આજે વિશ્ર્વ પ્રાણી દિવસ
- આ ગ્રહ પર માનવ અસ્તિત્વ પહેલા પણ ઘણા જીવ જંતુઓ અને પ્રાણીઓનું નિવાસ હતું : પ્રાચીન કાળથી માનવી અને પ્રાણીઓ વચ્ચે સંબંધ છે, આદિમાનવ પણ પ્રાણીઓની આસપાસ જ નિવાસ કરતો હતો
- વિશ્ર્વના તમામ પ્રાણીઓ માટે વધુ સારૂ સ્થાન
- બનાવવાનો સંકલ્પ એટલે જ આજના દિવસની ઉજવણી: તમામ પ્રાણીઓ માટે આદર અને કરૂણાને પ્રોત્સાહન
- આપવું અને તેના પ્રત્યે દયા અને કાળજી રાખવી જરૂરી છે: આ વર્ષની થીમ “આ વિશ્ર્વ પણ તેમનું ઘર છે”
આદીકાળથી આ પૃથ્વી પર પ્રાણીઓ વસવાટ કરે છે. સૃષ્ટિના પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનમાં તેનો વિશેષ ફાળો છે. ભવિષ્યના અસ્તિત્વ માટે વન્ય પ્રાણીઓને બચાવવા અને તેનું રક્ષણ કરવું જરૂરી છે. જૈવિક સંતુલન અને પર્યાવરણનું જતન પણ આ પ્રાણીઓ જ કરે છે. મૂંગા જીવને જીવન એટલું જ પ્રિય હોય છે જેટલું આપણને હોય છે.
અમુક પ્રાણીઓ તો માનવ વસ્તી પહેલાના આ ગ્રહના રહેવાસી છે. આજનો દિવસ વર્લ્ડ એનીમલ ડે છે ત્યારે આપણું વિશ્વ તમામ પ્રાણીઓ માટે વધુ સારૂ સ્થાન બનાવવાનો સંકલ્પ છે. માનવ વસ્તી સાથે હળી-મળીને રહેતા પ્રાણીઓ કુદરતનું અફાટ સૌર્દ્ય છે. આપણે આપણા સ્વાર્થ ખાતર તેનો વિનાશ કે શિકાર કરીને તેનો નાશ કરી નાખ્યો છે. સ્વાર્થ ખાતર પ્રાણીઓનું પર્યાવરણ અને આવાસો છીનવી લેતા ઘણી પ્રજાતિઓ લુપ્ત થઇ ગઇ છે. જંગલના પ્રાણીઓ કુદરતની અનેરી શોભા છે તો આંગણાના પશુ-પંખીઓ આપણી આસપાસના વાતાવરણની શોભા છે. આજનો દિવસ પ્રાણીઓની ઘણી પ્રજાતિઓની દુર્દશા અંગે જનજાગૃત્તિ લાવવાનો છે. 1925 થી આ દિવસ ઉજવાય છે, છતાં આજે પણ પશુ-પંખીઓનો શિકાર થાય છે તે એટલું જ નગ્ન સત્ય છે. વર્ષોથી ઉજવણીના કારણે હવે આ દિવસ એક વૈશ્ર્વિક ઘટના બનતા તમામ એનિમલ લવર ઉજવણીમાં જોડાય છે. તમામ પ્રાણીઓ માટે આદર અને કરૂણાને પ્રોત્સાહન આપવું અને તેના પ્રત્યે દયા અને કાળજી લેવાનો પ્રજા સંદેશ છે. આજે વિશ્ર્વભરની પ્રાણી કલ્યાણ સંસ્થાઓ પ્રાણી કલ્યાણના મુદ્દા વિશે જાગૃત્તિ વધારવા વૈશ્ર્વિકસ્તરના કાર્યક્રમો યોજે છે. ભારતમાં વર્ષો પહેલા ઘણા ચિત્તાઓ હતા. હમણાં જ ઘણા વર્ષોથી આપણાં દેશમાંથી લુપ્ત થયેલા ચિત્તાઓ આફ્રિકામાંથી લાવીને સરકારે પુન: વસવાટનો સુંદર પ્રયોગ કર્યો જે ખૂબ જ સફળ થયો હતો.
