રાજકોટમાં ચાલી રહેલનીઓ રાજકોટ ફાઉન્ડેશન આયોજીત સાત દિવસીય શાસ્ત્રીય સંગીત અને કલા આધારીત રંગારંગ મહોત્સવ સપ્ત સંગીતિ-2024 ના ત્રીજા દિવસને પંડિત રાકેશ ચૌરસિયાજીના બાંસુરી વાદનના અભિભૂત કરતા કાર્યક્રમે શ્રોતાઓથી ખીચોખીચ ભરેલા રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરીયમમાં જાણે દિવ્ય માહોલ સર્જ્યો હતો. પં. રાકેશ ચૌરસિયાજી એ શ્રોતાઓને વાંસળીના સુરના પુર માં તરબોળ કર્યા હતા. કાર્યક્રમની શરુઆત ત્રીજા દિવસના કાર્યક્રમના પેટ્રન ઓરબીટ ઇન્ડિયા પ્રા. લિ. ના ડિરેક્ટર્સ  વિનેશભાઈ પટેલ, સમીરભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ,પંકજભાઈ પટેલ અને શુભેચ્છક ડો. ચૈતાલી દેકેવાડીયા રાણા અને ડો. ઇન્દ્રજીત રાણાના હસ્તે દિપ પ્રાગટયથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

પં. રાકેશ ચૌરસિયાએ ભૈરવી, આહિર ભૈરવ, લલિત, દરબારી, કાનડા, ધમન જેવા રોગોના પરોવેલા મણકા પર શ્રોતાઓ થયા મંત્રમુગ્ધ

સપ્ત સંગીતિના ત્રીજા દિવસે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કલાકાર, પં.હરિપ્રસાદજીના પટ્ટશિષ્ય અને ભત્રીજા, સૂરમણિ પં. રાકેશ ચૌરસિયાજીનુ બાંસુરી વાદન રજુ કરાયું હતું. મહિયર ઘરાનાના પં. રાકેશજી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત, કર્ણાટકી સંગીત ઉપરાંત આજની યુવા પેઢીને આકર્ષતા ફ્યુઝન મયુઝીક દ્વારા દેશ અને પરદેશના યુવાનોને તેમના સંગીતનું ઘેલુ લગાડયું છે. તેમણે સંગીત નાટ્ય અકાદમી સહિતના ઘણા નામી એવોર્ડ હાંસલ કરેલ છે. વાંસળી સાથે એની મીઠાશની બરાબરીમાં ઉતરે એવા તબલાવાદન પર તેમની સંગત કરી હતી અત્યંત નીવડેલા અને દેશના ટોચના તબલાવાદક પં. સત્યજીત તલવલકજીએ. તેઓ તાલયોગી પં. સુરેશ તલવલકરજીના શિષ્ય અને પુત્ર છે. તેમના માતા   પદમાંતાઈ તલવલકર દેશના સિનિયર ગાયિકાઓમાં નામના ધરાવે છે. તેમણે દેશના નામાંકીત કલાકારો સાથે તબલા સંગત કરી છે અને અનેક એકલ વાદનના કાર્યક્રમો કર્યા છે. રાકેશજી સાથે રાજકોટના કલાકાર અને રાકેશજીના શિષ્ય ચેતન રાઠોડને બાંસુરી વાદનમાં સહાયક કલાકાર તરીકે તેમના ગુરુ સાથે મંચ પ્રસ્તુતી કરવાનો મોકો પ્રાપ્ત થયો હતો.

પર્ફોર્મન્સની શરુઆત બાંસુરી વાદક પંડિત રાકેશ ચોરસીયા દ્વારા રાગ જોગ કૌંસ રૂપકતાલમાં પેશ કરી કરવામાં આવી હતી. તેમની સાથે રાજકોટના યુવા કલાકાર ચેતન રાઠોડ સહાયક બાસુરી વાદક તરીકે જોડાયા હતા. બીજી રજૂઆત પહેલા શ્રોતાઓને પંડિતજી દ્વારા જ્યારે પૂછવામાં આવ્યું કે હવે શું સાંભળશો? ત્યારે શ્રોતાઓએ વિવિધ રાગની ફરમાઈશની વર્ષા તેમના પર કરી ત્યારે રમુજ ભાવે તેમણે કહ્યું કે આ બધી ફરમાઈશમાં જે રાગ નથી તે રાગ દુર્ગા તમારી સમક્ષ પેશ કરું છું. ત્યારબાદ રાગ હંસધ્વનિની અદભુત પેશકશ શ્રોતાઓના દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી. જાણે નદીના વહેણમાંથી ખડખડતું પાણી પસાર થતું હોય તેમ તેમની બાંસુરીમાંથી સુરનો પ્રવાહ શ્રોતાઓને સતત ભીંજવતો રહ્યો હતો. તેમાં પણ સુર અને તાલની જુગલબંધી તો અજોડ, અદભુત અને અકલ્પનીય હતી. તબલા અને બાંસુરીની જુગલબંદી પછી શ્રોતાઓના તાલીઓના ગડગડાટ સાથેના સ્ટેન્ડીંગ ઓવેશનથી કલાકારો પણ ખુબ અભિભૂત થયા હતા.

