સોશ્યલ મીડીયા પર શરૂ થયેલી ચર્ચાએ રાજકારણ ગરમાયું
જૂનાગઢના મધ્યમાં આવેલા અને ઓજી વિસ્તારમાં પાણીના સ્ત્રોત બનેલ નરસિંહ સરોવરને બ્યુટીફિકેશનના કામ માટે ખાલી કરવાની કામગીરી હાથ ધરાતા, જૂનાગઢ શહેરમાં વિવાદ સર્જાયો છે. અને આ બાબતે ગઈકાલે સોશિયલ મીડિયામાં ભારે ગરમાવો આવી ગયો હતો, જો કે આ માટે મનપાત તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી હોવાનું આ વિસ્તારના કોર્પોરેટર સંજય કોરડીયા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
જૂનાગઢના મધ્યમાં આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન માટે અનેક વર્ષોથી વાતો ચાલી રહી હતી. અને આ માટે અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી, બાદમાં સરકાર દ્વારા ગ્રાન્ટો પણ ફાળવવામાં આવી હતી. જે અનુસંધાને અનેક વખત નકશાઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને લાખો રૂપિયા વેળફવામાં આવ્યા હતા, અંતે નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન થાય તે માટેની હાલમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
દરમિયાન નરસિંહ મહેતા સરોવરના બ્યુટીફિકેશન માટે કરવામાં આવતી કામગીરી દરમિયાન નરસિંહ મહેતા તળાવનું જે સ્થળેથી પાણી ઓવરફ્લો થાય છે, તે વિસ્તાર તોડી ત્યાંથી પાણી વહાવી દેવામાં આવતા જૂનાગઢના જાગૃત નાગરિક તુષાર સોજીત્રા દ્વારા આ અંગેનો એક વિડિયો ગઈકાલે રાત્રિના સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. અને બાદમાં આ બાબતે અમૃતભાઈ દેસાઈ, હિતેશભાઈ સંઘવી સહિતના આગેવાનો, જીવદયાપ્રેમીઓ દ્વારા વિરોધ અને નારાજગી સાથે રોષ ઊઠવા પામ્યો હતો.
તળાવની પાળી તોડી પાણીના કરવામાં આવેલા વ્યય બાબતે સોશિયલ મીડિયામાં એવી ગરમા ગરમ અને આક્ષેપો સાથેની ચર્ચા ચાલી રહી હતી કે, સરોવરના કારણે ઓ.જી. વિસ્તારનું જળસ્તર ઝડવાઈ રહ્યું છે અને આ વિસ્તારમાં મનપા દ્વારા નિયમિત પાણી પણ અપાતું નથી. ત્યારે શિયાળાના બદલે ઉનાળો નજીક આવે ત્યારે તળાવ ખાલી કરવું જોઈએ. આ સાથે જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે, પાણીનું સ્તર ઓછું થતાં તળાવમાં રહેલા માછલાઓના ઓક્સિજન ઓછું થતાં મોત થશે. તો બીજી બાજુ તુષાર સોજીત્રાએ બ્યુટીફિકેશનના નામે જૂનાગઢના ઓજી વિસ્તારના પાણીથી વંચિત રાખવાનો કારસો ઘડાઈ રહ્યો છે તેવો આક્ષેપ ઉઠાવ્યો હતો.
તો બીજી બાજુ હાલમાં વિધાનસભાની ચૂંટણી પ્રચારમાં અમદાવાદ ખાતે ગયેલ જૂનાગઢ મનપાના કોર્પોરેટર અને જુનાગઢ વિધાનસભાના ભાજપના ઉમેદવાર સંજયભાઈ કોરડીયા એ આ બાબતે સોશિયલ મીડિયામાં વોઈસ ક્લીપ નાખી ખુલાસો કરતા જણાવ્યું છે કે, આ બાબતે મેં કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. અને આખું તળાવ ખાલી કરવામાં નહીં આવે, સ્ટેપ વાઈઝ આ તળાવની બ્યુટીફિકેશનની કામગીરી હાથ ધરાશે. અને અંતમાં માછલાઓના મોત ન થાય તે માટે એક મોટો ખાડો બનાવવામાં આવશે ત્યાં પાણી ભરવામાં આવશે.
આમ જૂનાગઢમાં વર્ષો બાદ બ્યુટીફિકેશનની કામગીરી કરી નરસિંહ મહેતા સરોવરને રળિયામણો બનાવવાની કામગીરી શરૂ કરતાની સાથે જ વિવાદ ઉઠ્યો છે. અને ઓજી વિસ્તારમાં પાણીની સમસ્યા તથા તળાવમાં રહેલા માછલાઓના મોતની વાત જૂનાગઢના સામાજિક, રાજકીય અને જીવદયા પ્રેમીઓ દ્વારા ઉઠાવવામાં આવી છે. અને મનપાત તંત્ર દ્વારા બીજી ડિઝાઇન મુજબ કામ કરવું જોઈએ. અને માર્ચ મહિનામાં પાણી ઓછું થાય તે મુજબ કામગીરી કરવી જોઈએ. અને ખાસ કરીને જ્યાં પાણીનું લેવલ ઓછું થઈ ગયું છે તે પાછળની સાઈડના પાળા તોડી કામ થવું જોઈએ. એ સાથે રીંગરોડનું કામ આરંભવી દેવું જોઈએ, તેવી સલાહ, સૂચનો અને રજૂઆતો પણ થઈ રહી છે.