બારડોલી તાલુકામાં ટોબેકો યુથ કેમ્પેઈન 2.0 અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરીની ટીમ દ્વારા તમાકુ વિરોધી ઝુંબેશ અંતર્ગત તમાકુ વેચાણના નિયમોનું ઉલ્લંઘન કરતા દુકાનદારોને સાવચેત કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી “સિગારેટ એન્ડ અદ્યતન ટોબેકો પ્રોડક્ટ્સ એક્ટ-2003” (COTPA)ના કડક અમલ પર ભાર મૂકવામાં આવ્યો છે. ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામના નોડલ ઓફિસર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલ અને એપિડેમિક મેડિકલ ઓફિસર ડો. કૌશિક મહેતાના માર્ગદર્શન હેઠળ આ ઝુંબેશના ભાગરૂપે મઢી અને સુરાલી ગામોમાં જનજાગૃતિ રેલી યોજાઈ હતી,

જેમાં આરોગ્ય અધિકારીઓ અને હેલ્થ સુપરવાઇઝરોની હાજરીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીઆરકે) વાંસકુઇ અને ઉવાના આશા બહેનો, ફિમેલ હેલ્થ વર્કર (FHW), મેલ હેલ્થ વર્કર (MPHW) અને સમુદાય આરોગ્ય અધિકારીઓ (CHOs) એ ભાગ લીધો હતો. 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુ ઉત્પાદનો વેચવા પર પ્રતિબંધ તેમજ શાળા પરિસરથી 100 મીટર રેડિયસની અંદર તમાકુ ઉત્પાદનનું વેચાણ કરવું ગેરકાયદેસર છે એવી દુકાનદારોને રેલીમાં સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત પ્રા.આ. કેન્દ્ર (પીઆરકે) સરભોણની ટીમે સ્થાનિક પોલીસ મથકના સહયોગથી તમાકુ વેચાણના નિયમોનું ભંગ કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરી રૂ. 800નો દંડ વસૂલ્યો હતો. આ અભિયાન દરમિયાન ટીમે દુકાનદારોને યોગ્ય માર્ગદર્શન તેમજ નિયમો અનુસાર દુકાનો પર સુચના બોર્ડ લગાવવાની સમજ આપી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.