સાધુને ઈલેકટ્રીક શોક આપીને ધરાર ચોરીના ગુના માથે નાખી દેવાનો પ્રયાસ: પોલીસમાં અત્યાચારથી લોકોમાં રોષ
પડધરીમાં જુના ચોરીના ગુનાઓ કબુલ કરાવવા માટે એક માનસીક અસ્થિર સાધુને પોલીસે ઢોર માર મારીને ઈલેકટ્રીક શોક આપ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. સાધુ પર અત્યાચાર કરીને ધરાર તેના પર ચોરીના ગુના થોપી દેવાના આ બનાવથી ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ પડધરીમાં છેલ્લા ઘણા સમયથી રખડતુ ભટકતું જીવન જીવતા બંસીલાલ નામના માનસીક અસ્થિરસાધુની ધરપકડ કરીને પોલીસ દ્વારા તેને લોકઅપમાં પુરી દેવામાં આવ્યો હતો. આ માનસીક અસ્થિર સાધુને પોલીસે ઢોર મારમારીને ઈલેકટ્રીક શોક પણ આપ્યા હતા. આ અંગે બંસીલાલે કહ્યું કે પોલીસ દ્વારા બળજબરીથી જૂના ચોરીનાં ગુનામાં ફસાવી દેવા માટે ટોર્ચર કરવામા આવ્યું હતુ.
બેફામ મારમારીને વીજશોક પણ આપવામા આવ્યા હતા. પોલીસ દ્વારા એમ કહેવાયું કે તું ચોરીનો ગુનો કબુલ કરી લે તો તને છોડી મૂકવામાં આવશે આમ જુના ચોરીના ગુનામાં ફસાવી દેવા પોલીસે ઢોર મારમારી વીજ શોક પણ આપ્યા હતા. આટલુ કરવા છતા મેં ખોટી રીતે ગુનો કબુલ્યો ન હોવાથી અંતે છોડીમૂકયો હતો.
ઉલ્લેખનીય છે કે રખડતુ ભટકતુ જીવન જીવતા સાધુ બંસીલાલની માનસીક સ્થિતિ બરાબર નથી જે ગ્રામજનો પણ જાણે છે. અને પોલીસ પણ જાણે છે તેમ છતા આ નિદોર્ષ સાધુ પર પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે.