• જે મતદાન મથકોમાં 1500થી વધુ મતદારો છે ત્યાં હંગામી મતદાન મથકો ઉભા કરવા મામલે ચૂંટણી શાખાના નાયબ મામલતદાર ગાંધીનગર દોડી ગયા

Rajkot News

રાજકોટ જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે જે મતદાન મથકોમાં 1500થી વધુ મતદારો છે ત્યાં હંગામી મતદાન મથકો ઉભા કરવા મામલે જિલ્લા ચૂંટણી તંત્રએ કવાયત હાથ ધરી છે. આ મામલે ચૂંટણી પંચને દરખાસ્ત પણ કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ હાલ લોકસભાની ચૂંટણી માટે તૈયારીઓનો દૌર ચાલી રહ્યો છે. તમામ વિધાનસભા બેઠકોમાં હાલ તૈયારીઓ ચાલી રહી છે. વધુમાં જિલ્લામાં મતદાન મથકોને પણ હાલ સજ્જ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર એક મતદાન મથક ઉપર વધુમાં વધુ 1500 જેટલા જ મતદારો રાખવામાં આવનાર છે.

જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લા તંત્ર દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરી રહી હતી. આ બેઠકમાં જિલ્લામાં 11 હંગામી મતદાન મથકો ઉભા કરવા મામલે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં જે મતદાન મથકો ઉપર 1500થી વધુ મતદારો છે ત્યાં વધારાનું મતદાન મથક ઉભું કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લામાં આવી રીતે 11 હંગામી મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જેમાં મોટાભાગના શહેરી વિસ્તારમાં હશે. આ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચમા દરખાસ્ત પણ કરવામાં આવી છે.

જે અંગે વિસ્તૃત કાગળો સાથે આજે ચુટણી વિભાગના એક નાયબ મામલતદાર ગાંધીનગર પણ દોડી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એન.કે.મુછારે ચાર્જ સંભાળ્યો

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે અગાઉ શિવરાજસિંહ ખાચર કાર્યરત હતા તેઓની મોરબી અધિક કલેકટર તરીકે બદલી થઇ હતી. જેથી તે જગ્યાનો ચાર્જ અધિક કલેકટર ચેતન ગાંધીને સોંપવામાં આવ્યો હતો. જો કે બાદમાં હવે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે એન.કે.મુછારને મુકવામાં આવ્યા છે. આજે તેઓએ રાજકોટ ખાતે હાજર થઈ તેઓનો ચાર્જ સંભાળી લીધો છે. આવતા વેંત જ તેઓએ જિલ્લા કલેકટર સાથે બેઠક કરી કામગીરી અંગે જરૂરી ચર્ચા પણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.