જાગૃત શહેરીજનની આરોગ્ય સમિતિના ચેરમેનને ફરિયાદ મળતા આરોગ્ય શાખા ત્રાટકી: ૨૬ કિલો અખાદ્ય ખોરાકનો નાશ: બાલાજી સેન્ડવીચમાં પણ ૬૪ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલા બીગબજારમાં સડેલા શાકભાજી અને ફળોનું વેંચાણ થતું હોવાની ફરિયાદ એક જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય સમીતીના ચેરમેનને કરવામાં આવતા આજે આરોગ્ય શાખાની ટીમ ત્રાટકી હતી અને બીગબજારમાં ૨૬ કિલો અખાદ્ય શાકભાજી તથા ફળોના જથ્થાનો નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત બાલાજી સેન્ડવીચમાંથી પણ ચેકિંગ દરમિયાન ૬૪ કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવતા તેને પણ ફૂડ લાયસન્સ રિન્યુ કરાવવા નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે એક નાગરિકે એવી ફરિયાદ કરી હતી કે, બીગબજારમાં સડેલા શાકભાજી તથા ફળોનું વેંચાણ થઈ રહ્યું છે. જેના પગલે કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ બીગબજારમાં ત્રાટકી હતી. ચેકિંગ દરમિયાન તુરીયા, ટેટી, કાકડી, ગલકા, શકરીયા, જામફળ, કેળા, ભીંડો અને ચોળી સહિતના શાકભાજી અને ફળોનો જથ્થો સડેલો અને વાસી હોવાનું માલુમ પડતા તમામ ૨૬ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને બીગબજારને નોટિસ ફટકારવામાં આવી હતી. અહીં બાજુમાં આવેલા બાલાજી સેન્ડવીચમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં પાણીપુરીનું પાણી, બાફેલા બટેકા, બટેકાનો મસાલો, ફૂદીનાની ચટણી, લીલી ચટણી અને પાણીમાં ઉમેરેલ સોસ અખાદ્ય હાલતમાં મળી આવતા ૬૪ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ લાયસન્સ રિન્યુ કરાવવા માટે બાલાજી સેન્ડવીચને નોટિસ આપવામાં આવી છે.