કરૂણા એનીમલ હોસ્પીટલ તથા પંચનાથ પશુ દવાખાનાનુ પ્રસંશનીય કાર્ય : ઉંદરથી ઉંટ સુધીના ઇજાગ્રસ્ત કે બીમાર પશુઓની તદન નિ:શુલ્ક સારવાર કરવામાં આવે છે
સૌરાષ્ટ્ર એટલે સંત, સતી અને કરુણા ની ભૂમિ કહેવાય છે. આ સૌરાષ્ટ્ર નું પાટનગર એટલે રાજકોટ અને રાજકોટ માં બે સંસ્થાઓ દ્વારા ચાલતી અબોલ પશુ પક્ષીઓ ની સેવા નો મહાયજ્ઞ ચાલતો જોઇ ને સૌરાષ્ટ્ર એ કરુણા માનવતા અને જીવદયા ની ભૂમિ છે તે વાત સચોટ સાબિત થાય છે.
રાજકોટની કરુણા ફાઉન્ડેન્શન ટ્રસ્ટ તથા પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા ચાલતી અબોલ પશુ પક્ષીઓની સારવાર સેવા માટે બે હોસ્પીટલો કાર્યરત છે. આ હોસ્પીટલો માં રોજ રાજકોટ સહિત ચોટીલા, વાંકાનેર, જસદણ, મોરબી, ગોંડલ, પડધરી, વીરપુર, ધોરાજી , સહિત સૌરાષ્ટ્ર ના અનેક શહેરો ગામડાંઓ ના સેંકડો પશુ પક્ષીઓ ની સારવાર તદન નિ:શુલ્ક કરવામાં આવે છે.આ બન્ને હોસ્પીટલો માં રોજ ના ૧૦૦ થી ૧૧૦ મુંગા જીવો ની સારવાર, ઓપરેશન, ડ્રેસીંગ નું વિરાટ સેવા કાર્ય ચાલી રહ્યું છે.
આ હોસ્પીટલના વેટરનરી ડોક્ટર અરવિંદભાઇ ગડારા એ ખાસ મુલાકાત માં જણાંવ્યું હતું કે બીનવારસી પશુ પક્ષીઓ ની ઘટના સ્થળે જઇ સારવાર કરવામાં આવે છે, ડો.અરવિંદભાઇ ગડારા એ વધુમાં જણાંવ્યું હતું કે આ હોસ્પીટલો માં પ્રાણીઓ પક્ષીઓ ની સચોટ સારવાર નિદાન કરી શકાય તે માટે એક્સ રે મશીન, પેથોલોજી લેબોરેટરી, સોનોગ્રાફી સુવિધા, એનેસ્થેસીઆ મશીન, અને પ્રાણીઓના હાર્ટબીટ સહિતની શરીર ની ગતિવિધિઓનું મોનીટરીંગ થઇ શકે તે માટે મલ્ટીપેરા મોનીટરીંગ મશીન સહિતની સુવિધાઓ આ હોસ્પીટલમાં છે.
આ હોસ્પીટલોમાં ડોક્ટરો અરવિંદભાઇ ગડારા, ડો.ધારાબેન, સહિત સ્ટાફના ભંડેરીભાઇ, લખનભાઇની ટીમ પશુ પક્ષીઓની સેવામાં ખડેપગે હાજર હોય છે જ્યારે આ સંસ્થાઓના સર્વેસર્વા અને અબોલ જીવોની સેવા માટે ભગીરથ સેવાકીય અભિયાન શરૂ કરનારા બન્ને સંસ્થાના પ્રમુખો મીતલભાઇ ખેતાણી તથા દેવાંગભાઇ માંકડ અને ટ્રસ્ટીઓ મયુરભાઇ શાહ, ધીરેન્દ્રભાઇ કાનાબાર, તનસુખભાઇ ઓઝા, એડવોકેટ કમલેશભાઇ શાહ, ડી.વી.મહેતા, વિષ્ણુભાઇ ભરાડ, પ્રતિકભાઇ સંઘાણી, રમેશભાઇ ઠકકર, રજનીભાઇ પટેલ, મહેન્દ્રસિંહ ગોહિલ, મનુભાઇ પટેલ, મીતેષભાઇ વ્યાસ, નીતીનભાઇ મણીયાર, નારણભાઇ લાલકીયા, વસંતભાઇ જસાણીના માર્ગદર્શન નીચે ચાલતા આ સેવાકીય મહાયજ્ઞ માં રોજ શ્વાન, બીલાડી, કાચબા, કબુતર, ચકલીઓ, વાછરડા, પોપટ, ખીસકોલી, કાગડા સહિત ઉંદર જેવા જીવોનું આ કરૂણા એનીમલ હોસ્પીટલ તથા પંચનાથ ટ્રસ્ટ વેટરનરી હોસ્પીટલ માં સારવાર નિદાન ઓપરેશન નું મહા ભગીરથ કાર્ય તદન વિના મુલ્યે થઇ રહ્યું છે.