એક મહિના પૂર્વે પુરવઠા વિભાગે દૂધસાગર રોડ ઉપર ગેરકાયદે ચાલતા ગેસ રિફીલીંગ ઉપર દરોડો પાડી 503 જેટલા બાટલા સહિત આશરે 8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
એક મહિના પૂર્વે પુરવઠા વિભાગે દૂધસાગર રોડ ઉપર ગેરકાયદે ચાલતા ગેસ રિફીલીંગ ઉપર દરોડો પાડી 503 જેટલા બાટલા સહીત આશરે 8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ પ્રકરણમાં આરોપી સામે ફોજદારી પગલાં લેવા પુરવઠા વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર એક મહિના પૂર્વે પુરવઠા વિભાગે રાજકોટ શહેરનાં દૂધસાગર રોડ ઉપર હાઈવે નજીક આવેલા માજોઠી નગરનાં ખૂણે એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કામગીરી કરનાર ઈસમો સામે ગુનો નોંધી ગેસ સીલીન્ડર, ઇલેક્ટ્રિક મોટર, વજન કાંટા, માલવાહક રીક્ષા સહીત 503 જેટલા બાટલા સાથે કુલ રૂ. 8,31,532/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઈન. જિલ્લા પુરવઠા અધિકારી એસ. એન. સુથાર, રાજકોટ શહેર પૂર્વ મામલતદાર રૂદ્ર ગઢવી તેમજ પુરવઠા નિરીક્ષક કિરીટસિંહ એમ. ઝાલા તથા અમિતભાઈ પરમારની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કૃત્ય સામે દરોડો પાડી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓની તપાસ દરમિયાન સ્થળ પર હાજર સલીમ અલી મોહમ્મદ નામના શખ્સ આ કામગીરી કરતો હોવાનું જણાયું હતું.
મોટા સીલીન્ડરમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી નાના નાના ગેસ સીલીન્ડર ગેરકાયદે ભરવામાં આવતા હતા. આ વંડાની નજીક જ મસ્જિદ આવેલી હોવાથી, લોકોની સતત અવરજવર રહેતી હોય છે. રહેણાંક વિસ્તારમાં અમુલ્ય માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈપણ પ્રકારના અગ્નિશામક યંત્રો રાખ્યા વગર જ અતિ જોખમી અને જવલનશીલ એવા એલ.પી.જી. ગેસ રીફીલિંગનું ગેરકાયદેસર રીતે બેદરકારીભર્યું કૃત્ય આચરી ગેસની ચોરી કરવા બદલ પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ 2009 તથા ગેસ સીલીન્ડર રૂલ્સ 2004 તથા 2016ની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી શરૂ કરાઇ હતી.
આ તપાસ દરમિયાન રાંધણગેસના 21 કી.ગ્રા.ના ભરેલા 24 બાટલા, 5 કી.ગ્રા.નાં 68 બાટલા, 6 વજનકાંટા, 06 ઇલેક્ટ્રિક મોટર, 01 માલવાહક રીક્ષા, 21 કી.ગ્રા.ના 85 ખાલી બાટલા, 19 કી.ગ્રા.નાં ખાલી 26 બાટલા, 5 કી.ગ્રા. નાં 199 ખાલી બાટલા, 101 ગેસના ખાલી બાટલાનો ભંગાર સહીત કુલ રૂ. 8,31,532/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હવે આ શખ્સ સામે ફોજદારી કાર્યવાહી માટે રાજકોટ જિલ્લા કલેક્ટર સમક્ષ ઇન્ચાર્જ પુરવઠા અધિકારીએ દરખાસ્ત કરી હોવાનું જાણવા મળ્યું છે.