રાજકોટવાસીઓ પર વાર્ષિક રૂ.200 થી 250 કરોડ સુધીના કરબોજનું ભારણ ત્રણ વર્ષ માટે અટકાવી દેતાં કોર્પોરેશનના શાસકો
મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને મ્યુનિ.કમિશનર અમિત અરોરાની સત્તાવાર જાહેરાત
રાજ્ય સરકાર દ્વારા હયાત જંત્રીના દરમાં બમણો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જો કે, અમલવારી આગામી 15મી એપ્રિલ સુધી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. જંત્રીના આધારે મિલકત વેરામાં ત્રણ વર્ષ સુધી એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવશે નહિં. તેવી જાહેરાત આજે રાજકોટ મહાનગર પાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા કરવામાં આવી છે. હાલ ત્રણ વર્ષ પુરતું શહેરીજનો પર જંત્રીના કારણે આવનારા વાર્ષિક રૂ.200 થી 250 કરોડ સુધીના કરબોજના ભારણને શાસકો દ્વારા અટકાવી દેવામાં આવ્યો છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિડ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા તાજેતરમાં મંજૂર કરવામાં આવેલા વર્ષ-2023-2024ના બજેટમાં પાણી વેરો, મિલકત વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પર્યાવરણ વેરાના નામે નવો ટેક્સ લાદવામાં આવ્યો હોય શહેરીજનો પર વાર્ષિક રૂપિયા 40 કરોડનો બોજ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના હયાત દરમાં બમણો વધારા કરવામાં આવ્યો છે. આવામાં જંત્રીના નવા દરની અમલવારી બાદ મિલકત વેરામાં તોતીંગ વધારો થવાની સંભાવના રહેલી છે.
શહેરીજનો પર બેવડો કરબોજ ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જંત્રીદરમાં વધારો કરવામાં આવશે તો પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરામાં જંત્રીના આધારે કોઇ જ પ્રકારનો વધારો આગામી ત્રણ વર્ષ સુધી કરવામાં આવશે નહિં. વર્ષ-2017-2018 થી મિલકત વેરાની આકરણી માટે કાર્પેટ એરિયા આધારિત પધ્ધતિની અમલવારી કરવામાં આવી છે. જેમાં અલગ-અલગ ચાર ફેક્ટરમાં રાજકોટના અલગ-અલગ વિસ્તારોને 27 બ્લોકમાં વેંચવામાં આવ્યા છે. જો જંત્રીના દરમાં વધારો કરવામાં આવે તો ફેક્ટર ચેન્જ થવાના કારણે એ-ફેક્ટરમાં આવતી 25 ટકા મિલકતોને બાદ કરતા બાકીની તમામ 75 ટકા મિલકતોના વેરામાં 70 થી લઇ 100 ટકા સુધીનો વધારો થાય તેવી સંભાવના જણાઇ રહી હતી.
શહેરીજનો પર અંદાજે વાર્ષિક રૂ.200 થી 250 કરોડનો મિલકત વેરાનો નવો બોજ વધે તેમ હતો. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી હાલ એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્ય સરકાર દ્વારા જંત્રીદરમાં વધારો કરવામાં આવશે તો પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી ત્રણ વર્ષ સુધી જંત્રીના આધારે મિલકત વેરામાં કોઇ જ પ્રકારનો વધારો કરવામાં આવશે નહિં.
અત્રે ઉલ્લેખનીય છે કે જંત્રીદરમાં વધારો કરવામાં આવે તો ડી-કેટેગરીમાં આવતી મિલકતો સી-કેટેગરીમાં આવી જાય જ્યારે સી-કેટેગરીની મિલકત, બી-કેટેગરીમાં આવી જાય અને બી-કેટેગરીની મિલકત, એ-કેટેગરીમાં આવી જાય આમ એ-કેટેગરીને બાદ કરતા બાકીની ત્રણેય કેટેગરીમાં આવતી મિલકતોના વેરામાં વધારો થવાની સંભાવના હતી. જે હાલ ત્રણ વર્ષ માટે અટકાવી દેવામાં આવી છે.
હાલ રહેણાંક હેતુ માટેની મિલકતોનો કાર્પેટ એરિયા મુજબ પ્રતિ ચો.મી. રૂ.11 મુજબ, જ્યારે કોમર્શિયલ હેતુ માટેની મિલકતોનો દર પ્રતિ ચો.મી. રૂ.22 મુજબ વસૂલ કરવામાં આવે છે. જે નવા નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલથી કોમર્શિયલ હેતુ માટેની મિલકતોનો દર પ્રતિ ચો.મી. રૂ.25 વસૂલ કરવામાં આવશે. શહેરીજનોને જંત્રીના આધારે મિલકત વેરામાં ત્રણ વર્ષ સુધી વધારો નહિં કરવાની જાહેરાત કરી વાર્ષિક રૂ.200 થી રૂ.250 કરોડ અને ત્રણ વર્ષ માટે રૂ.600 થી રૂ.750 કરોડની રાહત હાલ આપવામાં આવી છે.