રાવલ-કલ્યાણપુર તાલુકામાં અનેક અધિકારી/કર્મચારી વારંવાર યેનકેન પ્રકારે પુન: એક જ સ્થાન પર નિમણૂક મેળવી લે, અને વ્યાપક ભ્રષ્ટાચાર આચરે, ઉપરી અધિકારીઓ માત્ર જોતા રહે, અને પ્રજા પિસાતી રહે, તેવો કાર્યપદ્ધતિનો પ્રજામાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ પ્રકારના અધિકારીઓ ફરી ફરીને તેમની મનપસંદ જગ્યા પર નિમણૂક મેળવી લે છે, અને પછી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદો ઊઠે છે. આ પ્રકારના અનેક ઉદાહરણો મોજુદ છે.
રાવલ નગરપાલિકામાં ફરજ બજાવતા એક ચીફ ઓફિસર વિરૃદ્ધ રાવલના પ્રજાજનો અને આગેવાનો મારફત અનેક વખત ફરિયાદો કરવામાં આવેલ, તેમની વારંવાર બદલી પણ કરવામાં આવી, પરંતુ તે યેનકેન પ્રકારે ફરી એ જ સ્થાન પર નિમણૂક મેળવી લે, આ બાબત ખુદ રાવલ ભાજપના તમામ કાર્યકરોએ આ પ્રશ્ને બેઠકોનો બહિષ્કાર કરેલ. એક પણ કાર્યકર બેઠકોમાં ગયેલ નહીં, છતાં ફરી એ જ અધિકારી બે ફિકર એ જ સ્થાન પર ફરજમાં હાજર થઈ ગયા. તેનું કારણ ભ્રષ્ટાચાર જ કેબીજુ કાંઈ? તેવો સવાલ લોકો ઊઠાવી રહ્યા છે.
એ જ રીતે કલ્યાણપુરમાં એક મામલતદારની નિમણૂક પણ અનેક પ્રશ્નો ઊભા કરે છે. આ વ્યક્તિએ ક્લાર્ક તરીકે કલ્યાણપુરમાં ફરજ બજાવેલ, નાયબ મામલતદાર તરીકે કલ્યાણપુરમાં ફરજ બજાવેલ. પછી મામતલાદર તરીકે કલ્યાણપુર મૂકાયા અને ચૂંટણી સમયે બદલી થયેલ, ત્યારે તેમણે જાહેર કરેલ કે હું ફરી કલ્યાણપુર આવી જઈશ અને એમની નિમણૂક કલ્યાણપુર મામલતદાર તરીકે થઈ પણ ગઈ.
કલ્યાણપુર તાલુકા પંચાયતમાં પણ એક કર્મચારી વર્ષોથી એ જ કચેરીમાં ફરજ બજાવે છે. થોડો સમય બદલી થાય, પછી યેનકેન પ્રકારે યથાસ્થાને નિમણૂક મેળવી લે છે. આ પ્રકારના જુદા જુદા સરકારી વિભાગોમાં અનેક કિસ્સાઓ છે. આશ્ચર્યની વાત એ છે કે આ તમામ અધિકારી-કર્મચારીનું વતન પણ કલ્યાણપુરથી ખૂબ દૂર છે, છતાં આ લોકોને કલ્યાણપુર તાલુકા પર એવો શું પ્રેમ છે કે તે આકાશ-પાતાળ એક કરી, ફરી પોતાની મનમાનતી જગ્યા પર આવી જાય છે.
આ પ્રકારના લોકોએ લીધેલ નિર્ણયો અને તેમણે કરેલા કાર્યો વિજિલન્સ વિભાગના કોઈ ઈમાનદાર અધિકારી મારફત તપાસવામાં આવે, તો અનેક ચોંકાવનારી હકીકતો બહાર પણ આવી શકે. તેમજ આ તમામ અધિકારીઓને તેમની મનપસંદ જગ્યા પર પુન: નિમણૂક આપનાર કોણ? તેની પણ તટસ્થ તપાસ થવી જોઈએ.
આ પ્રકારે વારંવાર મનપસંદ જગ્યા પર પુન: નિમણૂક પામનાર અધિકારી ઉપર કોઈને કોઈ રીતે ’વહીવટ’ કરીનેને જ આવતા હોવાનું મનાય છે, અને આ પ્રકારણે સતત એક જ જગ્યા પર રહેતા અધિકારી માત્ર ભ્રષ્ટાચાર જ આચરે છે, તેની ફરિયાદ પણ કોઈ સાંભળતું નથી. કારણ કે તેમની પહોંચ ઊંચે સુધી હોય છે. આખરે આ ભ્રષ્ટાચારનો શિકાર નિર્દોષ પ્રજા જ બને છે.