જો પુરુષ-સ્ત્રીની સહમતીથી શારીરિક સંબંધ બંધાયો હોય તો દુષ્કર્મ ગણી શકાય નહીં
લગ્નનું વચન આપ્યા બાદ જાે મહિલાની સહમતિથી સંબંધ બન્યા હોય તો તેવામાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન કહી શકાય. અગાઉ આ પ્રકારના ચુકાદા તાજેતરમાં આવી ચુક્યા છે ત્યારે પુખ્તવયના બે લોકો તેમની સહમતીથી શારીરિક સંબંધ બાંધે અને ત્યારબાદ લગ્નના વાયદા પર કોઈ એક વ્યક્તિ ખરી ઉતરે નહીં ત્યારે બીજી વ્યક્તિ દ્વારા દુષ્કર્મનો આક્ષેપ કરવો તે યોગ્ય નથી તેવું તારણ અગાઉ ન્યાયતંત્ર દ્વારા પણ આપવામાં આવ્યું છે.
તાજેતરમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન આપતી વખતે આ મહત્વની ટિપ્પણી કરી હતી. જાેકે ટ્રાયલ કોર્ટને આ ટિપ્પણીઓ પર ધ્યાન આપ્યા વગર ટ્રાયલ પૂરી કરવાની સલાહ આપવામાં આવી છે. આરોપીએ અરજીમાં જણાવ્યું હતું કે, મહિલાએ ૧૭ માર્ચના રોજ કુરૂક્ષેત્ર ખાતે તેના વિરૂદ્ધ દુષ્કર્મ અને એસસી/એસટી એક્ટનો કેસ દાખલ કરાવ્યો હતો. હાઈકોર્ટે અરજીકર્તા અને સરકારની દલીલો સાંભળ્યા બાદ જણાવ્યું કે, એફઆઈઆર જાેઈને સ્પષ્ટ થાય છે કે, મહિલા સાથે બળજબરીથી સંબંધ નહોતા બાંધવામાં આવ્યા. આરોપ પ્રમાણે મહિલાને તેના પતિ સાથે સારા સંબંધો નહોતા.
આ બધા વચ્ચે અરજદારે તેના સાથે લગ્ન કરવાનું વચન આપીને તેના સાથે સંબંધ બાંધ્યા હતા. હાઈકોર્ટે જણાવ્યું કે, આ કેસમાં લગ્નનું વચન અપાયું અને કોઈ કારણસર લગ્ન ન થઈ શક્યા. આ કારણે આ કેસ સહમતિથી સંબંધ બંધાયાનો છે. સાથે જ મહિલા હાલ વિવાહિત છે અને તેના પતિ સાથે છૂટાછેડા નથી થયા તો આમ પણ તે હાલ આરોપી સાથે લગ્ન ન કરી શકે.
આ સંજાેગોમાં જાે આરોપો સંપૂર્ણપણે સાબિત થઈ પણ જાય તો તેમાં પુરૂષને સંપૂર્ણપણે દોષી ન માની શકાય. હાઈકોર્ટે જણાવ્યું કે, એસસી/એસટી એક્ટ લગાવતી વખતે એવો કોઈ ઉલ્લેખ નહોતો કરવામાં આવ્યો જેનાથી આ સાબિત થાય કે, ફરિયાદકર્તાનું જાતિના કારણે અપમાન થયું હોય કે તેને પીડિત બનાવવામાં આવી હોય.
ઉપરાંત અગાઉ લગ્નનું વચન આપી લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ કહી ના શકાય તેવું દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે, જાે મહિલા લાંબો સમય કોઈ વ્યક્તિ સાથે રિલેશનમાં રહી હોય, અને બંને વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોય તો તેને રેપ કહી શકાય નહીં. કોર્ટે આ તારણ એક મહિલા દ્વારા કરાયેલી અરજી પર સુનાવણી કરતા આપ્યું હતું, જેમાં મહિલાએ એક પુરુષ વિરુદ્ધ લગ્નનું વચન આપી પોતાના પર દુષ્કર્મ કર્યો હોવાનો આરોપ મૂક્યો હતો.
કોર્ટે મહિલાની પિટિશન ફગાવી દેતા જણાવ્યું હતું કે તે મહિનાઓ સુધી આરોપી સાથે પ્રેમસંબંધમાં રહી છે. તેવામાં પ્રેમીએ તેને લગ્નની લાલચ આપીને તેના પર વારંવાર દુષ્કર્મ કર્યો છે તેવો આરોપ તે મૂકી શકે નહીં. જસ્ટિસ વિભુ બાખરુએ આ ચુકાદો આપતા એવી નોંધ પણ કરી હતી કે આ આરોપ ત્યારે જ ટકી શકે કે જ્યારે મહિલા ક્ષણવાર માટે આરોપીની વાતમાં આવી જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધી બેસે.
કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના કેસમાં લગ્નનું વચન શારીરિક સંબંધ બાંધવા માટે અપાયું હોઈ શકે છે, પરંતુ તેનો મતલબ એમ નથી કે વચન આપનાર ખરેખર તેમ કરવા ઈચ્છતો જ હશે. જાે સામેવાળી વ્યક્તિ તેના માટે કદાચ ના પાડવા ઈચ્છતી હોય તો પણ ક્ષણભરના આવેશમાં આવી જઈ તે આ વચનને સાચું માની લઈ શારીરિક સંબંધ માટે તૈયાર થઈ જાય તો તેને દુષ્કર્મ કહી શકાય.
જાેકે, સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્નના વચનને લઈને અનેકવાર શારીરિક સંબંધ બંધાય, અને ચોક્કસ ગાળા દરમિયાન તે ચાલુ રહે તો તેની મરજી વિરુદ્ધ આ સંબંધ બંધાઈ રહ્યા છે તેવું માની શકાય નહીં. હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ છોડી મૂકવા માટે અપાયેલા આદેશને બરકરાર રાખ્યો હતો.