શ્રીમદ્ રાજચંદ્રજીની વિરાટ પ્રતિમાના મહામસ્તકાભિષેકમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ: ‘યુગ પુરૂષ: મહાત્માના મહાત્મા’, નૃત્ય નાટિકા માટે પૂ.ગુરૂદેવને ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ-લંડન’નું સર્ટીફીકેટ એનાયત: મહોત્સવ દરમિયાન અનેરા સાંસ્કૃતિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો
શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરની મંગળ સ્થાપનાના ૨૫ ગૌરવવંતા વર્ષોની ભવ્ય અને દિવ્ય ઉજવણી રજત મહોત્સવની શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં અત્યંત ધર્મોલ્લાસથી કરવામાં આવી
હતી ! તે નિમિતે બાળકોમાં મુલ્યસિંચન અને સ્વવિકાસ માટેનો કેમ્પ ‘સ્પિરિચ્યુઅલટચ રિટ્રીટ’ અને ત્યારબાદ યુવાઓ માટે એક દિવસ સ્પોર્ટસ અને બીજા દિવસે સમાજ સેવા એવા અનોખા સંગમસમ દ્વિદિવસીય ‘એસ.આર.એમ.ડી.યુથ ફેસ્ટીવલ’ યોજવામાં આવ્યો હતો જેમાં વિશ્ર્વભરના ૧૫ દેશોના ૨૦૦ શહેરોમાંથી ૧૫૦૦ યુવાઓએ જોશભેર ભાગ લીધો હતો. ફુટબોલ, હ્યુમન ફુટબોલ વગેરે રમતો, મેડિટેશન, યોગા અને સર્જનાત્મક રમતોથી યુવાઓએ ખૂબ આનંદ માણ્યો. બીજા દિવસે તેમણે હોસ્પિટલમાં દર્દીઓની સેવા, સ્થાનિક શાળાઓનું સુશોભીકરણ, આંગણવાડીમાં બાળકો સાથે મોજ મજા, મહિલા ગૃહ ઉધોગમાં નાસ્તા બનાવવા, સ્થાનિક વયસ્કો માટે આનંદમેળા, જીવમૈત્રીધામમાં પ્રાણીઓની સંભાળ, રકતદાન શિબિર જેવા ૭૦૦૦ કલાકોના અનેક સેવાકાર્યો દ્વારા ૧૦,૦૦૦ જીવોને પ્રેમનો સ્પર્શ આપ્યો હતો !
રજત મહોત્સવની મંગળ શરૂઆતમાં શ્રીમદ રાજચંદ્રજીની વિશ્ર્વની સૌથી વિરાટ પ્રતિમાજીને મહામસ્તકાભિષેક કરાયો હતો. આ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ ઉજવણીઓમાં સહભાગી થયા હતા. તેમણે પોતાની શુભેચ્છાઓ વ્યકત કરતા પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે, શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરે આદિવાસી ક્ષેત્રમાં ધર્મ સાથે સામાજિક ઉતરદાયિત્વની ભાવનાથી સૌના કલ્યાણ માટે કેન્દ્રબિંદુ પ્રસ્થાપિત કર્યું છે. પૂજય ગુરુદેવ, તેમના અભિગમ અને માર્ગદર્શનથી નવી પેઢીને ધર્મ તરફ વાળી રહ્યા છે તે બહુ મોટી વાત છે. આ આનંદોત્સવમાં ઉમેરો થયો જયારે પૂજય ગુરુદેવને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ-લંડનનું સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું ! શ્રીમદ્ રાજચંદ્રજી અને મહાત્મા ગાંધીજીના આઘ્યાત્મિક સંબંધો પર આધારિત નાટક યુગપુરુષ-મહાત્માના મહાત્માને ૭ ભાષાઓમાં, ૮ ટીમ દ્વારા, વિશ્ર્વભરમાં ૩૧૨ સ્થળોએ ૧૦૬૦થી વધુ નાટયપ્રયોગો અને વિશ્ર્વભરમાં ટીવી પર પ્રસારણ દ્વારા વિશ્ર્વમાં સૌથી વધુ જોવાયેલા નાટકના નિર્માતા તરીકે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરનો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ-લંડનનાં રેકોર્ડસમાં સમાવેશ થયો છે !
