શિક્ષણ નિયામક દ્વારા જિલ્લાના તમામ શિક્ષણાધિકારીઓને બાળકોને પબજી ગેમથી દૂર રાખી તે અંગેની જાગૃતિ કેળવવાની સુચનાઓ અપાઈ
હાલ યુવાધનમાં પબજી ગેમની ઘેલછા દિન-પ્રતિદિન વધી રહી છે. સ્થળ અને સ્થિતિનું ભાન ભુલાવી દેનારી આ પબજી ગેમ યુવાધન માટે નુકશાનકાર સાબીત થઈ છે ત્યારે આ ગેમ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાની તજવીજ ચાલી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે. વધુમાં શિક્ષણ નિયામકે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને બાળકોને પબજી ગેમથી દૂર રાખી તે અંગેની જાગૃતી કેળવવાની સુચનાઓ પણ આપી છે.
દેશમાં છેલ્લા થોડા સમયથી પબજી ગેમનું દુષણ બેફામ વધવા પામ્યું છે. આ ગેમ સ્થળ અને સ્થિતિનું ભાન ભુલાવી દેતી હોવાથી ગેમ રમનાર માટે ખુબ જોખમી સાબીત થઈ છે. વધુમાં આ ગેમમાં ૧૦૦ પ્લેયર્સને એક ટાપુ પર એક સાથે ઉતારી દેવામાં આવે છે. બાદમાં કોઈ એક પ્લેયર કે સ્કોડને અંત સુધી ઝઝુમતુ રહેવાનું હોય છે. આ દરમિયાન પ્લેયર્સે દરેક પ્રકારના વેપન્શન એકત્રીત કરી એકબીજા પર હુમલાઓ કરવાના હોય છે. આ પ્રકારની ગેમથી યુવાનોમાં નાની વયથી જ હિંસક વૃતિનો ભારે પ્રભાવ પડે છે તેથી ગેમ ખુબ નુકશાનકારક હોવાનું નિષ્ણાંતોએ જણાવ્યું છે.
અગાઉ પોકેમોન ગેમ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો તે જ પ્રકારે પબજી ગેમ પર નુકશાનકારક હોવાના લીધે તેના પર પણ પ્રતિબંધ લાદવાની તજવીજ ચાલી રહી છે. વધુમાં શાળાના બાળકો પણ પબજી ગેમ પાછળ ઘેલા થયા હોય શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને સુચના આપવામાં આવી છે કે, જિલ્લાની શાળાઓમાં બાળકો પબજી ગેમ ન રમે તેમજ આ અંગે લોકજાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવે.
આ સુચનાના પગલે યુવાનો અને બાળકોના શિક્ષણ પર ખુબજ નકારાત્મક અસર ઉભી કરતી પબજી ગેમ પર શાળા સંકુલમાં ટૂંક સમયમાં પ્રતિબંધ જાહેર કરવામાં આવનાર છે.વધુમાં બાળકો પબજી ગેમથી દૂર રહે તે પ્રકારના પગલા તમામ જિલ્લાઓમાં શિક્ષણાધિકારીઓ દ્વારા લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.