પશુપાલન અને ડેરી વિકાસ મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું છે કે, ગુજરાત રાજ્યના આર્થિક અને સામાજીક વિકાસમાં પશુપાલન અને ડેરીક્ષેત્રનું આગવું પ્રદાન છે.
વિધાનસભા ગૃહમાં પશુપાલન અને ડેરી વિકાસને રૂા. ૫૩૨.૪૨ કરોડની અંદાજપત્રીય જોગવાઇઓ પરની ચર્ચામાં મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોની આવકમાં પશુપાલન થકી થતી આવકનો હિસ્સો દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ઘણો વધુ છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે વર્ષ ૨૦૦૨-૦૩ થી ૨૦૧૭-૧૮ ના પંદર વર્ષના સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ ૮.૧૯ ટકાનો વાર્ષિક વધારો અને રાજ્યની માથાદીઠ દૂધ ઉપલબ્ધતામાં પણ ૨૪૩ ગ્રામનો વધારો થયેલો છે.
બાવળિયાએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ગત વર્ષે પશ્ચિમ ઝોનમાં ગુજરાત રાજ્યને પશુપાલન ક્ષેત્રમાં મળેલ “બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ” પુરસ્કાર તેમજ તાજેતરમાં જ ગુજરાત રાજ્યને સમગ્ર દેશમાં “બેસ્ટ એનિમલ હસબન્ડરી સ્ટેટ” ના પ્રાપ્ત થયેલો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પશુ સંવર્ધનની અધ્યતન ટેક્નોલોજી આધારિત “સેક્સડ સીમેન ડોઝ” ના ઉપયોગને રાજ્યમાં પ્રોત્સાહિત કરવાની દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ કેબીનેટમાં પશુઓના ખરવા-મોવાસા રોગ અને બ્રુસેલોસિસ રોગને કેન્દ્ર સરકારશ્રીના ૧૦૦ ટકા આર્થિક સહયોગ થકી દેશમાંથી નાબૂદ કરવા માટે લીધેલ ઐતિહાસિક નિર્ણયની વિગતો પણ રજૂ કરી હતી
મંત્રીએ જણાવ્યું કે, ૪,૪૯૭ પશુ આરોગ્યમેળાના આયોજન માટે રૂ. ૪૪૯.૭૦ લાખની જોગવાઈ; “મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના” માટે રૂ.૨,૭૬૩ લાખની જોગવાઈ; “કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ ” ની સેવા રૂ.૧,૫૪૫.૪૨ લાખની જોગવાઈ; જાતીય આરોગ્ય સારવાર કેમ્પના આયોજન માટે કુલ રૂ. ૨૦૮.૪૪ લાખની જોગવાઈ; કામધેનુ યુનિવર્સીટી માટે કુલ રૂ. ૩૧૨૯.૯૫ લાખની જોગવાઈ; પશુપાલન શીબીરો, પશુ પ્રદર્શન હરીફાઈ, રાજ્યવ્યાપી દૂધ ઉત્પાદન હરીફાઇ, અશ્વશો, શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કારથી નવાજવા માટે કુલ રૂ.૬૨૦.૨૭ લાખની જોગવાઈ; સ્વરોજગારી હેતુ ૧૨ દુધાળા પશુના ફાર્મની સ્થાપના માટેની સહાયની યોજના માટે રૂ.૧૩,૪૫૫.૦૦. લાખની જોગવાઈ; સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના ડેરી ઉદ્યોગને વિશિષ્ટ સહાય પુરી પાડવા રૂ.૨૫૦૦.૦૦ લાખની જોગવાઈ જેવી અગત્યની જોગવાઈઓ કરી છે