ત્યારબાદ શ્રોતાઓની ફરમાઈશ પર રાગ ભૈરવીમાં સુંદર રાગમાળા પ્રસ્તુત કરી હતી. આ રાગમાળામાં આહિર ભૈરવ, લલિત, દરબારી કાનડા, મારુ બિહાર અને યમન જેવા રાગોના મણકા પારોવેલા હતા. સામાન્ય રીતે રાગ ભૈરવી પછી કોઈપણ કલાકાર સભાનું સમાપન કરે છે પણ આ તો રાજકોટ છે! શ્રોતાઓની માંગણીને વશ થઈને રાજકોટની તાસીર જાણતા હોય તેમ રાકેશજીએ કહ્યું કે અહીં તો ફાફડા અને જલેબી, મિષ્ટાન અને ફરસાણ બંનેનો સ્વાદ અરસપરસ ચાલે છે, તો રાગ ભૈરવી પછી ઇતિહાસમાં પહેલીવાર કોઈ કલાકારે પ્રસ્તુતિ આપી હોય તેવી અભૂતપૂર્વ ઘટના બની હતી. જેમાં તાલ ખેમટામાં રાગ પહાડી અને ગુજરાતની ધરતીને વંદન કરતા વૈષ્ણવજન, રઘુપતિ રાઘવ અને મોહે પનઘટ પે નંદલાલ જેવી ભજનની ધૂન રેલાવી વાતાવરણમાં ભક્તિરસ ભેળવી દીધો હતો.

આજે પં.શુભેન્દ્ર રાઓનું સિતારવાદન માણવા મળશે

આજે સપ્ત સંગીતિના ચોથા દિવસે પં. શુભેન્દ્ર રાઓનું સિતારવાદન માણવા મળશે. તેમની તાલીમ પિતાશ્રી રામા રાઓ પાસેથી થઈ હતી. ત્યાર બાદ પિતાશ્રીના ગુરુ ભારત રત્ન પં. રવિશંકરજી પાસે તાલીમ મેળવી છે. તેમણે ગુરુ પં. રવિશંકરજી સાથે અનેક કાર્યક્રમોમાં સિતાર પર સાથ આપ્યો છે. તેમની સાથે નેધરલેન્ડ્સના વતની સાસ્કિયા રાઓ કે જેઓ શુભેન્દ્રજીના પત્ની છે તેઓ ચેલો (વાયોલિનનું સ્વરુપ) વાદન કરશે. આ એક અનોખુ વાદ્ય છે, જે સપ્ત સંગીતિના માદ્યમથી રાજકોટની જનતાને માણવાનો મોકો મળશે. તેમની સાથે તેમનો પુત્ર ઈશાન રાઓ ડિજીટલ પિયાનો વાદનમાં સાથ આપશે. આ ડીજીટલ પીયાનો પણ શ્રોતાઓ માટે નવુ વાજીંત્ર અને અનોખી પેશકશ સાબીત થશે.

તબલાવાદનમાં ઉસ્તાદ અક્રમ ખાન કે જેઓ અજરડા ઘરનાના વિખ્યાત તબલા વાદક ઉસ્તાદ હશમત અલીખાન સાહેબના પુત્ર છે તેઓ સાથ આપશે. તેઓ પણ દેશના ટોચના તબલાવાદકોમાં સ્થાન ધરાવે છે.

આજે પ્રથમ ચરણમાં સંદીપસિંઘનું અનોખું દિલરૂબા વાદન માણવાની અનેરી તક

કાર્યક્રમના પ્રથમ ચરણમાં પ્રતિભાઓને પ્રોત્સાહીત કરવા મંચ પુરો પાડવાના ભાગરુપે સંદીપ સિંઘનું અનોખું દિલરુબા વાદન માણવા મળશે. તેમણે શરૂઆતની તાલીમ પિતાશ્રી ત્રલોચન સિંઘ પાસેથી 12 વર્ષની ઊંમરથી શરૂ કરી હતી. ત્યારબાદ એક વર્ષ સુધી જલંધરના ખ્યાતનામ સારંગી વાદક ઉસ્તાદ શમિન્દરપાલ સિંઘ પાસેથી અને સિતાર વાદક પં. મન્નુંકુમાર સેન પાસેથી પણ તાલીમ મેળવી છે. તેઓ સારંગીના વિખ્યાત સિકર ઘરનાના ઉસ્તાદ દિલશાદ ખાનના ગંડાબંધ શિષ્ય છે. તેમની સાથે રાજકોટના જાણીતા તબલા વાદક નિરજ ધોળકીયા તબલાવાદન રજુ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.