સાથણીમાં મળેલી જમીનમાંથી દબાણ દુર કરાવી દેવાના બદલામાં
પીએસઆઇ ભદોરીયાને લાંચ લેતા રાજકોટ એસીબીએ રંગે હાથ પકડયા
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ભદોરીયાને રાજકોટ એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે રૂ.૩ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે.
નિવૃત આર્મીમેનને સરકાર દ્વારા સાંથણીની ખેતીની જમીન આપી હતી. તે પૈકીની જમીનમાં કેટલાક શખ્સોએ જમીનમાં દબાણ કર્યુ હોવાથી મામલતદાર દ્વારા દબાણગ્રસ્ત સિવાઇની જમીનનો કબ્જો સોપી દીધો હતો.
આર્મીમેનના પુત્ર જમીનમાં ફેન્સીગ કરવાની અને બાવળ કાઢવાની કામગીરી કરતા હતા ત્યારે દબાણ કરનાર શખ્સો અડચણ કરતા હોવા અંગેની કલ્યાણપુર પોલીસ મથકમાં અરજી આપી હતી. આર્મીમેનના પુત્રની અરજીની તપાસ કરી દબાણ કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવાના બદલામાં પી.એસ.આઇ. શૈલેન્દ્રસિંહ સુરેશસિંહ ભદોરીયાએ રૂ.૩ લાખની લાંચની માગણી કરી હતી.
આર્મીમેનના પુત્રએ પી.એસ.આઇ. એસ.એસ.ભદોરીયાએ રૂ.૩ લાખની લાંચ માગ્યા અંગેની રાજકોટ એસીબીમાં ફરિયાદ નોંધાવતા એસીબીના મદદનીશ નિયામક એચ.પી.દોશીના માર્ગ દર્શન હેઠળ પી.આઇ. સી.જે.સુરેજા સહિતના સ્ટાફે કલ્યાણપુર પોલીસ મથકમાં જ લાંચનું છટકુ ગોઠવી પી.એસ.આઇ. એસ.એસ.ભદોરીયાને રૂ.૩ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા છે.