સવારે 9 કલાકથી હરાજી શરૂ થશે : વેપારીઓને રૂડાનું આમંત્રણ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (“રૂડા” તરફથી તેમની માલિકીના “રૂડા” ટ્રાન્સપોર્ટનગર આણંદપર (નવાગામ)નાં સર્વે નં.207 પૈકીના 69-ચો.મીટરથી 312-ચો.મીટર સુધીના નાના-મોટા 11 પ્લોટની જાહેર હરરાજી “રૂડા” ટ્રાન્સપોર્ટનગરમાં આવેલ “રૂડા” કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ખાતે આવતીકાલે સવારના 9:00 કલાકે રાખવામાં આવેલ છે. જે માટે લોકો તરફથી ખુબ મોટા પાયે પુછપરછ થઇ રહેલ છે તથા સ્થળ પર પ્લોટ જોવા માટે પણ લોકોનો ધસારો જોવા મળી રહયો છે.
રાજકોટના લોકોનો આ હરરાજી પ્રત્યેનો ઉત્સાહ તથા બહોળો પ્રતિસાદ જોતા “રૂડા” વહીવટી તંત્ર પણ હરરાજીની કાર્યવાહીને આખરી ઓપ આપવા સજ્જ થઇ ગયું છે.હરરાજીમાં મુકાયેલ દરેક પ્લોટ પર સ્થળે પ્લોટ નંબર અને તેનું ક્ષેત્રફળ દર્શાવતી વિગતો પ્રદર્શિત કરવામાં આવેલ છે. આ હરરાજીમાં ભાગ લેનાર વ્યક્તિએ 100 ચો.મીટર સુધીનાં પ્લોટ માટે રૂ.1,00,000/- અંકે રૂપિયા એક લાખ પુરા અને 100 ચો. મીટરથી મોટા પ્લોટ માટે રૂ.2,00,000/- અંકે રૂપિયા બે લાખ પુરા ડીપોઝીટ પેટે ભરવાનાં રહેશે.
હરરાજીમાં પ્લોટ ખરીદનારે બોલેલ ઉંચી બોલીની 25% કિંમત સ્થળ પર જ ભરપાઇ કરવાની રહેશે. બાકીની 75% રકમ 60 દિવસમાં ભરપાઇ કરી દસ્તાવેજ કરાવી લેવાનો રહેશે. ખુલ્લા પ્લોટો ખરીદવાની આ સુવર્ણ તક ઝડપી લેવા “રૂડા” ચેરમેન અમિત અરોરા તથા મુખ્ય કારોબારી અધિકારી ચેતન ગણાત્રા તરફથી લોકોને આમંત્રણ આમંત્રણ પાઠવવામાં આવેલ છે.