દરરોજ પૂજય ગુરુદેવના પ્રેરણાદાયી આત્મકલ્યાણકારી પ્રવચનો તથા પૂજય બ્રહ્મવિહારી સ્વામી તથા પૂજય સ્વામી તદ્રુપાનંદ સરસ્વતીજીએ તેમના રસાળ પ્રવચનો સાથે વાતાવરણની સાત્વિકતામાં ઉમેરો કર્યો હતો. સંગીતમય ભકિતની મોસમ છલકે, ભારતની પ્રથમ વ્હીલ ચેર નૃત્યનાટિકા મિરેકલ ઓન વ્હીલ્સ જેવા અનેરા સાંસ્કૃતિક કાર્યક્રમોએ દરરોજ રાત્રે લોકોને આનંદથી ભરી દીધા હતા. સુપ્રસિઘ્ધ ગાયક કૈલાશ ખેરની જોશીલી, થનગનતી ભકિત સંગાથે ૨૦૧૯ની આખરી રાત્રીને વિદાય આપી પૂજય ગુરુદેવના મંગળ આશિષ સાથે નૂતન ૨૦૨૦માં પદાર્પણ થયું હતું ! આમ આ મહોત્સવમાં ઉપસ્થિત લોકોને શ્રીમદ્ રાજચંદ્ર મિશનનો એક આહલાદક સ્પર્શ, અનુપમ આનંદ તો મળ્યો જ, પણ જીવનને એક નૂતન રંગ અને લક્ષ્ય આપવાનો અવસર પણ પ્રાપ્ત થયો ! વધુ માહિતી માટે અલ્પા ગાંધી મો.નં.+૯૧ ૮૩૬૯૪ ૬૭૨૨૩નો સંપર્ક કરવો.
સર્વમંગલના સમાજ કલ્યાણકારી ૨૫ વર્ષ
પૂજય ગુરુદેવ સફળ જીવરાશિ પ્રત્યેના પ્રેમનાં બીજ રોપી, તેને પોષણ આપી રહ્યા છે. વિશ્ર્વભરમાં શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર દ્વારા આરોગ્ય, શિક્ષણ, પ્રાણી, પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રે ૭૫થી વધુ સેવા પ્રોજેકટસ કાર્યરત છે. તેના મહત્તમ પ્રયત્નો દક્ષિણ ગુજરાતના ધરમપુર-કપરાડાના જરૂરિયાતમંદ પ્રજાના ઉત્કર્ષ માટે ચાલી રહ્યા છે. તેમાના ખાસ છે, લાખો લોકોને નિ:શુલ્ક ગુણવતાભરી અદ્યતન સારવાર આપતી ૭૫ બેડની શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ (૨૫૦ બેડની અદ્યતન હોસ્પિટલ નિર્માણાધીન), પ્રાથમિક શાળા શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાવિહાર, પ્રાથમિક-માધ્યમિક શાળા શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુળ અને વિજ્ઞાન પ્રવાહની કોલેજ શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ, અબોલ પશુઓનું આશ્રય જીવમૈત્રીધામ, પશુપંખીઓની સારવાર માટે શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ મેડિકલ કેમ્પ અને શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ નર્સિંગ હોમ અને વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણની રક્ષા વગેરે. વિશ્ર્વભરમાં હજારો સેવકો આ સેવાકાર્યોમાં જોડાઈ પોતાના અને અન્યોના જીવનમાં ખુશીનો આર્વિભાવ કરાવી રહ્યા છે ! આમ સર્વમંગલના આ મંગળકારી ૨૫ વર્ષોમાં લાખો જીવો સહાય, શાતા અને સેવા પામ્યા છે !