બ્રિજના સેન્ટ્રલ સ્પાનમાં 7 ફૂટ ઉંચી અને 150 ફૂટ પહોળી દિવાલનું નિર્માણ કામ શરૂ
સૌરાષ્ટ્રના પ્રથમ એવા ડબલ ડેકર બ્રિજનું નિર્માણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાવડ રોડ અને 150 ફૂટ રીંગ રોડ પર કેકેવી સર્કલ ખાતે કરવામાં આવ્યું છે. ગત મહિને રાજકોટની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભવિષ્યમાં બ્રિજ પર અમદાવાદમાં જે રિતે તથ્ય પટેલ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. તેવી ઘટના રાજકોટમાં ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હવે ડબલ ડેકર બ્રિજની બંને સાઇટ સેન્ટ્રલ સ્પાનમાં પ્રોટેક્શન વોલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંદાજે 10 લાખના ખર્ચે બનનારી આ વોલનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે ચાર દિવસમાં પુરૂં કરી દેવાશે. પ્રોટેક્શન વોલની કામગીરી દરમિયાન બ્રિજને એક સાઇટ બંધ રાખવામાં આવશે.
કોર્પોરેશન દ્વારા કેકેવી સર્કલ ખાતે હયાત બ્રિજ પર રૂ.129 કરોડના ખર્ચે મલ્ટીલેવલ (ડબલ ડેકર) બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના આ પ્રથમ એવા ડબલ ડેકર બ્રિજનું ગત મહિને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજના સેન્ટ્રલ સ્પાન પર લોકો ઉભા રહી રીલ બનાવે છે અને સેલ્ફી ખેંચી છે. જેના કારણે ભવિષ્યમાં અકસ્માત સર્જાવવાનો પણ ભય રહેલો છે. બીજી તરફ તાજેતરમાં અમદાવાદમાં તથ્ય પટેલે બ્રિજ પર બેફામ ગાડી ચલાવી 9 લોકોને કચડી નાંખ્યા હતા. રાજકોટમાં ભવિષ્યમાં આવી ઘટના ન બને અને ડબલ ડેકર બ્રિજ પરથી કોઇ વ્યક્તિ પડતું મૂકી આપઘાત ન કરે તે માટે કોર્પોરેશન દ્વારા પ્રોટેક્શન વોલનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આજે બ્રિજના સેન્ટ્રલ સ્પાનમાં પ્રોટેક્શન વોલ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જે આગામી ચાર દિવસમાં પુરૂં થઇ જશે. બ્રિજની બંને તરફ સેન્ટ્રલ સ્પાન પર 7 ફૂટ ઉંચી અને 150 ફૂટ પહોળી પોલી કાર્બોનીકની પ્રોટેક્શન વોલ બનશે. જેના પર મજબૂતી માટે એસએસની સીટ લગાવી દેવામાં આવશે. આ કામ ચાર દિવસ સુધી ચાલશે. જેના કારણે બ્રિજનો એક ભાગ વાહનચાલકો માટે બંધ રાખવામાં આવશે. આજે સવારે પ્રોટેક્શન વોલના નિર્માણ માટે બ્રિજનો એક ભાગ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન એવી પણ વિચારણા શરૂ કરવામાં આવી છે કે પ્રોટેક્શન વોલનું કામ હવે દિવસે કરવાને બદલે રાત્રે કરવામાં આવે જેના કારણે ટ્રાફીક સહિતની સમસ્યા સર્જાઇ નહિં. આ પ્રોટેક્શન વોલનું નિર્માણ કામ પૂર્ણ થયા બાદ હવે લોકો સેન્ટ્રલ સ્પાન પર ઉભા રહી શકશે નહિં અને અકસ્માત સર્જાવવાની ઘટનાની સંભાવના લગભગ પૂરી થઇ જશે.