ઈસ્ટ ઝોનમાં ૩૯ અને વેસ્ટ ઝોનમાં ૪૫ તા સેન્ટ્રલ ઝોનમાં ૪૧ મિલકતોને તાળા લાગ્યા: રૂા. ૬૮.૯૭ લાખની વસૂલાત: સીલીંગની કામગીરી શરૂ કરાતા બાકીદારોએ ધડાધડ ચેક આપ્યા
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા રૂા.૨૬૦ કરોડના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આજી હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે શહેરના ત્રણેય ઝોનમાં ૧૦૭ મિલકતો સીલ કરવામાં આવી હતી. સીલીંગની કામગીરી શરૂ કરતાની સાથે જ બાકીદારોએ ધડાધડ બાકી વેરા પેટે ચેક આપી દીધા હતા. આજે ઈસ્ટ ઝોનમાં સૌથી વધુ ૩૯ જ્યારે વેસ્ટઝોનમાં ૪૫ અને સેન્ટ્રલ ઝોલમાં ૪૧ મિલકતો સીલ કરવામાં આવી હતી. આગામી દિવસોમાં સીલીંગની કામગીરી વધુ વેગવંતી બનાવવામાં આવશે.
આ અંગે ટેકસ બ્રાન્ચના સુત્રોના જણાવ્યા અનુસાર આજે શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં આવેલા વોર્ડ નં.૪, ૫,૬, ૧૫,૧૬ અને ૧૮માં અલગ અલગ વિસ્તારોમાં ૩૯ મિલકતો સીલ કરવામાં આવી હતી. આજે ઈસ્ટ ઝોનમાં ૪૫.૫૯ લાખની વસુલાત થવા પામી છે. વેસ્ટ ઝોનમાં આવતા વોડ નં.૧,૮,૯,૧૦,૧૧ અને ૧૨માં અલગ અલગ વિસ્તારોમાં રીકવરી દરમિયાન ૪૫ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી અને રૂા.૧૪.૩૮ લાખની વસુલાત કરવામાં આવી છે. જ્યારે સેન્ટ્રલ ઝોનમાં સમાવિષ્ટ અલગ અલગ વોર્ડના વિસ્તારોમાં આજે ૪૧ મિલકતો સીલ કરી દેવામાં આવી છે. મિલકત સીલ કરતા ૪ બાકીદારોએ બાકી વેરા પેટેના ૯ લાખના ચેક સ્થળ પર આપી દીધા હતા. આજી રીકવરી શરૂ કરવામાં આવી છે. પ્રથમ તબકકે ૧ લાખ કે તેથી વધુનો વેરો બાકી હોય તેવા આસામીઓ સામે રિકવરી હાથ ધરવામાં આવે છે. આગામી સપ્તાહમાં ૫૦,૦૦૦ સુધીનો વેરો ધરાવતા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.