- વોર્ડ નં.4માં ગ્રાહકોની મંજુરી વિના વિજ મીટર લગાડયા હોવાના આક્ષેપ
- સ્માર્ટ મીટર લગાવવા બાબતે વિજતંત્ર દ્વારા જરૂરી ખુલાસો કરી માર્ગદર્શન અપાયું
જામનગર શહેરના કેટલાક વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ગ્રાહકો ઘરમાં મુખ્ય વ્યક્તિ હાજર ન હોય તેવી પરિસ્થિતિમાં પણ નાના બાળકોની હાજરીમાં વિજ મીટર લગાવી દેવામાં આવે છે. જેની પૂરી જાણકારી ન હોવાથી અને રિચાર્જ કરવા સહિતની માહિતીના અભાવે વિજ ગ્રાહકોએ વીજ પુરવઠા થી વંચિત રહેવું પડે છે. જેથી ખાસ કરીને જામનગરના વોર્ડ નંબર -4 માં ગ્રાહકોની મંજૂરી વિના વિજ મીટર નહિ લગાડવા વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
જામનગર શહેર માં જુદા-જુદા વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાડવાની કાર્યવાહી ચાલુ છે, જેમાં ખાસ કરીને વોર્ડ નં.4, નવાગામ ઘેડ માં ગ્રાહકો અને લોકોની મંજુરી વગર સ્માર્ટ મીટર લગાડવામાં આવે છે. અને જે અંગે કોઈપણ જાતની માહિતી આપવામાં આવતી નથી. જુનું મીટર કાઢીને ક્યાં લઇ જવામાં આવે છે, તેની માહિતી આપવામાં આવતી નથી. તેમજ હાલ સ્માર્ટ મીટર માં કેટલું બેલેન્સ છે, કેટલો વપરાશ થયો છે, અને તેના કેટલા પૈસા તેની પણ કોઈ જાણકારી આપવામાં આવતી નથી.
તાજેતર માં જ ભીમવાસ માં સોતા દીપકભાઈ ચકુભાઈ રાઠોડ ના ઘરના સભ્યો હાજર ન હોય, અને ફક્ત બાળકો ઘરમાં હોય અને જુનું મીટર કાઢી નવું મીટર લગાડી દીધેલુ છે, અને જેનું રીચાર્જ પણ મોબાઈલ દ્વારા એપ્લીકેશન સ્ટોર થતી ન હોય રીચાર્જ થયેલ નથી અને પી.જી.વી.સી.એલ.ની ઓફીસ માં બીલ ભરાતું નથી. જેના હિસાબે લાઈટ બંધ થઇ ગઇ છે.
તો હવે આ વ્યક્તિ ને શું કરવું ? અને તેના માટે કોણ જવાબદાર ? માટે જ્યાં સુધી પબ્લિક ન ઇરછે ત્યાં સુધી સ્માર્ટ મીટર તેમના ઘરમાં નહીં વગાડવા માંગણી કરાઈ છે.
જેથી વોર્ડ નં.4 ના વસતા લોકોમાં હાલ ખુબ જ આક્રોશ હોય જેથી લોકોની અને ગ્રાહકોની પરમીશન વગર વીજ મીટર નાખવા નહિ અને જે સ્માર્ટ મીટર નાખેલા છે, તે કાઢી નાખવા અને ફરી પાછા જુના મીટર લગાડી આપવા વોર્ડ નંબર ચારના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, ઉર્જા મંત્રી, સ્થાનિક ધારાસભ્ય વગેરેને પત્ર પાઠવી રજૂઆત કરાઈ છે.
શહેરના કેટલાક વિસ્તારોમાં પીજીવીસીએલના તંત્ર દ્વારા જૂના મીટર બદલાવીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જેના સંદર્ભમાં વિરોધ થઈ રહ્યા છે. જે સ્માર્ટ મીટર કઈ રીતે ઇન્સ્ટોલ થાય છે, તેમ જ તેને રિચાર્જ કરાવવા સહિતની જરૂરી તમામ માહિતી જામનગરના વિજ તંત્ર દ્વારા ગ્રાહકોને આપવામાં આવી છે.
હાલમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી અંતર્ગત ઘણી બધી જગ્યા એ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે, અને આવા ખોટી કે અધૂરી વિગતના કારણે વીજ ગ્રાહકો દ્વારા નવા મીટર લગાડવામાં સંશય અનુભવે છે. જે માટે આજે સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઇજનેર અજય પરમાર સાથે સ્માર્ટ મીટર વિશે લોકોના પ્રશ્નો પૂછીને સીધી જ સાચી માહિતી પ્રાપ્ત કરાઈ છે.
સ્માર્ટ મીટર એ હાલના વીજ મીટરની નવી પેઢી છે. જેના થકી તમને તમારા વીજ વપરાશની પેટર્ન ની વિગત વિશે જાણવા મળશે અને વીજ કંપનીને માનવીય હસ્તક્ષેપ વગર સિસ્ટમ મોનિટરિંગ અને ગ્રાહકની બિલિંગ પ્રક્રિયામાં સરળતા સાથે મદદ મળશે.
