- 15 હજાર શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં, 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે
શિક્ષણ વિભાગ માટે કુલ ‘ 55,114 કરોડની જોગવાઇ શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઇ રહી છે જેની નોંધ સમગ્ર દેશમાં અને વૈશ્વિક સ્તરે પણ લેવામાં આવી રહી છે.
મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદ્રઢ બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં 15 હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે 15 હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. 65 હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા 45 હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે.
વધુમાં, 6 હજાર શાળાઓમાં 1 લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે જ્યારે બીજી 15 હજાર શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. 162 નવી સરકારી માધ્યમિક શાળા તથા 10 છખજઅ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે.
શિક્ષણ વિભાગ માટે વર્ષ 2023-24ની બજેટ જોગવાઇમાં ‘11,463 કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે ‘55,114 કરોડ કરવામાં આવી છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
- સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે નમો લક્ષ્મી યોજના હેઠળ સહાય આપવા ‘1250 કરોડની જોગવાઇ.
- ધોરણ-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નમો સરસ્વતી યોજના હેઠળ સહાય માટે ‘250 કરોડની જોગવાઇ.
- મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે ‘3000 કરોડની જોગવાઇ.
- હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ‘130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-9 થી 12 ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે ‘260 કરોડની જોગવાઇ.
- વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત ‘1400 કરોડની જોગવાઇ.
વિશેષ જોગવાઈ
- 15,,000થી વધારે નવા ઓરડાઓ બનાવાશે
- 45,000 સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે
- 15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર અપાશે
- 162 નવી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે
- 10 RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે
- નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
- નમો સરસ્વતી યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ
- પ્રાથમિક-માધ્યમિક શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3000 કરોડની જોગવાઈ
- ધો.9થી 12ના 1 લાખ વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ સુવિધા મળશે
- વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન માટે 1400 કરોડની જોગવાઈ
- MYSY અંતર્ગત 75 હજાર વિદ્યાર્થીઓ માટે 400 કરોડની જોગવાઈ
- MKKN અંતર્ગત મેડિકલના 4500 વિદ્યાર્થીઓ માટે 160 કરોડની જોગવાઈ
- સ્ટેટ યુનિવર્સિટીમાં માળખાકીય વિકાસ માટે 101 કરોડની જોગવાઈ
- PH.Dના 2000 વિદ્યાર્થીઓ માટે 40 કરોડની જોગવાઈ
- CMSS અંતર્ગત 2500 વિદ્યાર્થીઓ માટે 30 કરોડન જોગવાઈ
- જ્ઞાન ગુરુ ક્વિઝ અંતર્ગત 30 કરોડની જોગવાઈ
- સરકારી ઈજનેરી કોલેજમાં રિસર્ચ પાર્ક માટે 10 કરોડની જોગવાઈ
નમો લક્ષ્મી યોજના જાહેર : કિશોરીઓને ધો.9 થી 12 સુધીમાં મળશે રૂ.50 હજારની સહાય
ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે નાણામંત્રીએ જણાવ્યું કે વિકસિત ગુજરાતની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું. સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ-9 અને 10 માટે વાર્ષિક 10 હજાર તેમજ ધોરણ-11 અને 12 માટે વાર્ષિક 15 હજારની સહાય આપવામાં આવશે.
2000 કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ 2.0 અમલી કરવામાં આવશે
રાજયની મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ કલાસરૂમ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ કલાસરૂમથી સજ્જ કરવા ‘2000 કરોડનાં ખર્ચે મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ 2.0 અમલી કરવામાં આવશે. વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ અને શાળાઓની કામગીરીનું અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી રિઅલ ટાઇમ મોનિટરિંગ કરવા દેશનું સર્વપ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાતમાં શરૂ કરવામાં આવેલ છે. દેશ-વિદેશના ઘણા મહાનુભાવોએ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇ તેને શિક્ષણ ક્ષેત્રે સમગ્ર દેશ અને વિકાસશીલ દેશો માટે એક અનુસરણીય મોડેલ ગણાવ્યું છે.
શિક્ષણ માટે અન્ય જાહેરાત
- મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના હેઠળ મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીઓની ઓ માટે સહાય માટે 166 કરોડની જોગવાઈ
- બિન આદિજાતિ વિસ્તારની આઠ અને આદિજાતિ વિસ્તારમાં બે એમ કુલ 10 નવી સરકારી કોલેજોના બાંધકામ અને વર્તમાન કોલેજોની વધારાની સુવિધા ઉભી કરવા માટે 134 કરોડની જોગવાઈ
- શોધ યોજના અંતર્ગત પીએચડી કોર્સમાં સંશોધન કરતા વિદ્યાર્થીઓને ઊંચ કક્ષાના ગુણવત્તા સફળ સંશોધન પ્રત્યે અભી વિમુક્ત કરવા માટે 2000 વિદ્યાર્થીઓને સહાય આપવા 40 કરોડની જોગવાઈ
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 75 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ‘400 કરોડની જોગવાઇ. ” મુખ્યમંત્રી ક્ધયા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીનીઓને સહાય આપવા ‘160 કરોડની જોગવાઇ.
