ટીપીનો રોડ ખૂલ્લો કરાવા નોટિસ અપાતા મધ્યમ વર્ગીય પરિવારોમાં રોષની લાગણી
શહેરના નાના મૌવા મેઇન રોડ પર આવેલી શહેરની સૌથી મોટામાં મોટી ટાઉનશીપ એવી શાસ્ત્રીનગરમાં કેટલાંક મકાનધારકોને ટીપીનો રોડ ખૂલ્લો કરાવવા માટે નોટિસ ફટકારવામાં આવતા વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આજે ઓનર્સ એશોસિએશન દ્વારા મ્યુનિ.કમિશનરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સાથોસાથ એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો ડીમોલીશન કરવામાં આવશે તો મિલકતધારકો કોર્પોરેશનની કચેરીમાં અનશન પર બેસી જશે.
તેઓએ આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે આજથી 36 વર્ષ પહેલા આ સોસાયટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂડા દ્વારા પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો. દસ્તાવેજમાં રોડની સાઇઝ 9 મીટર દર્શાવવામાં આવી હતી. જ્યારે પ્લાન મંજૂર કરાયો ત્યારે દબાણ ક્યાંય હતું નહી છતાં કોર્પોરેશન દ્વારા મિલકત કપાતની નોટિસો વારંવાર આપવામાં આવે છે. આજથી વર્ષો પહેલા જ્યારે નાના મવા મેઇન રોડ કાઢવામાં આવ્યો ત્યારે 14 જેટલા મિલકતધારકોએ વિના વિરોધે મિલકતનો કેટલોક ભાગ કપાતમાં આપી દીધો હતો.
સોસાયટીના આગળના ભાગે નાના મવા મેઇન રોડ અને પાછળના ભાગે ન્યૂ ગાંધી સોસાયટીનો મોટો રોડ નિકળતો હોય અનેકવાર શાસ્ત્રીનગરની મિલકતોને નુકશાન પહોંચાડવામાં આવે છે. માત્ર એક વ્યક્તિના ભલા માટે 6 હજારથી વધુ વ્યક્તિઓને નુકશાની કરવાની વેંતરણ ચાલી રહી છે. જો આ રોડ પહોળો કરવા માટે મિલકત કપાતમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો 6 હજારથી વધુ લોકો તેની સામે ઉગ્ર વિરોધ દર્શાવશે અને ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ દર્શાવી અનશન પર બેસી જશે.