• રાજકોટ શહેરમાં 3250 જયારે ગ્રામ્યમાં 2926 પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે

રાજકોટમાં લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર અને જિલ્લામાં 6 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર રહેનાર છે. રાજકોટ શહેરમાં 3250 પોલીસ અધિકારી-કર્મચારીઓ લોખંડી બંદોબસ્તમાં જોડાશે જયારે ગ્રામ્યમાં 2926 જેટલાં અધિકારી-કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.

લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અંદાજે રાજકોટ શહેરમાં 3250 અધિકારીઓ જવાનોનો ’ચકલું પણ ન ફરકે’ તેવો અભેધ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકાય તે માટે શહેર પોલીસ દ્વારા મતદાન બુથ પોલીસ છાવણીમાં ફેરવાશે.

શહેરમાં ચૂંટણી બંદોબસ્તમાં 1 પોલીસ કમિશ્નર,1 એડિશનલ પોલીસ કમિશ્નર, 4 ડીસીપી, 8 એસીપી, 26 પીઆઈ, 65 પીએસઆઈ, 1222 પોલીસ જવાનો,1374 હોમગાર્ડ જવાનો, 4 કંપનીના (આશરે 500) સીઆરપીએફ જવાનોનો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાશે. કુલ 495 બિલ્ડીંગ અને 1177 મતદાન મથકનો આજે જ પોલીસે કબજો સંભાળી લીધો છે. જયારે રાજકોટ ગ્રામ્યની વાત કરવામાં આવે તો રેન્જ આઈજી અશોકકુમાર યાદવના નેતૃત્વમાં ડીઆઈજી કેડરના જિલ્લા એસપી, 1 એસએસપી, 4 ડીવાયએસપી, 19 પીઆઈ, 58 પીએસઆઇ, 1286 પોલીસકર્મી, 1557 જીઆરડી-હોમગાર્ડના જવાનો, પેરા મિલેટ્રી ફોર્સની 5 ટુકડી ખડેપગે રહેશે.

રાજકોટ ગ્રામ્ય પોલીસને રાજકોટ લોકસભા બેઠક અને પોરબંદર લોકસભા બેઠક બંનેમાં ફરજ બજાવવી પડશે. જિલ્લાની ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ ત્રણ વિધાનસભા સીટનો પોરબંદરમાં સમાવેશ થાય છે.

આવતીકાલે લોકશાહીનું મહાપર્વ એટલે કે, ચૂંટણી છે. જેને લઈ રાજકોટમાં પ્રચાર તેની અંતિમસીમાએ છે તો સાથે પોલીસ પર સુરક્ષા વ્યવસ્થાને લઈ તેમની અંતિમ તૈયારીઓ કરી ચૂક્યું છે. મતદાન બુથો પર લોકસભાની ચૂંટણીના મતદાન માટે અભેદ્ય સુરક્ષાકવચ સાથે પોલીસ તૈનાત રહેશે. રાજકોટ જિલ્લા- ગ્રામ્યમાં એસપી, એએસપી, એમ બે આઇપીએસ, 4 ડીવાયએસપી, 10 પીઆઈ, 50 પીએસઆઇ, પેરા મિલેટ્રી ફોર્સની 5 ટુકડી સહિત અંદાજે 2926 પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે.રાજકોટ ગ્રામ્ય પોલીસને રાજકોટ લોકસભા બેઠક અને પોરબંદર લોકસભા બેઠક બંનેમાં ફરજ બજાવવી પડશે. જિલ્લાની ગોંડલ, જેતપુર અને ધોરાજી એમ ત્રણ વિધાનસભા સીટનો પોરબંદરમાં સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાની હદમાં રાજકોટ લોકસભા અને પોરબંદર લોકસભા એમ બંને લોકસભા સીટો સામેલ છે.10 – રાજકોટ લોકસભા બેઠકની વાત કરીએ તો, આ લોકસભા બેઠકમાં કુલ 7 વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં 66-ટંકારા, 67-વાંકાનેર, 68-રાજકોટ પૂર્વ, 69-રાજકોટ પશ્ચિમ, 70-રાજકોટ દક્ષિણ, 71-રાજકોટ ગ્રામ્ય, 72-જસદણ. જ્યારે જિલ્લામાં આવતા 73-ગોંડલ, 74-જેતપુર અને 75-ધોરાજી વિધાનસભા વિસ્તાર 11-પોરબંદર લોકસભા બેઠક હેઠળ આવે છે.

રાજકોટ શહેરમાં 13 ક્વિક રિસ્પોન્સ ટીમ, 7 સ્પેશિયલ પેટ્રોલિંગ અને 55 રૂટ મોબાઈલ ટીમો ફિલ્ડમાં દોડતી રહેશે

ચૂંટણી અનુસંધાને શહેરમાં 13 કવીક રિસ્પોન્સ ટીમ, 55 રૂટ મોબાઈલ ટીમ, 7 સ્પેશિયલ પેટ્રોલિંગ ટીમ, 13 સ્ટ્રાઇકિંગની ટીમો સતત ફિલ્ડમાં રહેશે. શહેરમાં કુલ 118 સંવેદનશીલ બિલ્ડીંગમાં 400 સંવેદનશીલ મતદાન મથકો સહીત કુલ 495 બિલ્ડીંગમાં 1177 જેટલાં મતદાન મથકો આવેલા છે જેનો કબ્જો હાલથી જ પોલીસે લઇ લીધેલો છે.

શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજવા શહેર પોલીસ સજ્જ : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ

જ્યારે કાયદો અને વ્યવસ્થા અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું હતું કે, રાજકોટ સીટી પોલીસ દ્વારા ચૂંટણી માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તટસ્થ, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવી છે. ચૂંટણીના માહોલમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ગુનાહીત ઇતિહાસ ઘરાવતા 10 હજારથી વધુ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. તડીપાર અને પાસાના ગુનામાં નોંધાયેલા ગુનેગારોને પણ જેલ ભેગા કરવામાં આવ્યા છે. સંવેદનશીલ બુથ પર પોલીસ સ્ટાફની સાથોસાથ પેરામીલેટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.