ડેટા ઈઝ ધ કીંગ

પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ વર્ષ ૨૦૨૧નાં શરૂઆતમાં લાવવાની સરકારની તૈયારી

નવા કાયદાથી ડેટા ચોરી ગુનો ગણાશે; ખાનગી ડેટાના ઉપયોગ પહેલા યુઝર્સની મંજૂરી લેવી અનિવાર્ય બનશે

આજના વિકસતા જતા આધુનિક યુગમાં ટેકનોલોગજીનો વ્યાપ-વિસ્તાર વધતા ડીજીટલી સેવાનો ઉપયોગ ખૂબ વધ્યો છે. મોટાભાગની સેવાઓ ઘેર બેઠા મળતી થઈ છે. જેનાથી લોકોનો સમય તો અવર જવરનો ખર્ચ બચતો થયો છે. આ સેવા ઉપરાંત, સોશ્યલ મીડિયાનો ઉપયોગ પણ ખૂબ વધ્યો છે. ફેસબુક, ટવીટર, વોટસએપ ઈન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર રાત-દિવસ યુઝર્સ રચ્યા પચ્યા રહે છે. આ બધી ડીજીટલી સેવાઓ વચ્ચે કીંગ ગણાતા ‘ડેટા’ની સુરક્ષાને લઈ ઘણા પ્રશ્ર્નો ઉભા થાય છે. જે ભારતનાં આત્મનિર્ભર અભિયાનમાં અવરોધરૂપ પણ બની શકે છે. ટેકનોલોજી ક્ષેત્રે સ્વાવલંબી બનવું હશે તો ભારતે સૌ પ્રથમ ડેટા સુરક્ષીત રાખવા પર કામ કરવું જ પડશે અને આ તરફ ધ્યાન દોરી સરકારે પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ લાવવાની તૈયારી દાખવી છે જે લગભગ અંતિમ તબકકામાં જ છે. તાજેતરમાં ૩૦ સભ્યોની સંયુકત સંસદીય સમિતિએ આ ડ્રાફટને લીલીઝંડી પણ આપી દીધી છે.

પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ વર્ષ ૨૦૨૧ના શરૂઆતી ગાળામાં પસાર થાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, આ બીલનો ડ્રાફટ વર્ષ ૨૦૧૮માં ઘડાયો હતો. જેને ઈલેકટ્રોનિકસ અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. આ બીલ અંતર્ગત ડેટા સંરક્ષણ ઓથોરીટી-ડીપીએની સ્થાપના કરવાની જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે ડેટા સુરક્ષાને સુપ્રીમ કોર્ટે પણ યુઝર્સનો મહત્વનો માનવ અધિકાર ગણાવ્યો હતો. યુઝર્સનાં ડેટા ચોરી ન થાય ખાનગી બાબતો જળવાઈ રહે તે તેમજ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન યુઝર્સનાં ડેટા ખોટી રીતે ઉપયોગમાં ન લેવાય તેમાટે સુપ્રીમે સરકારને ટકોર કરી કાયદો ઘડવા આદેશ કર્યા હતા જેના અનુસંધાને પર્સનલ ડેટા પ્રોટેકશન બીલ લાવવામાં આવ્યું છે. આ ડ્રાફટના રીવ્યુ માટે ઘડાયેલી સમિતિનાં મુખ્યા એસ.ગોપાલક્રિશ્ર્નને કહ્યું છે કે, આ બીલથી યુઝર્સનાં ખાનગી ડેટાને સુરક્ષા પ્રદાન થશે તેમજ ખાનગી કંપનીઓની એકબીજાને ડેટા વહેચવાની પ્રક્રિયાઓ પર અંકુશ લાદી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.