- બિન આદિજાતિ વિસ્તારની 08 અને આદિજાતિ વિસ્તારની 02 એમ કુલ 10 નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે ‘134 કરોડની જોગવાઇ.
- રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ‘101 કરોડની જોગવાઇ.
- શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે 2000 વિદ્યાર્થીઓને સહાય આપવા ‘40 કરોડની જોગવાઇ.
- મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા ‘30 કરોડની જોગવાઇ.
- માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત ‘30 કરોડની જોગવાઇ.
- સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા ‘198 કરોડની જોગવાઈ.
- સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત શ-ઇીંબ ખાતેનાં સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચાલન અને નિભાવણી માટે ‘42 કરોડની જોગવાઈ.
- સરકારી ડીગ્રી ઈજનેરી/પોલીટેકનીક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટસ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે ‘35 કરોડની જોગવાઈ.
- ફ્યુચરિસ્ટિક તેમજ ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઈજનેરી કોલેજો ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા ‘10 કરોડની જોગવાઈ.
નમો શ્રી યોજના જાહેર : સગર્ભાઓને રૂ.12 હજારની સહાય મળશે
પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરતી આ યોજના માટે 750 કરોડની ફાળવણી
રાજયમાં દર વર્ષે અંદાજે 12 લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે. સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્યની જાળવણી થાય તે અમારી સરકારની પ્રાથમિકતા છે. માતાઓ અને બાળકોના પોષણ માટે વર્ષ 2022-23ના બજેટમાં એક હજાર દિવસ માટે રાશન ઉપલબ્ધ કરાવતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જાહેર કરેલ હતી. આ યોજના અંતર્ગત અંદાજે વાર્ષિક 300 કરોડના ખર્ચે 5 લાખથી વધુ મહિલાઓને વધારાનું રાશન આપવામાં આવી રહેલ છે. સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદ્રઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત એસસી, એસટી, એનએફએસએ , પીએમ-જેએવાય સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને 12 હજારની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં હું 750 કરોડની જોગવાઇ સૂચવું છું.
બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષણક્ષમ આહાર મળે તે દરેક વ્યકિત, ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદ્રઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓ કેન્દ્રસ્થાને હોઇ તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું તે અમારો સામાજિક સંકલ્પ છે. આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદ્રઢ કરવામાં આવશે.
વિશિષ્ટ પોષણક્ષમ આહાર હવે આંગણવાડી ઉપરાંત ધો.1થી 8ના બાળકોને પણ અપાશે
પી.એમ.પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામો મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતાં 78 આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકાઓમાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર શરૂ કરવામાં આવશે. આરોગ્ય ચકાસણી દ્વારા પોષણની દ્રષ્ટિએ ગંભીર ઉણપ ધરાવતા બાળકોને અલગ તારવી તેઓની ભોજન તેમજ આવશ્યક પોષકતત્વોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી આપવામાં આવતા વિશિષ્ટ પોષણક્ષમ આહાર (બાલ અમૃતમ)નો વ્યાપ વધારવામાં આવશે. આ યોજના અંતર્ગત હવે આંગણવાડી સાથે પ્રાથમિક શાળાના ધોરણ-1 થી 8 સુધીના બાળકોને આવરી લેવામાં આવશે. ત્રણ થી પાંચ વર્ષના બાળકો માટે આંગણવાડીઓમાં પૂર્વ-પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે.
રાજ્યને સ્વચ્છ બનાવવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાન જાહેર
નાણામંત્રીએ જણાવ્યું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2007માં નિર્મળ ગુજરાત યોજના શરૂ કરેલ હતી. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિના વર્ષે સ્વચ્છ ભારતના રાષ્ટ્રવ્યાપી અભિયાનની શરૂઆત થયેલ છે. સ્વચ્છતાને દરેક ઘર, ગામ અને શહેરનો મૂળ મંત્ર બનાવી સંપૂર્ણ રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાની અમારી સરકારની નેમ છે. આ પ્રતિબદ્ધતાને વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0 અભિયાનની હું જાહેરાત કરું છું. આ અભિયાન અંતર્ગત ઘન અને પ્રવાહી કચરાને એકત્ર કરી પર્યાવરણીય દ્રષ્ટિએ યોગ્ય ધોરણે નિકાલ કરવા માટે વિવિધ યોજનાઓ થકી વ્યવસ્થા કરવામાં આવશે અને લોકસહકારથી તેનું અમલીકરણ કરવામાં આવશે. આ માટે ચાલુ વર્ષના 1300 કરોડના બજેટમાં ધરખમ વધારો કરી, આગામી વર્ષે 2500 કરોડની જોગવાઇ હું સૂચવું છું.
આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરાશે
નાણામંત્રીએ જણાવ્યું કે આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની 1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 2.0 યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8 હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20 હજાર આંગણવાડીઓને આઇ.ટી. કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. સેન્ટ્રલ રિસોર્સ સેન્ટર ઉભું કરી પ્રિ-પ્રાઇમરી લર્નિંગને નવતર શિક્ષણ સામગ્રી મારફત વધારે રસપ્રદ બનાવવામાં આવશે.
પી.એમ.પોષણ અંતર્ગત અપાતી સહાયમાં 60%નો વધારો
નાણામંત્રીએ જણાવ્યું કે હાલની વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5% થી વધારી 4.5% કરવામાં આવશે તથા દરેક લાભાર્થી બાળક અને મહિલાને અઠવાડિયામાં પાંચ દિવસ દૂધ આપવામાં આવશે. પી.એમ.પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી-મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થીદીઠ સહાયમાં પણ 60% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું.
માથાદીઠ આવકમાં ધરખમ વધારો, જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 10 ટકા
તીવ્ર ગતિએ થયેલ આર્થિક વિકાસના કારણે રાજયમાં વર્ષ 2000-01 માં પ્રતિ વ્યકિત વાર્ષિક આવક 18,392 હતી, જે વધીને વર્ષ 2022-23માં 2,73,558 થયેલ છે. ગુજરાતના નાગરિકની સરેરાશ વાર્ષિક આવક, સરેરાશ રાષ્ટ્રીય આવક કરતા 50% વધારે છે. વિકસિત ગુજરાત 2047 ના વિઝન મુજબ ગુજરાતના નાગરિકોની સરેરાશ વાર્ષિક આવક વિકસિત રાષ્ટ્રોના સ્તરે પહોંચાડવાનું લક્ષ્ય છે. વિકાસની ગતિને જાળવી રાખી, દેશના જી.ડી.પી.માં રાજયની હિસ્સેદારી 10% જેટલી કરી, વર્ષ 2047 પહેલા રાજયની હાલની અર્થવ્યવસ્થાને 0.28 ટ્રિલિયન યુ.એસ. ડોલરથી વધારી 3.5 ટ્રિલિયન યુ.એસ. ડોલર કરવાની અમારી નેમ છે.
ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં વધુ ભાર દેવાશે
પવન અને સૌરઊર્જાના ક્ષેત્રે ગુજરાતે નીતિગત નિર્ણયો થકી ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં અગ્રહરોળમાં સ્થાન મેળવેલ છે. રિન્યુએબલ એનર્જી પોલિસી-2023 દ્વારા રાજયમાં આ ક્ષેત્રે મોટા પાયે રોકાણ દ્વારા રોજગારીની નવી તકો ઉભી કરવામાં આવશે. મિશન ગ્રીન હાઈડ્રોજન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં ભારતમાં પાંચ મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે, જેમાં ગુજરાત મહત્તમ યોગદાન આપશે.
પત્રકારો માટે મૃત્યુ સહાયમાં વધારો
બજેટમાં પત્રકારો માટે પણ જોગવાઈ કરાઈ છે. 25 વર્ષથી 60 વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારો માટે સામૂહિક જૂથ વીમા યોજના ની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુમાં એક લાખથી વધારી બે લાખ કરવામાં આવી છે. અકસ્માત મૃત્યુમાં પાંચ લાખથી સહાય વધારીને 10 લાખ વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નો ફાળો આપી ગુજરાતે મોખરે રહ્યું
રાજયમાં વિવિધ ક્ષેત્રના નાનાથી માંડી મોટા ઉદ્યોગો વિસ્તરી રહ્યાં છે. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 18%નો ફાળો આપી ગુજરાતે મોખરાનું સ્થાન મેળવેલ છે. રાજયમાં એમ.એસ.એમ.ઇ. એકમોની સંખ્યા 16 લાખ કરતા વધારે છે. રાજયના અર્થતંત્રમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્રનો ફાળો 35.30% છે અને છેલ્લાં દશકમાં આ ક્ષેત્રે 12.80% ના દરે વૃદ્ધિ પામી વિકાસના નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. છેલ્લાં બે દશકામાં 55 બિલિયન યુ.એસ.ડોલરથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવી, રાજય વિદેશી મૂડી આકર્ષવામાં અગ્રહરોળમાં રહ્યું છે.