આગામી દિવસોમાં નવી ફી નક્કી થયા બાદ વધ-ધટ સરભર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી
રાજ્યની જુદી જુદી સ્વનિર્ભર ઇજનેરી સહિતની ટેકનિકલ કોલેજોની આગામી ત્રણ વર્ષ માટે નવી ફી નક્કી કરવાની કાર્યવાહી હાલમાં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ચાલી રહી છે. બીજીબાજુ કોલેજોમાં હાલમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે. આ સ્થિતિમાં વિદ્યાર્થી-વાલીઓને કઇ અને કેટલી ફી ભરવી તે અંગે દ્વિધા ઊભી ન થાય તે માટે કમિટીએ હાલમાં 101 સ્વનિર્ભર કોલેજોની પ્રોવિઝનલ (કામચલાઉ) ફી જાહેર કરી દીધી છે. વાલીઓએ હાલમાં આ પ્રમાણે ફી ભરવાની રહેશે.
આગામી દિવસોમાં નવી ફી નક્કી થયા બાદ વધ-ધટ સરભર કરવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.રાજ્યની સ્વનિર્ભર ટેકનિકલ કોલેજોની ફી દર ત્રણ વર્ષે નક્કી કરવામાં આવે છે. ચાલુ વર્ષથી આગામી ત્રણ વર્ષ માટે નવી ફી નક્કી કરવાની છે. જે કોલેજોએ 5 ટકાથી ઓછો ફી વધારો માગ્યો હતો તેમની ફી અગાઉથી જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ જે કોલેજોએ 5 ટકાથી વધારે ફી વધારો માગ્યો છે તેવી કોલેજોની ફી હજુ સુધી નક્કી થઇ શકી નથી. પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી હોવાથી હાલમાં વાલીઓએ કઇ ફી ભરવી તેની સમસ્યા ઊભી થઇ હતી.
આ સ્થિતિમાં ફી રેગ્યુલેટરી કમિટીએ 101 સ્વનિર્ભર કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર કરી દીધી છે. આ ફી વર્ષ 2023-24માં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓએ એક સેમેસ્ટર પૂરતી લેવાની રહેશે. આગામી દિવસોમાં જાહેર થનારી વાસ્તવિક ફી હાલમાં જાહેર કરાયેલી ફી કરતાં ઓછી હોય તો તફાવતની રકમ વિદ્યાર્થીઓને બીજા સેમેસ્ટરમાં સરભર કરી આપવાની રહેશે. નવી ફી વધારે હોય તો વાલીઓએ વધારાની ફી જે તે કોલેજમાં જમા કરાવવાની રહેશે તેવી સ્પષ્ટતા ફી કમિટી દ્વારા કરવામાં આવી છે. તેની વિગતો વેબસાઇટ પર મૂકાઈ છે.
કઇ 101 કોલેજોની પ્રોવિઝનલ ફી જાહેર કરાઈ
કોર્સ | સંખ્યા |
ડિગ્રી ઇજનેરી | 22 |
ડિગ્રી ફાર્મસી | 20 |
ડિગ્રી આર્કિટેક્ચર | 6 |
ડિપ્લોમા ઇજનેરી | 11 |
ઇન્ટીગ્રેટેડ ડિપ્લોમા ડિગ્રી | 1 |
ડિપ્લોમા ફાર્મસી | 3 |
માસ્ટર ઓફ ઇજનેરી | 3 |
માસ્ટર ઓફ ફાર્મસી | 2 |
એમબીએ | 21 |
એમસીએ | 10 |
માસ્ટર ઓફ પ્લાનિંગ | 2 |
કુલ | 101 |