જૂનાગઢ બદલી થયા બાદ ત્યાં ફરજ પર હાજર થાય તે પહેલાં જ સસ્પેન્ડ હુકમ
અબતક,મોરબી
માળિયા મિયાણાં પાસે કરોડોની કિંમતની જમીન સત્તા અને વગના જોરે પોતાના મળતિયાના નામે કરાવી દઇ, તેમાં થયેલા દબાણને ખાલી કરવા દોડેલા મોરબીના પીએસઆઇની જૂનાગઢ બદલી થયા બાદ ત્યાં ફરજ પર હાજર થાય તે પહેલાં જ એસપીએ સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.
મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈ આર.એ જાડેજા પર માળીયા મિયાણામાં પોતાની સત્તા બહાર ખાનગી મિલકત પર દબાણ હટાવવા જવાનો આક્ષેપ થયો હતો, એટલું જ નહીં, મિત્રની જમીન પર ખડકાયેલી કેબિન હટાવવા કેબિનવાળા સાથે અભદ્ર વર્તન કરાયાનું સામે આવ્યુ હતું. આ વ્યક્તિએ જે તે સમયે એસપીને અરજી કરી હતી અને તેના પગલે સીપીઆઇએ તપાસ હાથમાં લઇ અને આ જ મુદાની તપાસ સીઆઇડી ક્રાઇમ પણ કરતી હતી.
આ જ વ્યક્તિએ કોર્ટમાં એફિડેવિટ કરીને કહ્યું કે એસપી, એલસીબી પીઆઇ અને તાલુકા પોલીસ પીઆઇ મારા વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવવા માટે ફરિયાદીને દબાણ કરે છે. આથી અદાલતે એવી ટકોર કરી હતી કે આ બાબતે ન્યાયી તપાસ થવી જોઇએ અને જો કસૂરવાર લાગે તો પીએસઆઇ સામે ગુનો દાખલ કરો. આ પીએસઆઈ પર અગાઉ વાંકાનેરમાં પણ કોંગ્રેસ આગેવાનનું ચૂંટણી સમયે અપહરણ કરવાના આક્ષેપ પણ લાગ્યા હતા.
જે બાદ તેઓની મોરબી એ ડિવિઝન પોલીસ મથકે બદલી કરાઈ હતી અને એ ડિવિઝનમાંથી હાલ પીએસઆઈ જાડેજા જિલ્લા પોલીસ ક્ધટ્રોલ ખાતે ફરજ બજાવતા હતા અને જૂનાગઢ જવાનું થાય તે પહેલાં જ તેમનો સસ્પેન્શનનો ઓર્ડર નીકળતાં મામલો ગરમાયો છે.