વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની વિશાળ જનસંખ્યા, તેની વ્યવસ્થા, રાજકીય-સામાજીક અને ખાસ કરીને વહીવટી સંચાલન માટે સુદ્રઢ તંત્રનું સંચાલન કરવાની બે ચૂક આવશ્યકતા રહેલી હોય છે ત્યારે દેશના અર્થતંત્ર, સામાજીક જીવન અને તમામ પ્રકારની આર્થિક પ્રવૃતિઓ માટે પાયાની ધરોહર જેવા મહેસુલી વ્યવસ્થાપનમાં અત્યાર સુધી ‘આગે સે ચલી આતી હૈ’ની નીતિ મુજબ અગાઉના મહેસુલી કાયદાઓ, પદ્ધતિ અને વ્યવસ્થાના આધારે સમગ્ર દેશનો વહીવટ ચાલે છે. ભારતનું મહેસુલી તંત્ર વસ્તી અને તેના પ્રદેશના વ્યાપની જેમ જ વિશાળ ફલક પર પથરાયેલું છે. ભારતમાં મહેસુલી વ્યવસ્થાપનના પાયા મધ્ય યુગના ભારતીય સમ્રાટ અને રાજાઓના વખતથી આલેખાયા છે. સમ્રાટ અશોક, ચૌલવંશના રાજા અને તે પહેલા પણ મહેસુલી આવકનું વ્યવસ્થાપન અને રાજ તરફથી પ્રજાને આપવામાં આવતી સવલતની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અંગ્રેજોના શાસન પહેલા ભારતમાં શેરશાસુરી અને અકબરના નવ રત્નો પૈકીના રાજા ટોડરમલ દ્વારા મહેસુલી વ્યવસ્થાપનનું આલેખન કર્યું હતું. વર્તમાન મહેસુલી વ્યવસ્થામાં પણ પ્રાચીન પદ્ધતિઓની ઘણા અંશે છાંટ જોવા મળે છે. અત્યારે પણ આપણી રેવન્યુ કલેકશન પર સંપૂર્ણપણે બ્રિટીશ રાજની અસર જોવા મળે છે. ત્યારે હવે સમયના તકાજા મુજબ મહેસુલી વ્યવસ્થામાં ધડમુળથી ફેરફાર કરવાની જરૂરીયાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે પાઈલોટ પ્રોજેકટ અંતર્ગત પ્રારંભીક તબક્કામાં મિલકત સંબંધી સંપૂર્ણ વિગત સાથેના પ્રોપર્ટી કાર્ડ સંલગ્ન સ્વામીત્વ યોજનાનું લોન્ચીંગ કરીને મહેસુલી ક્ષેત્રે આમુલ પરિવર્તન અને ક્રાંતિકારી યુગના પગરણનો પ્રારંભ કરાવ્યો છે. ભારતમાં જેવી રીતે કરચોરી, કાળા નાણાની સમસ્યા પ્રવર્તે છે તેવી જ રીતે બેનામી મિલકતોનો પણ મોટો પ્રશ્ર્ન દાયકાઓથી લટકતો આવે છે અને આ પ્રશ્ર્નોનો ઉકેલ કેમ લાવવા તેની પણ અનેકવિધ મથામણ છતાં તેમાં ‘કંઈ ન કરી શકીએ’ના વિશાદ યુક્ત નિરાશાજનક અભિગમ સીવાય કંઈ મળતું નથી. ત્યારે સમગ્ર દેશમાં ડ્રોન સર્વે દ્વારા દેશના તમામ ગામડાઓ અને શહેરી વિસ્તારોનો સર્વે કરીને પ્રત્યેક મિલકતની માલીકી, તેની વિગત, તેની આકારણી અને ટાઈટલ ક્લીયરના તમામ ડેટાઓનો સમાવેશ કરીને યુનિક આઈડી નંબર સાથે પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો પ્રોજેકટ અમલમાં મુકવામાં આવ્યો છે અને આગામી ૪ વર્ષમાં દેશની તમામ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ તૈયાર થઈ જશે.
પ્રોપર્ટી કાર્ડના આવિષ્કારથી દરેક મિલકતની કિંમત ‘સુનિશ્ર્ચીત’ બની જશે. સાથે સાથે માલીકી હક્ક પણ સુનિયોજીત રીતે સ્પષ્ટ બની જશે. પ્રોપર્ટી કાર્ડની આ ઉપલબ્ધીથી મિલકત સંબંધી ટાઈટલ ક્લીયર સંબંધી તમામ વિગતોની ઉપલબ્ધી મિલકતોની ઓનલાઈન નોંધણી અને ખાનગી મિલકતોની રાષ્ટ્ર વ્યાપી સ્થિતિ ચોખ્ખી ચણક થઈ જવાથી સરકાર માટે ઉભી થયેલી મિલકતની કરચોરીની સમસ્યા અને તેને લગતા પ્રશ્ર્નો ઉકેલાઈ જશે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રોપર્ટી કાર્ડ ખરા અર્થમાં સરકાર અને મિલકત ધારકો બન્ને માટે શ્ર્વેતપત્ર જેવું કામ કરશે.
સમગ્ર દેશના ૬,૨૦,૦૦૦ ગામોમાં આગામી ચાર વર્ષમાં ડ્રોનથી સર્વેક્ષણ કરાવી ઘરભેણીના વિવાદો સહિતની મિલકત સંબંધી માલીકીના વિવાદોની સમસ્યાનો ઉકેલ અને બેંકમાંથી લોન લેતી વખતે પડતી મુશ્કેલી આસાન બનશે. પ્રોપર્ટી કાર્ડથી લોકોની માલીકી સ્પષ્ટ થઈ જતાં બેંકની લોન લેવામાં સરળતા રહેશે. પ્રાયોગીક ધોરણે ૬ રાજ્યના ૭૫૦ ગામોને પ્રોપર્ટી કાર્ડ એનાયત કરવામાં આવ્યા છે. યુનિક આઈડી નંબર, આધારકાર્ડ સંલગ્ન વિશ્ર્વના સૌથી મોટા બાયોમેટ્રીક ઓળખ અંતર્ગત ભારતના લાખો લોકોને પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થશે. સરકારની આ મહત્વકાંક્ષી યોજનાથી અત્યાર સુધી લેન્ડ રેકોર્ડના ગોબરા અને લોચાળીયા વહીવટનો અંત આવશે.
પ્રોપર્ટી કાર્ડનો આવિષ્કાર ભારતના મહેસુલી અને સામાજીક ક્ષેત્રે આમુલ પરિવર્તનનો નિમીત બનશે.