આજકાલ ભાગદોડની લાઇફસ્ટાઇલમાં શરીરમાં રોગો ઝડપથી વધી રહ્યાં છે. અત્યારનું લોકોનું ખાન-પાાન, વાતાવરણમાં રહેલું પ્રદૂષણ વગેરેના કારણે રોગો થવાની સંભાવના પણ વધતી જોવા મળે છે. હાલના સમયમાં રોગનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. જેને વ્યક્તિની ઉંમર સાથે કોઇ લેવા દેવા હોતો નથી. તો તેવામાં શરીરને રોગો સામે બચાવવા માટે રોજિંદા જીવનમાં નિયમિત યોગસાન કરવા, તે શ્રેષ્ઠ ઉપચાર છે. યોગ દ્વારા ઘણાં રોગોમાં રાહત મેળવી શકાય છે. પરંતુ યોગ કયા સમયે કરવા? યોગ કરવાની સાચી પદ્ધતિ તથા તેના ફાયદા વિશે માહિતી મેળવીએ.
આસન કરવા માટે ક્યો સમય પસંદ કરવો ?
યોગ આસન, એક્સરસાઈઝ કરવા માટે સવારનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. વહેલી સવારે સૂર્યોદય પહેલાં વાતાવરણમાં શાંતિ અને તાજગી હોય છે. તેથી સવારે યોગ કરવાથી સ્વસ્થ રહેવાય છે, સાથે દિવસ દરમિયાન ફ્રેશ રહી શકાય છે. આ ઉપરાંત સૂર્યાસ્તના સમયે કે રાત્રે જમ્યાના અડધો કલાક બાદ વોક કરવા જઈ શકો છો.
શલભાસન :
રીત :-
સૌ પ્રથમ પગ લાંબા કરીને, બંને પગ ભેગા કરીને પેટના બળે ઊંધા સૂઈ જાવ. ભુજંગાસનની જેમ છાતીની સીધાણમાં શરીરની નજીક બંને હથેળીઓને જમીન પર રાખો. હવે પગના અંગૂઠા ખેંચેલા રાખો. ત્યાર બાદ નાક જમીન પર ટેકવો. હવે જમણો પગ ધીમેધીમે ઊંચો કરીને ઢીંચણમાંથી પગ વળે નહીં જમીન સાથેનો ડાબો પગ કે કમરનો કોઈ ભાગ ઊંચો ન થાય, તેની કાળજી રાખો. પગ સ્થિર રાખીને ધીમેધીમે નીચેની તરફ લાવો. જમણા પગની જેમ હવે ડાબો પગ નીચેની તરફ લાવો. થોડીવાર પગ સ્થિર રાખો, પછી મૂળ સ્થિતિમાં રાખી લો. આમ બંને પગ વારાફરતી ઊંચા કરી ફરી મૂળ સ્થિતિમાં રાખો.
ફાયદા :-
- કબજિયાત મટે છે.
- પેટના અવયવો અને લિવરમાં થતી સમસ્યાઓમાં રાહત મળે છે.
- ફેફસાં મજબૂત બને છે.
- હૃદયના સ્નાયુઓ મજબૂત બને છે.
- જમ્યા પછી થતા પેટના દુખાવાને મટાડે છે.
હલાસન :
રીત :-
સૌ પ્રથમ પીઠના બળે સૂઈ જાઓ. ત્યાર બાદ પગ વાળી લો. હથેળીઓ જમીન પર કમરની પાસે રાખો. હવે ધીરેધીરે બંને પગને ઉપરની તરફ ઉઠાવો. આ પ્રક્રિયા કરતી વખતે પેટને અંદરની તરફ લો એટલે શ્વાસ અંદર ખેંચો. હવે પગને માથાની પાછળ જમીન પર અડાડવાનો પ્રયત્ન કરો. ત્યાર બાદ હાથ વડે પીઠ અને કમરને સપોર્ટ આપો. આમ, ૪થી ૫ વખત કરો.
ફાયદા :-
- પેટ અને કમરની ચરબી ઓછી થાય છે.
- વાળ કાળા થાય અને વાળના ગ્રોથમાં વધારો થાય છે.
- ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.
- થાઇરોઇડની સમસ્યામાં રાહત થાય છે.
- ડાયાબિટીસ સામે રક્ષણ મળે છે.
- પેટના મસલ્સ મજબૂત બને છે, સાથે પાચનશક્તિ વધે છે.
- કરોડરજ્જુ મજબૂત બને છે.
- મહિલાઓને મેનોપોઝમાં રાહત આપે છે સાથે તણાવ ઘટાડવામાં મદદ કરે છે.