કુલ રૂ.૧૪ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનું અવ્વલ પ્રવાસન સ્થળ બનાવાશે : અગાઉ સરકાર દ્વારા ૧૦.૨૯ કરોડની ગ્રાન્ટ મંજુર કરાઈ હતી : જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રવાસન સમિતિની બેઠકમાં કરાઈ મહત્વની દરખાસ્તો
જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી હતી. જેમાં ખંભાલિડાની પ્રાચીન બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે જે રૂ. ૧૦.૨૯ કરોડના ખર્ચે પુરજોશમાં કામ ચાલી રહ્યું છે. તેના માટે વધુ રૂ. ૩.૭૧ કરોડની ગ્રાન્ટ મંજુર કરવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. આ કામ પૂર્ણ થયે ખંભાલિડાની ગુફા સૌરાષ્ટ્રનુ અવ્વલ દરજ્જાનું પ્રવાસન સ્થળ બનશે.
ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલ પ્રાચીન બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેનું કામ રાજકોટના સ્ટાર આર્કિટેક્ટને સોંપવામાં આવ્યું છે. હાલ આ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. અગાઉ સરકાર દ્વારા આ કામ માટે રૂ.૧૦,૨૯,૬૨,૪૦૦ની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જે પૈકી રૂ. ૮,૮૭,૫૨,૯૮૦ની રકમ સરકાર દ્વારા ફાળવી દેવામાં પણ આવી છે. જેમાંથી રૂ. ૧,૪૨,૦૮,૪૨૦ જેટલી રકમ ફાળવવાની બાકી છે. હાલ આ પ્રોજેક્ટને ૧૦૦ ટકા પૂર્ણ કરવા માટે રૂ. ૧૪,૦૧,૧૨,૫૦૦ જેટલી રકમની જરૂરિયાત જણાતી હોય વધુ રૂ. ૩,૭૧,૫૧,૧૦૦ રકમ મંજુર કરવા સરકારમાં કલેક્ટર મારફત દરખાસ્ત કરવામાં આવી છે. સાથોસાથ અગાઉની ફાળવવાની બાકી રકમ રૂ. ૧,૪૨,૦૮,૪૨૦ ફાળવી દેવા પણ જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ખંભાલિડાની પ્રાચીન બૌદ્ધ ગુફાઓને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું કામ બે ફેસમાં હાથ ધરાયુ છે.જેમાં પ્રથમ તબક્કામાં રૂ. ૯,૦૬,૭૯,૫૦૦ નું કામ સફળતા પૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. બાકીનું કામ હવે બીજા ફેસમાં શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરી ઉપર ગોંડલ પ્રાંત અધિકારી આલ પણ અંગત રસ લઈને દેખરેખ રાખી રહ્યા છે. સાથોસાથ મામલતદાર સહિતના અધિકારીઓ પણ કામનું સમયાંતરે નિરીક્ષણ કરી રહ્યા છે.
- ઘેલા સોમનાથના વિકાસ માટે વધુ રૂ.૨ કરોડના ખર્ચે કામો હાથ ધરાશે
ઘેલા સોમનાથના મહાદેવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૧૪માં રૂ. ૫ કરોડ ફાળવવામા આવ્યા હતા. જેમાંથી પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયે રૂ. ૧,૮૬,૧૫,૧૨૯ની રકમ બચી હતી. આ રકમમાંથી વધુ રૂ. ૨ કરોડના કામો હાથ ધરવામાં આવનાર છે. માટે ઘટતી રકમની ગ્રાન્ટ ફાળવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રૂ. ૨ કરોડમા ખર્ચે ઘેલાસોમનાથમાં મીનળદેવી ટેકરીના પગથીયા , પગદંડી અને રેલિંગ, હિલ ટોપ ગાર્ડન, બાળ ક્રીડાગણ, રમતગમતની રાઈડસ, પિલર, ઘુમટ, પેવિંગ, સ્નાનાઘાટ, પાર્કિગ, ટોયલેટ બ્લોક સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.