પાણીની કટોકટીની દહેશત વચ્ચે કર્મચારીઓ દ્વારા સુરક્ષા મંગાઈ
મોરબી પાલિકામાં રજુઆત કરવા આવેલા ટોળા દ્વારા કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટના બાદ પાલિકા કર્મચારી મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રક્ષણ આપવા માંગણી ઉઠાવવામાં આવી હતી.
મોરબી નગરપાલિકા કર્મચારી મંડળના પ્રમુખ નરેન્દ્રસિંહ બી.જાડેજાની આગેવાની હેઠળ પાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં કલેકટર કચેરી દોડી ગયા હતા અને આગામી સમયમાં પાણીની કટોકટી સર્જાઈ તેમ હોવાથી લોકો વચ્ચે નાહક રીતે ઘર્ષણ થાય તેવી સ્થિતિ હોય તાકીદે ઈન્ડોર અને આઉટ ડોર કર્મચારીઓને સુરક્ષા પુરી પાડવા જણાવાયું હતું.
વધુમાં કર્મચારી મંડળ દ્વારા જણાવાયુ હતું કે છાસવારે મોરબી પાલિકા કચેરીમાં રજુઆત કરવા આવતા ટોળા સાથે સંઘર્ષ થાય છે અને ઘણી વખત તો આવારા તત્વો મોકાનો ફાયદો ઉઠાવી કચેરીમાં તોડફોડ કરતા હોવાનું જણવાયું હતું.
આ ઉપરાંત મોરબી પાલિકામાં કર્મચારીઓની ઘાટ છે ત્યારે આવા બનાવો બનતા કર્મચારીઓનું મોરલ તૂટી રહ્યું છે જેમાં ખાસ કરીને આઉટ ડોર કામગીરી કરતા કર્મચારીઓને તો જે તે વિસ્તારમાં કામ કરવા જાય ત્યારે માથાભારે ઈસમો મનમાની કરી બળજબરીથી કામ કરાવતા હોવાનું પણ રજુઆતમાં જણાવાયું હતું.
આ સંજોગોમાં પાલિકા કર્મચારી મંડળ દ્વારા વહેલી તકે કર્મચારીઓને પૂરતી સુરક્ષા વ્યવસ્થા પુરી પાડવા માંગ કરવામાં આવી હતી.