રાજુ રૂપમનાં પુત્રએ પત્રકાર પરિષદમાં કર્યો ધડાકો: સંજય પંડિતનાં સીસીટીવી ફુટેજ સહિતનાં પુરાવા રજુ કર્યા
રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ પર આવેલ હીરા પન્ના કોમ્પ્લેક્ષમાં ઓફિસ ધરાવતા વકીલ સંજય પંડિતે પૂર્વ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ઉચ્ચ અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચનાં પોલીસમેન તથા શહેરની નામાંકિત સ્કુલ મોદી, ધોળકિયાનાં સંચાલકોને બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા ખંખેરી લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટી પોલીસમાં નોંધાયેલ ફરિયાદનાં બનાવને પગલે રાજુ રૂપમનાં પુત્ર નિખીલે ગઈકાલે પત્રકાર પરીષદ યોજી હતી અને આ પત્રકાર પરીષદમાં તેઓએ સીસીટીવી ફુટેજ સહિતનાં પુરાવા રજુ કરી સંજય પંડિત એડવોકેટ વિરુઘ્ધ સ્ફોટક વિગતો આપતા જણાવ્યું હતું કે, તેના પિતા રાજુભાઈ રૂધમનાં કહેવા મુજબ તાજેતરમાં અમારી વિરુઘ્ધ રાજકોટ શહેરનાં એડવોકેટ સંજય હેમતભાઈ પંડિત (લોહાણા) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ કરેલ છે. આ ફરિયાદ નિવેદનમાં સંજય પંડિતે જે વાતોનો ઉલ્લેખ કર્યો છે અને તે એવું કહે છે કે મેં ડરના માર્યા તમામ વાતોમાં હાથ પાડેલ છે. આ વાત વાસ્તવમાં તદન જુઠી, ખોટી અને પાયાવિહોણી છે. ખરેખર તો એડવોકેટ સંજય પંડિત એકદમ હળવી મુદ્રામાં બિન્દાસ્ત અને બેફીકર બની અને પોતે વકીલાતનાં વ્યવસાયની આડમાં કરેલા કૃત્યોની કબુલાત આપી રહ્યા છે. જેમાં રાજકોટ શહેરનાં ઉચ્ચ અધિકારીઓ તેમજ પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ સંજય પંડિત જે વ્યવસાય સાથે સંકળાયેલ છે તે વકીલાત વ્યવસાયમાં આવતા કેટલાય સીનીયર જજ તથા વકીલોને લગતી ચોંકાવનારી બાબતોની સંજય પંડિત એકદમ હળવી મુદ્રામાં બિન્દાસ્ત વાતો કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાંચનાં અધિકારીઓને યેનકેન પ્રકારે બ્લેકમેઈલ કરી અને રૂપિયાનો તોડ કરેલ છે.
વકીલ સંજય પંડિત દ્વારા રાજકોટ શહેરની નામાંકિત શાળાઓનાં સંચાલકોને યેનકેન પ્રકારે ડરાવી, ધમકાવી અને બ્લેકમેઈલ કરવાની કબુલાત સંજય પંડિત પોતાના સ્વમુખે કરી રહ્યા છે. સંજય પંડિતે યુનિવર્સિટી પોલીસ મથકમાં જે ફરિયાદ કરી છે તે બાબતની વિગતવાર માહિતી મુજબ સંજય પંડિત દ્વારા મારા મિત્ર અનિરુઘ્ધસિંહ જાડેજા સામે એસીબીમાં અરજી કરી હોવાની અખબારનાં માધ્યમથી મને જાણ થઈ હતી. જે અંગે પુચ્છા કરવા માટે મારા જુના મિત્ર અને સંજય પંડિતનાં મિત્ર એવા મનોજ ગઢવી દ્વારા અમારી મુલાકાત થઈ હતી. સંજય પંડિતની હીરાપન્ના કોમ્પ્લેક્ષ, યાજ્ઞિક રોડ ખાતેની ઓફીસમાં સંજય પંડિત સાથે પ્રથમ મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં જ એડવોકેટ સંજય પંડિતે કોઈપણ પ્રકારની વાતચીત વગર રૂપિયા ૫૦ લાખની લાંચની માંગણી કરી દીધેલ હતી અને આ બેઠકનાં અંતે રૂપિયા ૩૦ લાખમાં સેટલમેન્ટ કરવાની ઓફર આપી દીધેલ અને કહેલ કે હું તમને લેખિત બાંહેધરી આપી હતી અને મને કહેલ કે હું તમારી ઓફિસે ચા-પાણી પીવા આવીશ અને આપણે બંને જ્ઞાતિ બંધુ હોય ફરી મળવા જણાવેલ અને તા.૨૦/૭/૨૦૧૯નાં રોજ તેઓએ મારી પાસે સમય લીધો હતો અને મને આકાશવાણી ચોક ખાતે મારી ઓફિસે મળવા આવેલ. આ મુલાકાતમાં સંજય પંડિત તથા તેની સાથે રહેલા મનોજ ગઢવીની હાજરીમાં તેઓએ અત્યાર સુધીમાં કરેલ કૃત્યોની વાતની પણ કબુલાત આપી છે. ઉપરોકત વિગત સાથે સીસીટીવી ફુટેજ રજુ કરી પત્રકાર પરિષદમાં વકિલ વિરુઘ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા.