નાગરિકોની સંપત્તિ લિઝ પર લીધા બાદ પરત નહીં આપતી
પાક આર્મી વિરુદ્ધ સંપત્તિ હડપનો દાખલ કરાયો કેસ
લાહોર હાઈકોર્ટે તેના એક ચુકાદામાં કહ્યું છે કે, પાકિસ્તાની આર્મી સૌથી મોટી જમીન હડપ કરનારી સંસ્થા છે. કોર્ટે વધુમાં કહ્યું છે કે, આર્મીને જે ગણવેશ આપવામાં આવ્યો છે તે પ્રજાની સેવા માટે અને સુરક્ષા માટે છે નહીં કે રાજા તરીકે શાસન કરવા માટે આપવામાં આવ્યું છે.
લાહોર હાઇકોર્ટના ચીફ જસ્ટિસ મોહમ્મદ કાસીમ ખાને બુધવારે જમીન હડપના કેસમાં સુનાવણી કરતાં કહ્યું હતું કે, હું પાકિસ્તાની લશ્કર વિશે કંઈ ખોટું કહેવા માંગતો નથી પરંતુ જે રીતે પાકિસ્તાની લશ્કર લોકોની જમીનો અને મિલકતો દબાવીને બેઠી છે તે બીજું કંઈ નહીં પરંતુ એક પ્રકારે જમીન હડપ કરી જ કહેવાય. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં જમીન હડપ કરનારી સૌથી મોટી સંસ્થા કોઈ હોય તો તે પાકિસ્તાની લશ્કર જ છે. આર્મીને જે ગણવેશ આપવામાં આવ્યો છે તે પ્રજાની સેવા માટે છે નહિ કે પ્રજા ઉપર શાસન કરવા માટે છે તેવું પણ ચીફ જસ્ટિસ ખાને કહ્યું હતું. પાકિસ્તાની નાગરિકો દ્વારા ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટી વિરુદ્ધ કરાયેલી અરજીની સુનાવણી કરતાં આ નિવેદન ચીફ જસ્ટિસ દ્વારા આપવામાં આવ્યું હતું. પાકિસ્તાની આર્મી દ્વારા નાગરિકોની જગ્યાઓ લીઝ પર લીધા બાદ પરત નહીં આપવાની ઘટનાની સુનાવણી લાહોર હાઈકોર્ટે શરૂ કરી હતી. ખાને મામલામાં આદેશ આપતા કહ્યું હતું કે, આ મામલે લાહોર હાઇકોર્ટના રજિસ્ટ્રાર આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાને પત્ર લખી તેમનો અભિપ્રાય માગીને રિપોર્ટ રજૂ કરે.