પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મને સાંકળી લેતી ચાર દિવસીય શિવાર ફેરીનું સમાપન
રાજ્યમાં જળસંચય ક્ષેત્રે અગ્રેસર ભૂમિકા ભજવનાર રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવાની દિશામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સમગ્ર દેશમાં જેમણે પ્રાકૃતિક ખેતીની પહેલ કરીને કૃષિ ક્ષેત્રે એક નવી ક્રાંતિના મંડાણ કર્યા છે તેવા પદ્મશ્રી વિજેતા સુભાષ પાલેકરજીના નેતૃત્વમાં ૧૨મી ઓકટોબરથી શરૂ થયેલી શીવાર ફેરીનું ૧૫ ઓક્ટોબરના રોજ તળાજા તાલુકાના ટિમાણા ગામે સમાપન થયું હતું. આ શિવાર ફેરીમાં ઉપસ્થિત સુભાસ પાલેકરજીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સુભાસ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો દ્વારા જાણ આંદોલન નિર્માણ થઈ ચૂક્યું છે જે આગામી દિવસોમાં આંધીમાં પરિવર્તિત થઈ જશે.
સતત ચાર દિવસ ચાલેલી આ શીવાર ફેરી ગીર સોમનાથ જિલ્લાથી શરૂ થઈ ભાવનગર જિલ્લામાં સમાપ્ત થઈ હતી. આ ચાર દિવસ દરમિયાન ડોક્ટર સુભાષ પાલેકરજીના સાનિધ્યમાં સરેરાશ ૭૦૦ થી ૮૦૦ જેટલા કિસાનોએ આ ત્રણેય જિલ્લામાં આવેલા સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત લઈને સૌરાષ્ટ્રના પ્રગતિશીલ કિસાનોએ પ્રાકૃતિક કૃષિ દ્વારા મેળવેલા મબલક ઉત્પાદનની વિગતવાર માહિતી મેળવી હતી. આ દરમિયાન ડોક્ટર સુભાષ પાલેકરજીએ સૌરાષ્ટ્રના આ ત્રણેય જિલ્લાઓમાં આવેલા પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મથી પ્રભાવિત થઈને સ્પષ્ટ પણે એવી લાગણી વ્યક્ત કરી હતી કે આ મોડેલ ફાર્મ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાના કિસાનોને પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી તરફ વાળવા પ્રોત્સાહિત કરશે. માત્ર ગુજરાતના જ કિસાનો નહીં પરંતુ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, મધ્યપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ, બિહાર અને કેરાલા જેવાં રાજ્યના અંદાજે ૩૫ થી પણ વધુ કિસાનોએ આ શિવાર ફેરીમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત રાજ્યના ૨૬ જિલ્લાઓ કે જેમાં સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે. તેના ખેડૂતો ઉપરાંત મધ્ય તથા દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પણ શિવાર ફેરીમાં જોડાઈને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લઈને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી મહત્તમ કૃષિ ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીમાંથી માર્ગદર્શન લઈને સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત તથા મધ્ય કે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માત્ર એક ગાયથી ૩૦ એકરમાં ખૂબ જ ઓછા અથવા તો નહીવત ખર્ચ સાથે સારું એવું કૃષિ ઉત્પાદન મેળવીને કિસાનોએ કૃષિને પોષણક્ષમ બનાવી છે. સુભાષ પાલેકરે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી જ સાકાર બનશે. કારણકે પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો નહિવત છે જ્યારે ગુણવત્તાયુક્ત મબલક કૃષિ ઉત્પાદન મળવાને કારણે ખેડૂતોને સારોએવો આર્થિક ફાયદો પ્રાકૃતિક ખેતીમાં થાય છે. આ પ્રસંગે પદ્મશ્રી સુભાષ પાલેકરજીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ દિશામાં જનઆંદોલનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જે આગામી દિવસોમાં આંધીમાં ફેરવાશે. ગીર સોમનાથ, અમરેલી તથા ભાવનગર જિલ્લાના ૯ ગામોના વિવિધ પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મથી હું અત્યંત પ્રભાવિત થયો છું અને અને મને વિશ્વાસ છે કે, આગામી દિવસોમાં ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે. સુભાષ પાલેકરજીએ એ વાતનો આનંદ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત સરકાર પણ પ્રાકૃતિક ખેતીની દિશામાં એક આગવી પહેલ કરવા આગળ વધી રહેલ છે. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે.
આ શિવાર ફેરીમાં કિશાન અગ્રણી અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના પ્રખર સમર્થક પ્રફુલભાઇ સેંજલીયા, સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના રાજ્યના સંયોજક દીક્ષિત પટેલ તથા જેને આ સમગ્ર શિવાર ફેરીનું સફળ આયોજન કર્યું હતું અને યાત્રાને સફળ બનવવાની ભૂમિકા ભજવનાર રમેશભાઈ સાવલિયા તથા અનેક કિશાન અગ્રણીઓ જોડાયા હતા.