ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસો.નાં હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસો. અને આઈઆઈઆઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટર આયોજિત ચાર દિવસીય એકસ્પો આંતરરાષ્ટ્રીય કક્ષાથી પણ હશે ચડિયાતો: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એકસ્પોનું ઉદ્ઘાટન
૩ લાખ સ્કે.ફુટની વિશાળ જગ્યામાં ૨૫૦થી વધુ સ્ટોલ,
૫૦ જેટલા બિલ્ડરોનાં ૧૫૦થી વધારે પ્રોજેકટનું ડિસપ્લે: ૧૫૦ ઈન્ટીરીયર સ્ટોલ, ૫૦ જેટલી ઈન્ટરનેશનલ પ્રોડકટસનું ડિસપ્લે
રવિના ટંડન, રીમી શેન, દીપુ શ્રીવાસ્તવ અને સમીતા શેટ્ટી સહિતનાં બોલીવુડ-ટેલીવુડના સ્ટાર એકસ્પોમાં જમાવશે આકર્ષણ: દરરોજ ઈવનીંગ ઈવેન્ટ અને માર્ગદર્શન સેમિનાર પણ યોજાશે
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસો. તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયન ઈન્ટીરીયર ડિઝાઈનર્સ ચેપ્ટર દ્વારા આગામી શુક્રવારથી રેસકોર્સ ખાતે ભવ્ય પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો-કેશનું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાથી પણ ચડીયાતા એવા આ એકસ્પો ૪ દિવસ ચાલવાનો છે. જેનું ઉદઘાટન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવનાર છે. આ અંગે વિસ્તૃત વિગત આપવા ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા તેમજ સુજીતભાઈ ઉદાણી, વાય.બી.રાણા, દિલીપભાઈ લાડાણી, અમિતભાઈ રાજા, રણધીરસિંહ જાડેજા, અમિતભાઈ ત્રાંબડીયા, વિક્રાંતભાઈ શાહ, આનંદભાઈ શાહ, કિરીટભાઈ ડોડીયા, હરેશભાઈ પરસાણા અને ભરતભાઈ હાપાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઈન્ટિરિયર ડિઝાઈનર્સ-સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસપો અને શો-કેશ-૨૦૧૯ આગામી તા.૪,૫,૬,૭ના રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનો સૌથી મોટો પ્રોપર્ટી એકસ્પોનું ઉદઘાટન ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે તા.૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવનાર છે. આ એકસ્પોમાં લોકોએ સપનાનું ઘર વિચારેલ હશે તેવા પ્રોજેકટ પણ હશે તો સાથે સાથે ઘર વપરાશને લગતા તમામ ઈન્ટીરીયર ડીઝાઈનીંગ તથા આર્કિટેકચરલની તમામ જરૂરીયાત એક સ્થળે મળી રહેશે. આ ઉપરાંત પ્રોપર્ટી ડેવલોપર્સ અને નાના-મોટા બિલ્ડર્સ, સેનેટેરીવેર્સ અને બાથ ફીટીંગ્સ, સ્ટોન અને ટાઈલ્સ ઉત્પાદકો, ડોર અને વિન્ડો, હાર્ડવેર અને ફર્નિચર ફીટીંગ્સ, કીચન અને હોમ એપ્લાયન્સીઝ, લાઈટસ અને ઈલેકટ્રીક આઈટમ્સ, પ્રીન્ટ અને કંટ્રકશન્સ કેમીકલ્સ, ડેકોરેટીવ ગ્લાસ અને ગ્લાસ ફીટીંગ્સ, એરકંડીશન્સ, બિલ્ડીંગ મટીરીયલ્સ, પ્રોફેશ્નલ અને ડીઝાઈન એકેડેમીક ઈન્સ્ટીટયુટ પણ જોડાયેલ છે.
આ એકસ્પોમાં ૨૫૦થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. સમગ્ર ઈવેન્ટમાં કોન્ફરન્સ અને સેમીનારનું આયોજન ૨૦૦ લોકોની બેઠક ક્ષમતા સાથે થશે. એકસ્પોમાં કુલ ૩,૦૦,૦૦૦ સ્કે.ફુટ જગ્યામાં પ્રદર્શન વિસ્તાર ૧,૫૦,૦૦૦ સ્કવેર ફીટ છે. ૧૫૦૦થી વધુ લોકોની બેઠકની ક્ષમતા ધરાવતા સેન્ટ્રલ પ્લાઝા હશે. ક્રેડાઈ આર.બી.એ. અને આઈઆઈઆઈડીના રાષ્ટ્રીય સભ્યો પણ આ પ્રસંગે હાજર રહેશે. આ એકસ્પોમાં ૧૦૦ જેટલા બિલ્ડરોનાં અને ૧૫૦ જેટલા ઈન્ટીરીયર ક્ષેત્રનાં સ્ટોલ આપની સમક્ષ ખુલ્લા મુકવામાં આવનાર છે. તો ઈન્ટીરીયર ક્ષેત્રમાં ૧૩૦-૧૪૦ સ્ટોલમાં આપ ૯૦ જેટલી ઈન્ટરીયર પ્રોડકટસ નિહાળી શકશો. જેમાં ૪૫ જેટલી ઈન્ટરીયર બ્રાન્ડ પણ આ એકસ્પોમાં જોવા મળશે.
