૩૫થી વધુ મિલકત કપાતગ્રસ્તોને નોટિસ ૧૮મી સુધી પુરાવા રજુ કરવા તાકીદ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ટીપી સ્કીમ નં.૧૬માં એપ્રોચ રોડ અને અનામત પ્લોટનો કબજો મેળવવા માટેની તજવીજ શ કરવામાં આવી છે. કપાતમાં આવતી મિલકતનાં ૩૫ જેટલા અસરગ્રસ્તોને નોટીસ ફટકારવામાં આવી છે. ૧૮મી સુધીમાં માલિકીનાં પુરાવા રજુ કરવા તાકીદ કરાઈ છે અન્યથા એક તરફી કબજો સંભાળી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રૈયા વિસ્તારમાં આવતી ટીપી સ્કીમ નં.૧૬ને રાજય સરકાર દ્વારા તા.૭/૭/૨૦૧૮નાં રોજ મંજુરી આપવામાં આવી હતી. અમલીકરણ માટે મહાપાલિકા દ્વારા કપાતમાં આવતી જમીનનાં અસરગ્રસ્તોને ૧૮/૧/૨૦૧૯નાં રોજ પત્ર લખી જાણ કરવામાં આવી હતી આમ છતાં રૈયા સર્વે નં.૨૫ પૈકીની જમીન માટે કોઈ કારણોસર અમુક આસામીઓ મીટીંગમાં હાજર રહી શકયા ન હતા. ટીપીનાં મુખ્ય રોડનો કબજો લેવાઈ ગયો છે હવે એપ્રોચ રોડ અને રીઝર્વેશન પ્લોટનો કબજો લેવાનો બાકી હોય આ માટેની તજવીજ શ કરવામાં આવી છે. ૩૫ જેટલા કપાતગ્રસ્તોને નોટીસ ફટકારવામાં આવી છે અને ૧૮મી ડિસેમ્બર સુધીમાં એટીપી સમક્ષ જમીન માલિકનાં પુરાવા, અસલ રેવન્યુ રેકોર્ડ, ફોટો ઓળખકાર્ડ સહિતનાં પુરાવાઓ સાથે હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે જો અસરગ્રસ્તો હાજર નહીં રહે તો યોજનાની દરખાસ્ત મુજબ કપાત થતી જમીનનો એક તરફી કબજો સંભાળવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.