કોરોનાની બીજી લહેર ખુબ ઘાતકી સાબિત થઈ છે. આ લહેરને રોકવા માટે રાજ્ય સરકારોએ લોકડાઉન,કર્ફ્યુ, જેવા પગલાં લીધા છે. આ પગલાં પછી કોરોના સંક્રમિત કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર સરકારે લોકડાઉન વધારવા અંગે ફરી એક મોટો ફેંસલો કર્યો છે.
મહારાષ્ટ્રમાં કોરોનાને રોકવા લોકડાઉન વધારવા માટે બુધવારે થયેલી કેબિનેટ મિટિંગમાં સ્વાસ્થ્ય મંત્રાલય અને મંત્રીઓએ લોકડાઉનને આવનારા 15 દિવસ (31 મે) સુધી વધારવાનો પ્રસ્તાવ મુક્યો હતો. કેબિનેટની બેઠક બાદ સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યુ કે, ‘રાજ્યમાં હાલ જે પ્રકારની સ્થિતિ છે તેને જોયા બાદ 15 દિવસ સુધી લોકડાઉન વધારવામાં આવશે, તે અંગેનો નિર્ણય છેલ્લે ઉદ્ધવ ઠાકરે લેશે.’
લૉકડાઉન લંબાવા માટે જે પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો, તેને આજે મહારાષ્ટ્ર સરકારે મંજુર કરી દીધો છે. સરકાર તરફથી આજે આ મુદ્દે આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે, આટલું જ નહીં જૂના કેટલાક નિયમોમાં નવા પ્રતિબંધો પણ ઉમેરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં પ્રવેશ થવા માટે હવેથી RTPCR નેગેટિવ રિપોર્ટ હોવી અનિવાર્ય રહેશે. પ્રવેશ પહેલાના 48 કલાકનો રિપોર્ટ જ માન્ય ગણવામાં આવશે. હાલમાં મહારાષ્ટ્રમાં જે કડક પ્રતિબંધો છે તે બધા હવે પહેલી જૂન સુધી લાગુ રહેશે.