આ એકસ્પોમાં આવનાર મુલાકાતીનાં મનોરંજન માટે ડેઈલી ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં કોમેડી શો, મ્યુઝીકલ શો ઉપરાંત ટેલીવુડ અને બોલીવુડના સ્ટાર જેવા ફેમસ કોમેડીયન દીપુ શ્રીવાસ્તવ તથા મુબીન સૌદાગર ઉપરાંત બોલીવુડ સ્ટારમાં રવીના ટંડન, સમીતા શેટ્ટી, રીમી શેન આ એકસ્પોમાં વિશેષ પધારશે. આ એકસ્પોમાં રાજકોટનાં નામાંકિત ૫૦થી વધારે બિલ્ડરો દ્વારા ૧૫૦થી વધારે પ્રોજેકટનું ડીસ્પલે રજુ કરવામાં આવનાર છે. જેથી કરીને આપને આપની પસંદગી અને બજેટને અનુરૂપ ચોઈસ કરી શકશો. તો સાથે સાથે મુલાકાતીઓની સરળતા માટે નામાંકિત બેન્કમાં એકઝીકયુટીવ પણ હાજર રહેશે જેથી આપની પસંદગીની પ્રોપટી ઉપર આપને કેટલી લોન અને કેટલું ડાઉન પેમેન્ટ તે અંગેની જાણકારી ત્વરીત મળી રે. આ એકસ્પોમાં સ્પેશ્યલી ડિઝાઈનર ડોમમાં ૩૫ જેટલા પેઈન્ટીંગ ઝોન, સેમીનાર ડોમ જેમાં દરરોજ નામાંકિત બે વકતાઓના સેમીનાર, રીક્રીએશન ડોમમાં આર્ટીસ્ટ દ્વારા ભાતીગળ પેઈન્ટીંગની અદભુત કૃતિઓ રજુ કરશે. તો સાથે સાથે રાજકોટ ઈન્ટીરીયર ક્ષેત્રની કોલેજનાં વિદ્યાર્થીઓ પણ આ એકસ્પો સાથે સક્રિયતાથી જોડાયેલા છે.
માનવી ત્યાં સુવિધા નહીં, સુવિધા ત્યાં માનવીના સુત્રને માનું છું: પરેશ ગજેરા
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માનવી ત્યાં સુવિધા નહીં પરંતુ સુવિધા ત્યાં માનવીના સુત્રને માને છે. બિલ્ડર પોતાના ખર્ચે વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવે તો લોકો આપોઆપ તેની પાસે આવે જ છે. વધુમાં તેઓએ કહ્યું કે, બિલ્ડર્સ એસો. માત્ર બિલ્ડર પુરતુ જ નહીં પરંતુ શહેરને કેમ ફાયદો થાય તેનું પણ ધ્યાન રાખે છે. પરેશ ગજેરાએ મુખ્યમંત્રી વિશે જણાવ્યું કે, વિજયભાઈ રૂપાણી જયારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી એસોસીએશનના તમામ પ્રશ્ર્નો તેઓએ હકારાત્મકતાથી ધ્યાને લીધા છે. ઉપરાંત તેઓએ ૩૬ ટીપી સ્કીમના સજેશન પ્રત્યે પણ હકારાત્મક વલણ દાખવ્યું છે.
પરેશભાઈ ગજેરાએ વધુમાં કહ્યું કે, રાજકોટના આંગણે આ પ્રકારનો એકસ્પો યોજાઈ રહ્યો છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાના એકસ્પો કરતા પણ ચડીયાતો હશે. ગુજરાતમાં હજુ સુધી આવો એકસ્પો યોજાયો નથી. પ્રોપર્ટી લેવા ઈચ્છુક લોકોને સરળતા મળે તે માટે બેંકો સાથે પણ એસો.એ ટાઈઅપ કર્યું છે. જેથી લોકોને સરળતા પડે તેવા ભાવથી બેંક વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરશે.