પાંચ દિવસમાં ૫૭૦૨૭ લોકોએ પાર્કની મુલાકાત લીધી: મહાપાલિકાને રૂ૧૩.૮૮ લાખની આવક: બીઆરટીએસ અને સિટી બસમાં પણ ચિક્કાર ટ્રાફિક
સાતમ-આઠમના તહેવારોમાં પ્રદ્યુમન પાર્કમાં સહેલાણીઓ ઉમટી પડયા હતા. પાંચ દિવસમાં ૫૭૦૨૭ લોકોએ પાર્કની મુલાકાત લેતા મહાપાલિકાને ‚રૂ.૧૩.૮૮ લાખની આવક થવા પામી હતી. પાર્કિંગ કોન્ટ્રાકટર દ્વારા નિયત કરાયેલી રકમથી વધુ રકમ વસુલવામાં આવતી હોવાનું ધ્યાને આવતા આજે પાર્કિંગ કોન્ટ્રાટરને ‚રૂ.૧૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બીઆરટીએસ અને સિટી બસમાં પણ ચિક્કાર ટ્રાફિક જોવા મળ્યો હતો.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ પ્રદ્યુમન પાર્કમાં ૧૩ થી ૧૭ ઓગષ્ટ દરમિયાન ૫૭૦૨૭ લોકોએ મુલાકાત લીધી હતી. ૧૫મી ઓગષ્ટના રોજ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ૨૨૭૩૪ લોકોએ પાર્કની મુલાકાત લેતા મહાપાલિકાને ‚રૂ.૪.૫૨ લાખની આવક એક જ દિવસમાં થઈ હતી. પાંચ દિવસમાં કુલ ૧૩.૮૮ લાખની આવક થવા પામી છે. સામાન્ય રીતે શુક્રવારના રોજ પાર્ક બંધ રાખવામાં આવે છે પરંતુ આજે સવારથી સતત ટ્રાફિક ચાલુ હોવાના કારણે પાર્ક ચાલુ રાખવામાં આવ્યો છે.પ્રદ્યુમન પાર્કમાં પાર્કિંગ કોન્ટ્રાકટર દ્વારા ટુ-વ્હીલરનો ચાર્જ ‚રૂ.૫ના બદલે ‚રૂ.૧૦ અને ફોર વ્હીલરના ચાર્જ ‚રૂ.૧૦ના બદલે ‚રૂ.૨૦ વસુલવામાં આવતો હોવાની ફરિયાદ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સુધી પહોંચતા આજે સવારે એસ્ટેટ ઈન્સ્પેકટર બી.બી.જાડેજા દ્વારા રાજેશ પાટડીયા નામના પાર્કિંગ કોન્ટ્રાકટર પાસેથી ‚રૂ.૧૫ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.સાતમ-આઠમના તહેવારોમાં બીઆરટીએસ અને સિટી બસ પણ ચિક્કાર દોડી હતી. બીઆરટીએસમાં પાંચ દિવસમાં ૮૦૬૦૦ લોકોએ મુસાફરી કરતા ‚રૂ.૫૯૩૫૩૨ની આવક થવા પામી છે. જયારે સિટી બસમાં પાંચ દિવસમાં ૭૪૮૬૬ લોકોએ મુસાફરી કરી હતી.જેના થકી મહાપાલિકાને આવક થવા પામી છે. સિટી બસ રતનપર મંદિર સુધી જ દોડાવવામાં આવતી હોય. આજે ગ્રામજનો દ્વારા એવા મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, ગામની અંદર જયાં બસ સ્ટોપ આવેલ છે ત્યાં સુધી સિટી બસ લંબાવવામાં આવે. આ અંગે નિર્ણય આગામી દિવસોમાં મળનારી કમીટીની બેઠકમાં લેવાશે.