સ્માર્ટ વીજ મીટર ગ્રાહકના ઘરવપરાશ, વાણિજ્ય અને ઔદ્યોગિક વિજજોડાણોના વીજ વપરાશના રીડિંગ ઓટોમેટિક રીતે નોંધે છે અને તેની માહિતી વાયરલેસ પધ્ધતિથી વીજ કંપનીને મોકલે છે. તદુપરાંત સ્માર્ટ મીટર પીક અને ઓફપીક કલાકો દરમ્યાનના આપના વીજ વપરાશનું વિશ્લેષણ કરવામાં મદદ કરશે જે આપને આપના ભવિષ્યના વીજ વપરાશનું અનુમાન કરવામાં મદદરૂપ થશે.
સ્માર્ટ મીટર અને તેના ફાયદાઓ સ્માર્ટ મિટરમાં પ્રિપેઇડનું કાર્ય શું છે?
જવાબ: સ્માર્ટ મીટરમાં વીજ વપરાશના પ્રિપેઇડનું કાર્ય પ્રિપેઇડ મોબાઈલ
જેવું જ છે. આપના વીજ વપરાશનો ઉપયોગ કરવા માટે અગાઉથી રિચાર્જ કરવું જરૂરી છે. ઓછા કે શૂન્ય બેલેન્સના કિસ્સામાં આપનો વીજ પુરવઠો કાપતા પહેલા મીટર આપના રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એસ.એમ.એસ દ્વારા અથવા મોબાઈલ ઍપ્લિકેશનમાં ગ્રાહકોને બે કે ત્રણ વોર્નિંગ મેસેજ મોકલશે. પ્રિપેઇડ મીટરના કારણે ગ્રાહકોને અણધાર્યું વીજ બિલ મળતું ટાળી શકશે અને આપના વીજ વપરાશનું યોગ્ય બજેટ બનાવવાંમાં તથા તે મુજબ વપરાશ કરવામાં પણ મદદરૂપ થશે.
સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાડવા માટે ગ્રાહકે કોઈ રકમ ભરવી પડશે?
સ્માર્ટ પ્રિપેઇડ મીટર લગાડવા માટે ગ્રાહકે અગાઉથી કોઈ રકમ ભરવાની જરૂર નથી. પણ મીટર લગાડ્યા પછી આપના વીજવપરાશ માટે રિચાર્જ કરવું જરૂરી છે.
સ્માર્ટ પ્રિપેઇડ મીટરના ઉપયોગના શું શું ફાયદાઓ છે?
ગ્રાહક પીજીવીસીલની મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગથી તેમના વીજવપરાશને જાણી શકશે. તે આપના વીજળીના રીડિંગનો ડેટા ડિજીટલ રીતે વીજ કંપનીના સિસ્ટમ પર મોકલે છે,અને આ ડેટા એનાલીસીસ થકી વીજ કંપનીને તેઓના ગ્રાહકોનો વીજ પુરવઠો સુધારવામાં મદદ મળશે.
સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા શું છે?
કચેરી જ સામેથી ગ્રાહકના વર્તમાન મીટરને સ્માર્ટ મીટરમાં બદલવાની કાર્યવાહી કરશે.
બિલિંગ અને રિચાર્જ વિશે….
સ્માર્ટ કે પ્રિપેઇડ મીટરના કારણે ગ્રાહકના વીજ ટેરિફમાં કોઈ બદલાવ આવશે?
સ્માર્ટ કે પ્રિપેઇડ મીટર માટે ગ્રાહકના વીજ ટેરિફના માળખામાં હાલ કોઈ બદલાવ નહીં આવે. જો કે ભવિષ્યમાં ટેરિફનું માળખું સમયાંતરે ગુજરાત વીજ નિયમન પંચની મંજૂરીને આધીન રહે છે.
સ્માર્ટ મીટરની વિશેષતાઓ
ગ્રાહકને સહાયક સ્માર્ટ મીટરની વિશેષતાઓ નીચે મુજબ છે
– નાના રિચાર્જ માટે સરળ ટોપ-અપની સુવિધાનો વિકલ્પ
– ઓછા/શૂન્ય બેલેન્સના મેસેજ/ એસ.એમ.એસ.
– ઝડપી રિચાર્જની સુવિધા
– ગ્રાહકના વીજ વપરાશ અને તેને લગતી અન્ય હાથવગી માહિતી
– વીજ વપરાશને બજેટપૂર્ણ બનાવવામાં મદદ
– માસિક અને દૈનિક વીજ વપરાશ અને વીજ માંગની સરખામણી
– વ્યક્તિગત વિક્ષેપ વગર ઓટોમેટિક રીડિંગ
– આ ઉપરાંત ઘણી અન્ય ટેકનિકલ વિશેષતાઓ
– ગ્રાહકને વીજ બીલને ઘટાડવામાં સ્માર્ટ મીટર તેમને કેવી રીતે મદદ કરી શકે?
જવાબ: પીજીવીસીલની સ્માર્ટ મીટર એપ્લિકેશન અથવા ગ્રાહક વેબપોર્ટલની મદદથી રિયલ-ટાઈમના ધોરણે આપના વીજ વપરાશને તપાસી શકે છે અને ટ્રેક પણ કરી શકો છે. આ માહિતી માસિક/દૈનિક સરખામણી સાથે વીજળી વપરાશના ડેટાને ટ્રેક કરી શકે છે જે વીજ વપરાશને ઘટાડવામાં મદદ કરી શકે છે.