રાજકોટ મહાનગરપાલિકાની નવા વર્ષની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આગામી તા.8ને સોમવારના રોજ સવારે 11:00 કલાકે મળશે. જેમાં સમગ્ર વર્ષની જુદી-જુદી બાબતોની દરખાસ્તો રજૂ કરવામાં આવશે. ખાસ તો નવા વર્ષથી પ્રદ્યુમન પાર્ક તેમજ જીમની ટિકિટના દર અને સ્વિમિંગ પુલ-ઓલમ્પિક ટ્રેકની સભ્ય ફીમાં તોતીંગ ભાવ વધારાની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત થવાની પૂરી શક્યતા છે.
વોર્ડ નં.5ની શાળા નં.72માં નવું બાંધકામ કરવાના નિર્ણયને પણ બહાલી મળશે: રેસકોર્ષ ખાતે આવેલ ફૂટબોલ તેમજ હોકી ગ્રાઉન્ડમાં વ્યૂઇંગ ગેલેરી બનાવવાના કામને પણ મંજૂરી મળશે
આ ઉપરાંત કુલ 63 જુદી-જુદી કામોની નિર્ણયને બહાલી આપવામાં આવશે. સોમવારે સ્ટેન્ડિંગ કમિટીમાં વોર્ડ નં.11માં વાગુદડ રોડ પર આવેલ મિયાવાંકી ગાર્ડન પર જાળી તેમજ ફેન્સીંગ કમાઉન્ડ વોલ, વોર્ડ નં.18માં સીસી રોડ, વોર્ડ નં.12માં મેટલીંગ કામ, આજી ડેમ ખાતે રામવનમાં સામાન્ય નિતી-નિયમો તેમજ પ્રવેશ મૂલ્યો નક્કી કરવાની દરખાસ્તને મંજૂરી અપાશે. વોર્ડ નં.4 વેલનાથ પરા તેમજ ભગવતીપરામાં 24 મીટર ટીપી રોડ પરના બ્રિજના પેવર બ્લોક કરવાના કામને લઇને નિર્ણય, રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ મિડીયા ક્લબના ઉપક્રમે યોજાનાર મિડીયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે વિનામૂલ્યે ગ્રાઉન્ડ ફાળવવા દરખાસ્ત કરાશે. આ ઉપરાંત ભાગવત્ સપ્તાહના આયોજન માટે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ યુનિટ-1 અગાઉ બુક કરાવવા તેમજ વોર્ડ નં.1, 9, 8, 10માં પડત્તર કચરો, વોંકળાનો ગાર, રબ્બીસ વગેરે ઉપાડી સ્ટેશને ખાલી કરાવાની કામગીરીનો બે વર્ષનો કોન્ટ્રાક્ટ અપાશે.
આ ઉપરાંત માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આવેલ સિમેન્ટ વિકેટો પ્રેક્ટિસ માટે એકેડમીને બે વર્ષ ફાળવવા દરખાસ્ત કરાશે. વોર્ડ નં.18માં આવેલ શુભમ પાર્ક, સિતારામ સોસાયટી તથા સોલવન્ટ વિસ્તારની સોસાયટીમાં મેટલીંગ કામના નિર્ણયને બહાલી અપાશે. શહેરના વોર્ડ નં.5ના શાળા નં.72નું નવા બાંધકામના નિર્ણયને બહાલી અપાશે. ઉપરાંત દિવાળી દરમિયાન લાઇટીંગ તથા રંગોળી સ્પર્ધાના કાર્યક્રમના ખર્ચને મંજૂર કરવા અંગે બહાલી અપાશે. તેમજ જુદીજુદી 63 દરખાસ્તોને બહાલી આપવામાં આવશે.