પાણી ચોરી કરનારા વિરુદ્ધ આકરા પગલાં જળશયો અને નર્મદા ની નહેરોનું પાણી ફક્ત પીવાના ઉપયોગ માટે લઈ શકશો:જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામું
ચાલુ વર્ષે રાજ્યમાં પીવાના પાણીની અભૂતપૂર્વ કટોકટી સર્જવાના એંધાણ વચ્ચે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખાનગી બોર કૂવાના પાણી મંજૂરી વગર વેચવા પર મનાઈ ફરમાવી તમામ જળાશયોના પાણી પીવા માટે અનામત રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
મધ્યપ્રદેશમાં થયેલ ઓછા વરસાદને કારણે હાલ નર્મદા ડેમમાં પાણીની ઓછી આવક થયેલ છે. ફક્ત નર્મદા કેનાલ દ્વારા પીવાના પાણી માટે જરૂરિયાત મુજબનો જથ્થો પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ ન થઈ શકે તેવી શક્યતા છે. આથી મોરબી જિલ્લામાં આવેલ જળાશયોમાં પાણીનો જથ્થો સમગ્ર વર્ષની જરૂરિયાતના પ્રમાણમાં ઓછો છે અને દિન-પ્રતિદિન ઓછો થતો જાય છે. તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ની સૌરાષ્ટ્ર અને કચ્છને પીવાનું પાણી પૂરુ પાડતી અને મોરબી જિલ્લા માથી પસાર થતી નર્મદા કેનાલોની ધ્રાગંધ્રા શાખા, માળીયા(મી.) શાખા, મોરબી શાખાની નહેરોમાથી પાણી પીવાના ઉપયોગ સિવાયના અન્ય હેતુના વપરાશ પર પ્રતિબંધ મૂકવા તેમજ પાણીચોરી થતી અટકાવવી જરૂરી છે.
મોરબી જિલ્લાના જળાશયોમાં રહેલ પાણીનો જથ્થો પીવાના પાણી માટે અનામત રાખવાનું ઈચ્છનીય જણાય છે. જિલ્લાના વિવિધ વિસ્તારમાથી પસાર થતી પાઈપલાઈનોમાં ચેડા કરવામાં ન આવે અને પાણીચોરી અટકાવવું ઉચિત જણાયેલ છે. આથી મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડીને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧) (એમ) હેઠળ મળેલ સત્તાની રૂએ વિવિધ જળાશયો અને સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ની મોરબી જિલ્લામાથી પસાર થતી ધ્રાંગધ્રાં શાખા, માળીયા(મી.) શાખા અને મોરબી શાખાની નહેર અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ-મોરબીની પીવાના પાણી માટેની પાઈપલાઈનોના વિસ્તારમાં તા.૩૧/૦૭/૨૦૧૮ સુધીના સમયગાળા દરમિયાન નીચે મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાયેલ છે.
જાહેરનામા અન્વયે મચ્છુ-૧ ડેમ, મચ્છુ-૨ ડેમ, મચ્છુ-૩ ડેમ, બ્રાહ્મણી ડેમના જળાશયોમાથી તેમજ તેની પસાર થતી કેનાલો માથી કોઈ વ્યક્તિઓએ બીન અધિકૃત રીતે પંપ દ્વારા, ટેંકર દ્વારા, અગર બીજા કોઈ સાધનો દ્વારા, પાણી ભરવું નહી, ભરાવવું નહી, લઈ જવું નહી કે પાઈપલાઈનો તોડવી નહી, વધુમાં આ જળાશયોની હદથી ૫૦૦મીટર ની ત્રીજયામાં નવા બોર કરવા નહી કે કરાવવા નહી તેમજ બીન અધિકૃતરીતે નવા ડીપવેલ, સબમર્શીબલ પંપ મૂકવા નહી કે કોઈપણ રીતે જમીનમાથી પાણી ખેંચવું નહી અને જળાશયોમાથી પસાર થતી પાણી માટેની પાઈપલાઈનો તથા કેનાલો સાથે ચેડા કરવા નહી કે પાઈપલાઈનો તોડવી નહી. આ જળાશયો વિસ્તારનાં ચાલુ બોર, કુવા ડીપવેલ સબમર્શીબલ પંપનું પાણી કોઈપણ વ્યક્તિ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, મોરબીની પરવાનગી લીધા સિવાય વેચાણ કરી શકશે નહી કે કરાવી શકશે નહી. સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ની મોરબી જિલ્લામાથી પસાર થતી ધ્રાંગધ્રાં શાખા, માળીયા(મી.) શાખા અને મોરબી શાખાની નહેરોમાથી પીવાના પાણી સિવાય ખેતી કે અન્ય ઉપયોગ કરવો નહિ તેમજ આ હેતુ માટે કોઈપણ રીતે પાણીચોરી કરવી નહી.
પીવાના પાણી માટેની દરેક પ્રકારની પાઈપલાઈન કે એરવાલ્વમાં તોડફોડ કે ચેડા કરવા નહી અનધિકૃત ઈસમો/સંસ્થા દ્વારા ગેરકાદેસરના કનેકશન લેવા નહી તેમજ પાણીનો દુરુપયોગ, બગાડ કે વેચાણ કરવું નહી.
નહેર તથા જળાશય/કેનાલમાથી અગર તેની પાઈપલાઈનમાથી પીવાના પાણીની મુશ્કેલી કે અન્ય કારણે ટેન્કર અગર અન્ય સાધનો દ્વારા સરકારશ્રી/કલેકટરશ્રી/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે નગરપાલીકા કે કાર્યપાલક ઈજનેરશ્રી (સિંચાઈ વિભાગ, મોરબી) કે કાર્યપાલક ઈજનેરશ્રી (ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, મોરબી) કે કાર્યપાલક ઈજનેરશ્રી, સરદાર સરોવર નર્મદા નિગમ લિ.-સૌરાષ્ટ્ર શાખા નહેરના સક્ષમ સત્તાધિકારી દ્વારા પાણી માટે મંજુરી અપાયેલ હોય તેવા શખ્સો, જાહેરસેવકો અને ટેન્કરો કે વાહનોને આ હુકમ લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો અગર તેના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેવું અંતના જણાવાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,