લાઈફ બ્લડ સેન્ટરના ૩૯માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં ખાસ હાજરી આપશે: બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનિંગ ટેસ્ટ પણ યોજાશે
લાઈફ બ્લડ સેન્ટર કે જે અગાઉ રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક એન્ડરીસર્ચ સેન્ટરના નામે ઓળખાતી હતી તે આગામી ૬ ડિસેમ્બરના રોજ ૩૯માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે તે નિમિત્તે યોજાયેલી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે અહિંસા વિશ્વ ભારતીના સંસ્થાપક, તત્ત્વ ચિંતક, લેખક અને પ્રખર વકતા શાંતિદૂત આચાર્ય ડો.લોકેશમુનિ રાજકોટ આવી રહ્યાં છે. આ કાર્યક્રમમાં તેમની સાથે શ્રુતપ્રજ્ઞ સ્વામી, બેંગ્લોરી ડો.જી.જી.ગંગાધરન, ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય વિભાગના સચિવ મનોજ અગ્રવાલ પણ ઉપસ્થિત રહેવાના છે. આ સિવાય શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને રક્તદાતાઓ પણ ઉપસ્થિત રહેશે.
૬ઠ્ઠી ડિસેમ્બરે લાઈફ બ્લડ સેન્ટર તેની સ્થાપનાનાં ૩૯માં વર્ષમાં પ્રવેશ રહી છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો.લોકેશ મુનિ છેલ્લા ૩૩ વર્ષથી રાષ્ટ્ર નિર્માણમાં ઉલ્લેખનીય યોગદાન આપી રહ્યાં છે અને તેઓ અહિંસા અને શાંતિ વિષય ઉપર વૈશ્વિક મંચ ઉપર અનેક પ્રવચન આપી ચૂકયા છે.
શાંતિદૂત આચાર્ય ડો.લોકેશમુનિજીએ વીસ હજાર કિલોમીટરની પદયાત્રા કરી છે અને દેશના અલગ-અલગ રાજ્યોમાં નૈતિક મૂલ્યો દ્વારા સામાજિક પરિવર્તન કરી ચૂકયા છે. તેઓ ગર્ભપાત, ભૃણ હત્યા, નશાખોરીના વિરોધી છે અને તેઓ માને છે સમાજના વિકાસ માટે આ બાધક તત્ત્વો છે. પર્યાવરણ પ્રદૂષણ જેવા ગંભીર સમસ્યાઓને લઈ તેઓચિંતા વ્યકત કરે છે. ૧૭ એપ્રિલ ૧૯૬૧ના રોજ પચપદરા શહેરમાં તેમનો જન્મ થયો છે. તેઓ જૈનીઝમ, બુધિસ્ટ, વૈદિક અને અન્ય ભારતીય દર્શનોના કુશલ જ્ઞાતા છે. તેઓ પ્રાકૃત, સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને કન્નડ જેવા અનેકો ભાષા ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેઓ અનેકો પુસ્તકો લખી છે.
ભારત સરકાર દ્વારા વિજ્ઞાન ભવનમાં આયોજિત કાર્યક્રમમાં આચાર્ય ડો.લોકેશમુનિજીને ‘નેશનલ કમ્યુનલ હાર્મની એવોર્ડ-૨૦૧૦’ આપવામાં આવ્યું છે. લંડન પાર્લામેન્ટ દ્વારા તેઓને ‘એમ્બેસેડર ઓફ પીસ’ સન્માનીત કરવામાં આવ્યું છે. રાજકોટમાં પ્રોજેકટ ‘લાઈફ’ અને લાઈફ બ્લડ સેન્ટરની તેમની મુલાકાતને લઈને તેમના ચાહકોમાં અને ખાસ કરીને જૈન સમાજમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.