પ્રાણીઓ મનુષ્યની જેમજ સંવેદનશીલ હોય છે. ઘણા પશુ-પંખી પ્રેમીઓ શ્ર્વાન, બિલાડી, કબૂતર, ઘોડા, ગાય, બળદ, પોપટ, ભેંસ, કાચબા, માછલીઓ જેવા વિવિધ પ્રાણીઓ પાળે છે. પ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક નિયમો પ્રસ્થાપિત થતાં હવે લોકો તેને ક્રૂરતાથી બચાવવા કાયદાઓનો પણ સહારો લેવા માંડ્યા છે. આજના દિવસે આપણે પૃથ્વીને એવી જગ્યા બનાવવીએ કે જેમાં બધા પ્રાણીઓ મુક્ત રીતે તેના પર્યાવરણ નિર્ભય રીતે હરી ફરી શકે. ભાવી નાગરિકો માટે કરૂણા સંસ્કૃતિ વિકસાવવાનું પણ લક્ષ્ય છે.
24 માર્ચે બર્લિનમાં બિન સત્તાવાર રીતે એનીમલ ડેની ઉજવણી કરાય હતી. ઝિમરમેને સૌપ્રથમ દિવસ ઉજવ્યો જે બાદમાં તેના જ પ્રયાસોથી દર વર્ષે 4 ઓક્ટોબરે ઉજવાય છે. પ્રારંભે જર્મની, ઓસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લેન્ડ અને ચેકોસ્લોવાકિયા જેવા કેટલાક દેશોએ આ ઉજવણીમાં રસ દાખવ્યો હતો. આજે પ્રચાર-પ્રસારને કારણે સમગ્ર વિશ્ર્વ જોડાય છે. 1931 માં આ પરત્વેનું કાર્ય કરતી વિવિધ પ્રાણી સંસ્થા એક સ્ટેજ પર ભેગી થઇને નક્કર કાર્ય કરવા સહમત થયા હતાં. આજે જીવન મુલ્ય શિક્ષણમાં કરૂણા તથા પ્રાણીઓ પ્રત્યેની અનુકંપાને જોડવામાં આવતા વિવિધ સંસ્થાઓ, નેચરક્લબો, જુથો, સમુદાયો, યુવા અને બાળકોની ક્લબ જેવા વિવિધ સમુદાયો આ ઉજવણીમાં જોડાય છે. આ પૃથ્વી પર રહેવાનો જેટલો આપણો હક છે તેટલો જ આ પ્રાણીઓનો પણ છે. આજે લોકો પ્રાણીઓને દત્તક લઇને તેની તમામ જવાબદારીઓ વહન કરે છે.
ઝિમરમેને પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા રોકવા માટે સક્રિય કાર્ય કર્યું હતું. આજે ઉજવાતો દિવસ પ્રાણીઓ મૃત્યુ પામે તેના સહિત ઇકોલોજીના આશ્રય દાતા સંત એસિસીના ફ્રાન્સિસ સંત હતા.ભવિષ્યના અસ્તિત્વ માટે વન્ય જીવનને બચાવો જેવી સુંદર લક્ષ્યાંક સાથે આ વર્ષની થીમમાં “આ વિશ્વ પણ તેમનું ઘર છે” જે સંદર્ભે પૃથ્વી માનવ અને પ્રાણીઓ માટે સમાન રીતે વહેચાયેલી જગ્યા છે. આપણે તેના પર્યાવરણનું રક્ષણ કરવું જરૂરી છે, આપણી પૃથ્વી ઉપર પ્રાણીઓ હશે તો જ આપણું જીવન ટકી રહેશે. પ્રાણીઓ માટે કલ્યાણના ધોરણોને સુધારવા અને તેનું રક્ષણ અને સંવર્ધન કરવું જરૂરી છે. પ્રાણીઓ આપણને ઘણા બધા ગુણો શીખવે છે જેમાં શ્ર્વાનની વફાદારી મુખ્ય છે. 1925 માં તો પાંચ હજાર માણસો જ જોડાયા હતા જે આજે આખી દુનિયાનું વિશાળચક્ર થયું છે. આજનો દિવસ પ્રાણીઓ પ્રત્યે માનવીય ક્રૂરતા અટકાવવી, પ્રાણીઓ માટે કુદરતે બનાવેલું જંગલનું જતન, પ્રાણીઓની લાગણીને માન આપીને તેની સ્થિતિમાં સુધારો કરવો, પશુ ચિકિત્સા અને સંરક્ષણને પ્રોત્સાહન આપવું, લુપ્ત થતી પ્રજાતિને બચાવવી અને વન્યજીવનને નિયંત્રીત કરતાં આ પ્રાણીઓમાં પણ મનુષ્ય જેવું જ જીવન હોય છે.
