સોમનાથ સંસ્કૃત યુનિ.ના બારમા પદવીદાન સમારોહમાં ૮૭૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરતા રાજ્યપાલ
વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો ૧૨મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સંસ્કૃત યુનિ.ના પરીસરમાં રૂા.૭.૯૧ કરોડના ખર્ચે બનનાર બૃહસ્પતિ લાઈબ્રેરી અને રૂા.૫.૮૭ કરોડના ખર્ચે બનનાર અતિથિ ભવન ગેસ્ટ હાઉસ એમ મળી કુલ રૂા.૧૩.૭૮ કરોડના ખર્ચે નિર્માણાધીન બન્ને વિકાસના કામોની શિલાન્યાસ વિધિ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થઈ હતી.
રાજ્યપાલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી જણાવ્યું હતું કે, દુનિયાની સૌથી પ્રાચીન ભાષા સંસ્કૃત છે. દુનિયાની તમામ ભાષાનો જન્મ સંસ્કૃત ભાષામાંથી થયો છે. વેદોની ભાષા સંસ્કૃત છે. ભારતીય સંસ્કૃતિના જતન માટે સંસ્કૃત ભાષાનું જતન જરૂરી છે તેમ જણાવી રામાયણ, મહાભારત અને ગીતા સહિતના પુરાણોમાં સંસ્કૃત ભાષાનું મહત્વનું પ્રદાન છે.તેમ કહયું હતું.
દુનિયાનું સૌથી વધારે જ્ઞાન સંસ્કૃત ભાષામાં છે. તેઓએ ઈતિહાસમાં ચીની યાત્રિક ૧૨ વર્ષ સુધી ભારતમાં રહી ભારતની સંસ્કૃતિ અને મહાનતાથી પ્રભાવિત થયાનું ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ આપી જણાવ્યું હતું કે, દુનિયા વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ દિનપ્રતિદિન આગળ વધી રહી છે, ત્યારે સંસ્કૃત ભાષાને પણ જીવંત રાખી તેની રક્ષા જરૂરી છે.સંસ્કૃત ભાષાના જ્ઞાનથી લોકો એક બીજા સાથે ભાઈચારાની ભાવનાથી રહે છે. સંસ્કૃત ભાષાના માધ્યમથી ભારતે વિશ્વને ભાઈચારાનો અને આત્યમીતાનો સંદેશ આપ્યો છે.
શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ સંસ્કૃત યુનિ.ના પદવીદાન સમારોહમાં સહભાગી થવાની સાથે આનંદની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, રાજ્ય સરકારે યુનિ. અને સંસ્કૃત ભાષાની ચિંતા કરી છે. યુનિ.ના વિકાસ માટે સરકાર હંમેશા તત્પર અને તૈયાર છે. સમગ્ર પદવીદાન સમારોહમાં ૧૭ ગોલ્ડ મેડલ, ૪ સિલ્વર મેડલ અને ૪ રોકડ પુરસ્કાર મળી કુલ ૨૫ પુરસ્કારો યુનિવર્સિટી/વિવિધ દાતાઓ/સંસ્થાઓના સહયોગથી વિધાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. સ્વામીનારાયણના સંપ્રદાયના સંતોને પણ સંસ્કૃત ભાષા વિશેષ પદવી ધારણ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા