાથે ફોન પર ક્ધફર્મેશન મેળવ્યા વગર નાણા ટ્રાન્સફર ન કરવાની પણ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. એવી જ રીતે પ્રજાજનો જયારે હોટલ, રેસ્ટોરન્ટ, શોપીંગ મોલ પેટ્રોલ પંપ ખાતેથી કોઈપણ ખરીદી કરી પીઓએસ મારફતે પેમેન્ટ કરતા સમયે જે તે વ્યક્તિએ જ તેના કાર્ડ સ્વાઈપ કરવા અને તેનો પીન કોઈપણ સાથે સેયર ન કરવો.
આ તમામ સુચનો જો કોઈ નાગરિક પાડે તો તે ઓનલાઈન ફ્રોડ અથવા કહી શકાય કે સાયબરથી થતાં ભોગ બનતા તેઓ અટકી જશે અને જે રીતે પોલીસ તંત્ર સાયબરને લઈ સજ્જ થઈ ગઈ છે ત્યારે સાયબરને લગતા ગુના કરતા પહેલા આરોપીઓ પણ વિચારતા થઈ ગયા છે. કારણ કે, ધીમે ધીમે નાગરિકોમાં જાગૃતતાનું પ્રમાણ પણ વધી રહ્યું છે.