બેઘર પ્રાણીઓને આશરો આપવો આ કામ હાલના યુગમાં સૌથી શ્રેષ્ઠ કહી શકાય. જો આ બાબતે કોઇ નક્કર પગલાઓ લેવામાં નહી આવે તો પૃથ્વીનો અંત નક્કી છે. જૈવિક સંતુલન સાથે પર્યાવરણનું જતન પણ આ પ્રાણીઓ જ કરે છે. મુંગા જીવને જીવન એટલું જ પ્રિય હોય છે, જેના જેટલું આપણને હોય છે. આ બધા પ્રાણીઓમાં તેની આંખોમાં જ ભાષા બોલવાની મોટી શક્તિ હોય છે.
પ્રાણીઓ મુશ્કેલીમાં હશે તો, આપણા પણ ખરાબ દિવસો દૂર નથી !
સાચા અને ખોટાને પારખવાની શક્તિ જ આપણને પ્રાણીઓથી અલગ પાડે છે. પક્ષી જગતએ પર્યાવરણનું સુચક છે, જો તેવો મુશ્કેલીમાં હોય તો સમજી લેવું જોઇકે આપણા ખરાબ દિવસો દૂર નથી. પ્રાણીઓ પણ આપણી જેમ જ જીવ છે અને તે આપણી કરૂણા, આદર, મિત્રતા અને સમર્થનને પાત્ર છે.
પ્રાણીઓને તમે છંછેડો નહી ત્યાં સુધી તે તમોને હેરાન કરતું નથી. આ વર્ષની થીમમાં પણ આપણી ઇકોસિસ્ટમ પુન:સ્થાપન માટે મુખ્ય જાતિઓ પુન:પ્રાપ્ત કરવાની વાત કરે છે. પૃથ્વી પરના તમામ જીવજંતુ અને પ્રાણીઓનાં પર્યાવરણનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે.
આપણે જ તેના વાલી છીએ, આપણે જ તેનું જતન કરવાનું છે!
પ્રાણીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા સૌએ કાર્ય કરવું જરૂરી છે કારણ કે તે બોલી શકતા નથી અને મદદ માટે કોઇને પૂંછી શકતા નથી. તેઓ તેની સ્વતંત્રતા અને રક્ષણ માટે કોઇને પૂંછી શકતા નથી. આપણે જ તેના વાલી છીએ, આપણે જ તેનું જતન કરવાનું છે. એ હશે તો જ આપણે જીવી શકીશુંએ વાત નક્કી છે. આ પ્રાણીઓ જ આપણા જીવનમાં સુધાર લાવી શકે છે. આજના દિવસને ‘એનિમલ લવર્સ ડે’ પણ કહેવાય છે. પ્રાણીઓ પ્રત્યે પ્રેમ, સંભાળ, સ્નેહ અને સંરક્ષણને પ્રોત્સાહન આપો એ જ આજના દિવસની સાચી ઉજવણી છે.