દિલ્હી ખાતેથી તપાસ કરી પરત ફરતી વેળાએ ફર્જાયેલા અકસ્માતમાં પાંચે જીવ ગુમાવ્યા’તા
અબતક, રાજકોટ
જયપુર નજીક ખાનગી કારમાં જઈ રહેલા ભાવનગરના 4 પોલીસમેન અને એક આરોપીનું અકસ્માતમાં મોત થયું હતું, તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી અપાઈ હતી તેમ છતાં પીએસઆઇ એમ.એચ. યાદવે ખાનગી વાહનમાં ટીમ મોકલી હતી, તેમજ આ તપાસમાં સાથે કોઈ અધિકારીને ન મોકલી ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવેલી હતી જે અંગે રેન્જ આઈજી અશોક કુમારએ પીએસઆઈને સસ્પેન્ડ કરવા આદેશ કર્યો છે.
મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ભરતનગર પોલીસ મથકથી ખાનગી કારમાં તપાસમાં ગયેલા કર્મચારીઓ દિલ્હીથી પરત નીકળી તા.15 ફેબ્રુઆરીના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર માર્ગેથી પરત આવી રહ્યા હતા ત્યારે અકસ્માત થતા ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી પાંચ વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા.
આ અંગે રેન્જ આઈજીએ કરેલા તપાસના આદેશમાં જણાવાયું છે કે, આ તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફિસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવી હતી. તેમ છતા પીએસઆઈ એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહીં મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કર્યા હતા, તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહીં મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કર્યા હતા. જો પીએસઆઈ એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરી હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ :ખદ ઘટના ન બની હોત. ફોજદાર એમ.એચ.યાદવ જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી બેદરકારી અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી હતી. જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ ભાવનગર રેન્જ આઈજી અશોક કુમાર દ્વારા પીએસઆઈ યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.