મેયર અને મ્યુનિ.કમિશનરે સ્થળ મુલાકાત કરી મિલકત કપાત કરવાની ખાતરી આપી
શહેરના વોર્ડ નં.૧૩માં ખોડીયારનગર વિસ્તારમાં ટીપીનો રોડ ખુલ્લો કરાવવા માટે મહાપાલિકા દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે. અહીં રોડ પર વર્ષો જૂના મકાનો આવેલા છે જેમાં કપાત આવે છે. આજે વોર્ડના કોર્પોરેટર જયાબેન ડાંગર, નીતિનભાઈ રામાણી, પૂર્વ કોર્પોરેટર હરીવાલા ડાંગર અને યુવા ભાજપ અગ્રણી શૈલેષ ડાંગર સાથે સ્થાનિકોએ મેયર બીનાબેન આચાર્ય અને સ્ટે.ચેરમેન ઉદયભાઈ કાનગડને આ અંગે રજૂઆત કરી હતી. રોડ ખુલ્લો કરાવવા માટે ઓછી મિલકત કપાતમાં લેવાની માંગણી કરવામાં આવી હતી. દરમિયાન મેયર અને મ્યુનિ.કમિશનરની સ્થળ વિઝીટ બાદ મિલકત કપાત અંગે નિર્ણય લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે.
વોર્ડ નં.૧૩માં ખોડીયાનગર વિસ્તારમાં ૯ મીટર અને ૧૫ મીટર ટીપીનો રોડ ખુલ્લો કરાવવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. અહીં ડીઆઈ પાઈપ લાઈન અને ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોય તે માટે રોડ પહોળા કરવાની કાર્યવાહી શરૂ કરાશે. આ રોડ પહોળા કરવા માટે વર્ષો જૂના મકાનો કપાતમાં આવે છે. મકાનોના આગળનો ભાગ જ કપાતમાં લેવામાં આવે તો ગરીબોનો આશરો ન છીનવાય તેવા મતલબની રજૂઆત આજે સ્થાનિકો દ્વારા મેયર બીનાબેન આચાર્ય સમક્ષ કરવામાં આવી હતી.
કોર્પોરેટર જયાબેન ડાંગર, નીતિનભાઈ રામાણી અને પૂર્વ કોર્પોરેટર હરીવાલા ડાંગરની આગેવાનીમાં કરવામાં આવેલી રજૂઆત બાદ મેયરે એવી ખાતરી આપી હતી કે, આગામી દિવસોમાં તેઓ કમિશનરને સાથે રાખી સ્થળ વિઝીટ કર્યા બાદ મિલકત કપાત અંગે યોગ્ય તપાસ કરશે.