વરસાદમાં નાહવા માટે માતા પુત્રને બોલાવા ગયા અને સગીરને લટકતો જોઈ સ્તબધ બની ગયા
રાજકોટના વ્હોરા સોસાયટીમાં રહેતા ધોરણ 10ના છાત્રએ ગઇ કાલે સાંજે પોતાના ઘરે આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો છે. વરસાદમાં નાહવા માટે માતા પુત્રને બોલાવા ગયા ત્યારે સગીરના મૃતદેહને લટકતો જોઈ તેમના પર જાણે આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આવેલી વ્હોરા સોસાયટીમાં રહેતા મહેલમ યુનુસભાઈ બાદશાહ નામના 16 વર્ષના તરુણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે.
આ અંગે જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ પી.કે. ક્રિશ્ચિયન સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક મહેકમ બાદશાહે હજુ આ વર્ષે જ ધોરણ – 10ની પરીક્ષા પાસ કરી હતી અને આગળ સાયન્સ લેવું કે એન્જિનિયરમાં જાવું તે અંગે પરિવારમાં ચર્ચા વિચારણા ચાલતી હતી.
ગઇ કાલે સાંજે મહેલામ ચાર વાગ્યા સુધી પરિવારજનો સાથે જ હતો. ત્યાર બાદ તે ઉપરના રૂમમાં ચાલ્યો ગયો હતો. તે દરમિયાન વરસાદ શરૂ થતાં તેની માતાએ વરસાદનો આનંદ માણવા માટે માતાએ તેને ઘણીવાર બૂમો પાડી બોલાવ્યો હતો. પરંતુ તરુણ નીચે નહિ આવતા માતાએ તપાસ માટે ઉપર ગયા હતા.
માતાએ ઉપરના રૂમનો દરવાજો ખોલવાની કોશિષ કરી હતી. પરંતુ દરવાજો બંધ હોવાથી બાજુમાં બારીએ થી જોતા તેઓએ મહેલમને લટકતી હાલતમાં જોતા પગ નીચેથી જમીન ખસી ગઇ હતી. મહેલમે પંખા સાથે દુપટ્ટો બાંધી આપઘાત કરેલી હાલતમાં જોતા પરિવારમાં માતમ છવાયો હતો.મૃતક મહેલમ બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતો જ્યારે માતા – પિતા ડિઝાઇનિંગ મહેંદી મૂકવાનું કામકાજ કરે છે. તરુણે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ આદરી છે.