રાજકોટમાં સુત્રોચ્ચાર: ભારત તથા મહારાષ્ટ્ર સરકારના નિર્ણયથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી: પ્રચંડ આંદોલનના મંડાણ: અબતકની મુલાકાતે આવેલા જીવદયાપ્રેમીઓએ સરકાર સામે રોષ વ્યકત કર્યો
મામુલી હુંડિયામણની લાલચમાં એક લાખ ઘેટા-બકરા સહિતના નિર્દોષ પશુઓને આરબ દેશમાં કતલ માટે મોકલવાના ભારત તથા મહારાષ્ટ્ર સરકારના વિરોધમાં આજે રાજકોટમાં જીવદયાપ્રેમીઓએ ધરણા યોજયા હતા અને ઉગ્ર સુત્રોચ્ચાર પોકાર્યા હતા. અબતકની મુલાકાતે આવેલા જીવદયાપ્રેમીઓએ આજે સરકારના આ નિર્ણય સામે ઉગ્ર રોષ વ્યકત કર્યો હતો અને આંદોલનના મંડાણ કર્યા હોવાનું જણાવ્યું હતું.
જીવદયાપ્રેમીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મામુલી હુંડીયામણનાં લોભમાં ભારત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર સમગ્ર ભારતની નિર્દોષ પ્રજાને લાખો અબોલ જીવોની હત્યામાં અજાણતા ભાગીદાર બનાવવા જઈ રહી છે. જીવતુ પશુધન શનિવારનાં રોજ નિકાસ થવા જઈ રહ્યું છે. જે અંગે પ્રચંડ પુણ્ય પ્રકોપ સમગ્ર રાષ્ટ્રમાંથી અને બિનનિવાસી ભારતીયોમાંથી પણ પ્રવર્તમાન સરકાર સામે ફાટી નિકળ્યો છે.
પ્રથમ તબકકામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, સુરેશ પ્રભુ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની ઉપસ્થિતિમાં નાગપુર એરપોર્ટ પરથી જીવતા ઘેટા-બકરા શારજાહ રવાના થશે. મહારાષ્ટ્ર સરકારે વિદેશી હુંડિયામણ રળવા માટે ત્રણ મહિના દરમ્યાન સમગ્રપણે એક લાખ ઘેટા-બકરાને વિમાન દ્વારા નિકાસ કરી શારજાહ મોકલવામાં આવશે. આ સમાચારથી દેશની પ્રજામાં અરેરાટી વ્યાપી છે. ખેડુતો તથા ગોપાલકોનું જીવન ઉંચુ લાવવા તથા તેની આવકમાં વધારો કરવાના નામ પર પ્રથમવાર નાગપુર એરપોર્ટથી આગામી તા.૩૦મીના શનિવારે પ્રથમ તબકકાના ઘેટા-બકરાને રવાના કરાવાશે. ત્રણ મહિના દરમ્યાન એક લાખ ઘેટા-બકરા રવાના કરતી વખતે નાગપુર એરપોર્ટ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ, કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી, સુરેશ પ્રભુ વગેરે આ મહાપાપના કાર્યમાં ઉપસ્થિત રહેનાર છે. શારજાહમાં ઘેટા-બકરાનું શું થશે તે કહેવાની આવશ્યકતા નથી. ત્રણ મહિના દરમ્યાન એક લાખ ઘેટા-બકરા મોકલાશે અને આગળ ઉપર પણ લાખો મોકલવાની યોજના હોવાની ચર્ચા થઈ રહી છે.
આ મહાભયંકર પાપ અંગે પ્રચંડ વિરોધ કરવા રાજકોટનાં જીવદયાપ્રેમીઓ આજે વહેલી સવારે શહેરના હાર્દસમા કિશાનપરા ચોક ખાતે મહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનીક મીડિયા, સોશ્યલ મીડિયામાં પણ વિરોધનું વાવાઝોડુ ફાટી નીકળ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ પોતે પણ શુઘ્ધ શાકાહારી અને જીવદયાપ્રેમી છે અને ‘પીન્ક રીવોલ્યુશન’નું જેઓએ પ્રચંડ વિરોધ કર્યો હતો અને એટલા માટે જ ભારતની પ્રજાએ તેમને તથા પ્રકારના જીવદયા પ્રેમ બાબતે ખોબલે ખોબલે મત આપી વડાપ્રધાન બનાવ્યા હતા. તેમનાં જ રાજમાં જો આવું થાય તો તે ભારતની અહિંસક પ્રજા નહીં જ ચલાવી લે, જો વાડ જ ચીભડા ગળે… માટે આ ફેંસલો જો પાછો લેવામાં નહીં આવે તો સમગ્ર રાષ્ટ્રમાં અને વિદેશમાં પણ વસતા ભારતીયો દ્વારા ગાંધી ચિંધ્યા રાહે પ્રચંડ આંદોલન કરવામાં આવશે.
અબતકની મુલાકાત દરમિયાન સુમનભાઈ કામદાર, મીતલભાઈ ખેતાણી, સંજયભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, ઈશ્ર્વરભાઈ દોશી, મુકેશભાઈ બાટવીયા, રાજેન્દ્રભાઈ શાહ, પ્રતિક સંઘાણી, રાજુભાઈ શાહ, મિલન કોઠારી, મયુરભાઈ શાહ, કપીલભાઈ શાહ, રચિતભાઈ શાહ, અમિતભાઈ દેસાઈ, ચંદ્રેશભાઈ પટેલ, હેમાબેન સંઘવી, નીધિબેન શાહ, કેતન સંઘવી, કલ્પેશ દેસાઈ, યશ શાહ, યોગેશ શાહ, હરેશ શાહ, કાર્તિક દોશી, પ્રકાશ શાહ અને અવધેશભાઈ સેજપાલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.