રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-2ના 57 અધિકારીઓને વર્ગ-1માં પ્રમોશન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ગ-1માં ફરજ બજાવતા 9 અધિકારીઓની નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી કરવામાં આવી છે. આ અધિકારીઓને બઢતી સાથે નવી જગ્યાએ બદલી કરવામાં આવી છે.
મોરબીના નિલેશ રાણીપાને પ્રમોશન સાથે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ જયારે દિક્ષીત પટેલને રાજકોટ ડીપીઈઓ તરીકે ચાર્જ સોંપાયો
જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ખાલી જગ્યાઓ પર બઢતી થયેલા અધિકારીઓની નિમણુંક કરવામાં આવતા મોટાભાગની જગ્યા ભરાઈ ગઈ છે. રાજ્યમાં ડીઈઓ અને ડીપીઈઓ 67 જગ્યા પેકી અડધો અડધ જગ્યા ખાલી પડી છે. જેથી આ જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવી રહી હતી. આ તમામ જગ્યા પર વર્ગ-2ના અધિકારીઓને પ્રમોશન આપી જગ્યા ભરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ કાર્યવાહી બાદ હવે શિક્ષણ વિભાગ દ્વારા 57 જેટલા અધિકારીઓને પ્રમોશન આપી વર્ગ-1માં સમાવ્યા છે.
આ અધિકારીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બદલી કરવામાં આવતા હવે આ જિલ્લાઓમાં પણ ખાલી પડેલી જગ્યાઓ ભરાઈ ગઈ છે. આ પ્રમોશનમાં અમદાવાદના પણ 6 અધિકારીઓને બઢતી મળી છે. અમદાવાદના જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે તેમાં કલ્પેશ રાવલને ખેડા ડીઈઓ તરીકે પ્રમોશન મળ્યું છે. જ્યારે જગદીશ પટેલને શિક્ષણ બોર્ડમાં નાયબ નિયામક (પરીક્ષા) તરીકે, હિતેન્દ્રસિંહ પઢેરીયાને ભાવનગર ડીઈઓ તરીકે, દિક્ષીત પટેલને રાજકોટ ડીપીઈઓ તરીકે, જ્વલ્લરી ઝાને શિક્ષણ બોર્ડમાં સંયુકત સચિવ તરીકે તથા સુરેન્દ્ર દામાને દાહોદ ડીઈઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
જ્યારે મહેસાણાના ડીપીઈઓ જી.સી. વ્યાસને અમદાવાદના ડીપીઈઓ બનાવવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરની સરકારી શાળાના આચાર્ય કૃપા જ્હાને અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા 9 જેટલા અધિકારીઓની નાયબ શિક્ષણ નિયામક તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે સુરતના ડીપીઈઓ ડી.આર.દરજીને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ખાતે, વલસાડના ડીપીઈઓ બી.ડી. બારીયાની પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ખાતે, ભરૂચના ડીઈઓ કે.એફ. વસાવાની કમિશનર શાળાઓની કચેરી ખાતે, અરવલ્લી ડીઈઓ એ.એમ. ચૌધરીની સમગ્ર શિક્ષા અભિયાન કચેરી ખાતે, દેવભૂમિ દ્વારકાના ડીઈઓ એસ.જે. ડુમરાળીયાની જીસીઆરટીઇ ખાતે તથા પોરબંદરના ડીપીઈઓ કે.ડી. કણસાગરાની ઉચ્ચ શિક્ષણ કમિશનર ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ એમ.જી. વ્યાસની કમિશનર શાળાઓની કચેરી ખાતે બઢતી સાથે બદલી કરાઈ છે.