હવે ઉત્તરપ્રદેશ માટે પાંચ, મધ્યપ્રદેશ માટે ત્રણ અને બિહાર માટે એક ટ્રેન દોડાવવાનું આયોજન : જરૂર પડ્યે હજુ વધુ ટ્રેનોની પણ દરખાસ્ત કરવાની વહીવટી તંત્રની તૈયારી
મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જવા એક-એક ટ્રેન રવાના
રાજકોટથી શ્રમિકોને વતન મોકલવા વધુ ૯ ટ્રેનો ફાળવવા વહીવટી તંત્રએ દરખાસ્ત કરી છે. જેમાં ઉત્તરપ્રદેશ માટે પાંચ, મધ્યપ્રદેશ માટે ત્રણ અને બિહાર માટે એક ટ્રેન દોડાવવાનું તંત્રએ આયોજન હાથ ધર્યું છે. ઉપરાંત જરૂર પડ્યે હજજ વધુ ટ્રેનોની પણ દરખાસ્ત કરવાની વહીવટી તંત્રએ તૈયારી દાખવી છે.
રાજકોટ જિલ્લામાં અંદાજે એકાદ લાખથી વધુ શ્રમિકો આશ્રિત હોય આ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે તંત્રએ છેલ્લા ઘણા દિવસથી કવાયત હાથ ધરી છે. વિવિધ રાજ્યોના શ્રમિકોને તેમના વતન જવાની મંજૂરી આપ્યા બાદ વાહન વ્યવસ્થાનો પ્રશ્ન સર્જાતા હવે વાહન વ્યવસ્થા પણ વહીવટી તંત્રની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. શ્રમિકોને વતન પહોંચાડવા ખાનગી બસો સાથે પણ વહીવટી તંત્રએ બેઠક યોજીને તેમનો સહકાર માંગ્યો હતો.
ખાનગી બસ મારફતે શ્રમિકોને પોતાના વતન પહોંચાડવાની પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે.પરંતુ શ્રમિકોની સંખ્યા ખૂબ વધુ હોવાથી ટ્રેન જ શ્રેષ્ઠ વિકલ્પ હોય તંત્ર દ્વારા ટ્રેન ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે. ગત તા. ૫અને ૬ના રોજ તંત્ર દ્વારા સવારે ઉત્તરપ્રદેશન બલિયા સુધીની એક-એક ટ્રેન રવાના કરવામાં આવી હતી. ત્યારબાદ તા. ૭ના રોજ સવારે ભાગલપુર અને સાંજે રતલામ સુધીની ટ્રેન દોડાવવામાં આવી હતી. સાથે આજે સવારે ફરી બલિયાની ટ્રેન રવાના કરવામાં આવી છે.
આમ અત્યાર સુધીમાં રાજકોટથી ૫ ટ્રેનો રવાના કરી દેવામાં આવી છે. હજુ પણ શ્રમિકોની સંખ્યા વધુ હોય ૯ ટ્રેનો માટે વહીવટી તંત્રએ દરખાસ્ત કરી છે. અને આ ટ્રેનો મળ્યા બાદ પણ જરૂર પડ્યે વધુ ટ્રેનોની દરખાસ્ત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે હાલ શ્રમિકો પોતાના વતન જવા અધીરા બન્યા છે. ત્યારે તંત્ર તેઓને વતન પહોંચાડવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યું છે. આ માટે ખાસ સેવાભાવી સંસ્થા કાનુડા મિત્ર મંડળ આગળ આવ્યું છે. આ સંસ્થાએ અગાઉ બે ટ્રેનોનો ખર્ચ પણ ઉઠાવ્યો હતો અને દરરોજ શ્રમિકોને ફૂડ પેકેટ, સેનેટાઇઝર, માસ્ક સહિતની કીટનું વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત શ્રમિકોના બાળકોને રમકડાં પણ આપવામાં આવે છે. બે ટ્રેનોનો ખર્ચ આ સંસ્થાએ ઉઠાવ્યા બાદ બાકીના ટ્રેનોનો ખર્ચ ઉઠાવવા માટે પણ કંપનીઓ અને અગ્રણીઓ આગળ આવ્યા છે. જો કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા તેમના શ્રમિકોનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જેથી ગઈકાલે રવાના થયેલી મધ્યપ્રદેશની ટ્રેનનો ખર્ચ મધ્યપ્રદેશ સરકારે જ ઉઠાવ્યો છે.